Home /News /gujarat /કચ્છનો 450 વર્ષનો ઇતિહાસ બદલાયો, માતાના મઢમાં બે વાર પતરી વિધિ થઈ
કચ્છનો 450 વર્ષનો ઇતિહાસ બદલાયો, માતાના મઢમાં બે વાર પતરી વિધિ થઈ
માતાના મઢમાં ઈતિહાસ સર્જાયો
Kutch Patri Vidhi : 450 વર્ષના ઇતિહાસમાં માતાના મઢ ખાતે બે વાર પતરી વિધિ કરવામાં આવી છે. સવારે મહારાવના નાના ભાઈ હનુવંતસિંહે પતરી વિધિ કરી અને બીજીવાર સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીએ પ્રસાદ ઝીલ્યો હતો.
કચ્છ : નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આઠમના રોજ કચ્છના કુળદેવી મા આશાપુરાના મઢ ખાતે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો શિશ ઝુકાવવા આવે છે. ત્યારે 450 વર્ષના ઇતિહાસમાં માતાના મઢ ખાતે પહેલીવાર એવું કંઇક બન્યું છે જે આજ સુધી નથી બન્યું. મા આશાપુરાના મઢ ખાતે પહેલીવાર બે વાર પતરી વિધિ કરવામાં આવી છે. સવારે મહારાવના નાના ભાઇ હનુવંતસિંહે પતરી વિધી કરીને પ્રસાદ ઝીલ્યો હતો. જ્યારે સ્વર્ગસ્થ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિદેવીએ બીજીવાર માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો.
કચ્છના પ્રખ્યાત એવા માતાના મઢમાં આજે ઈતિહાસ સર્જાયો છે. નવરાત્રિમાં આઠમના પવિત્ર દિને માતાના મઢમાં પતરી વિધિ યોજાઈ હતી. જેમાં આજે ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. મહારાવના નાના ભાઇ હનુવંતસિંહ તથા સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ પતરી વિધિ કરવાનો લ્હાવો લીધો હતો. તેમણે પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા.
આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજપરિવાર તરફથી મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે નહાવા પધારે છે. અને તે બાદ ચાચરા ભવાનીના મંદીરમાં પૂજા કરે છે. ત્યાર બાદ આશાપુરા માતાજીના મંદીરમાં માતાજીનો ભુવો પતરી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે. જાગરીયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાવ પોતાની પછેડીનો ખોળો પાથરી પતરી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પતરી મહારાવના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.
પતરી વિધિ મુદ્દેનો વિવાદ વર્ષ 2009 માં નવરાત્રીની આઠમના રાબેતા મુજબ પતરી વિધી કરવા ગયેલા પ્રાગમલજી ત્રીજાએ શારિરીક અસ્વસ્થતા અનુભવતા તેમની બાજુમાં હાજર જુવાનસિંહ હમીરજી જાડેજાને પરંપરા મુજબ વિધી કરવાનું કહેલું જે બાદ જુવાનસિંહે ચાચરા ભવાની અને ચામરની પૂજા કરી હતી. તે ઉપરાંત પ્રાગમલજીએ તેમને આશાપુરા માતાજીના મંદિરમાં પતરી ચડાવી અને ખોળો પાથરીને પતરી ઝીલવાનું કહેલું, જેનો ત્યાં ઉભેલા રાજબાવા યોગેન્દ્રસિંહ કરમશીએ વિરોધ કર્યો હતો.
ત્યારબાદ પ્રાગમલજી ત્રીજાએ 2010 ની સાલમાં રાજબાવા અથવા પુજારીને આ વિધિ રોકવાનો કોઈ હક્ક અધિકાર નથી, તેવા પ્રકારનું હુકમનામું ફરમાવવા લખપત તાલુકાની દયાપર કોર્ટમાં અરજી કરી હતી. તો કોર્ટે હુકમ આપતા કહ્યું કે ભુવા પુજારી દ્વારા કરાવવામાં આવતી આ વિધીને રોકવાનો કે તોડવાનો કોઈ પણ હક્ક કે અધિકાર રાજબાવા યોગેંદ્રસિંહને પ્રાપ્ત થયો નથી.
પતરી વિધિની ઐતિહાસિક ઘટના ગત વર્ષે નવરાત્રી પહેલા રાજપરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનો અવસાન થતાં પતરી વિધિ મુદ્દે કચ્છ જિલ્લા કોર્ટમાં ચાલતા કેસમાં ભુજના અધિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ આર.વી. મંડાણીએ હુકમ કર્યો હતો કે આ વિધિ એ રાજપરિવારની વિધિ છે. અને આ ફક્ત રાજવી કુળના વંશાનુક્રમે આવતા નજીકના વ્યક્તિ રાજપરિવારની મુખ્ય વ્યક્તિ સાથે રહીને જ કરી શકે. જે બાદ ગત વર્ષ રાજ પરિવાર તરફથી પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિ દેવીએ પતરી વિધિ કરી હતી. તો ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય તેવી આ ઘટનામાં પ્રથમ વખત કોઈ મહિલાએ પતરી વિધિ કરી હતી.