કુલદીપ શર્મા અને પીકે વાલેરાની રાજ્યસભા માટે દાવેદારી

બંને ભૂતપૂર્વ અધિકારીઓએ કોંગ્રેસ વતી ઉપલા હાઉસમાં જવા લોબિંગ શરુ કર્યું

બંને ભૂતપૂર્વ અધિકારીઓએ કોંગ્રેસ વતી ઉપલા હાઉસમાં જવા લોબિંગ શરુ કર્યું

 • Share this:
  અમદાવાદ :

  ગુજરાતના પૂર્વ સુપરકોપ અને "ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી" ના વાઇસ-પ્રેસિડન્ટ કુલદીપ શર્મા અને  ભૂતપૂર્વ સનદી અધિકારી તથા કોંગ્રેસ પક્ષના મહામંત્રી પીકે વાલેરાએ કોંગ્રેસ વતી રાજ્યસભામાં જવા માટે તેમની દાવેદારી નોંધાવી છે. આ મામલે બંને અધિકારીઓએ દિલ્હી જઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જયારે ભરતસિંહ સોલંકીએ સ્વયં તેઓ આ રેસમાં ન હોવાનું મંગળવારે સ્વીકાર્યું હતું.

  એક માહિતી અનુસાર, પીકે વાલેરા સાથે કોંગ્રેસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ આ મુદ્દે ફોન ઉપર વાતચીત કરી હતી. આ બંને અધિકારોએ તેમનો બાયો-ડેટા કોંગ્રેસ હાઈકમાનને મોકલી આપ્યો છે. પીકે વાલેરાને એઆઈસીસીના ગુજરાત પ્રમુખ અશોક ગેહલોતનો સહયોગ હોવાનું પણ જાણકારીમાં આવ્યું છે.

  પીકે વાલેરાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હોવાની પણ પુષ્ટિ કરી હતી. તેમના મતે 1970 થી કોંગ્રેસ પાર્ટી દલિત ઉમેદવારને રાજ્યસભામાં સ્થાન આપતી રહી છે. સૌ પ્રથમ યોગેન્દ્ર મકવાણા (1973-1988), રાજુ પરમાર (1988-2006) અને  પ્રવીણ રાષ્ટ્રપાલ (2006-2012) ને કોંગ્રેસે રાજ્યસભામાં મોકલ્યા હતા. રાષ્ટ્રપાલના નિધન બાદ તેમની બેઠક ચૂંટણી બાદ બીજેપીના ફાળે ગઈ હતી. વાલેરા પણ વણકર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોઈ, રાજ્યસભા માટે તેમની દાવેદારી પ્રબળ બનાવી છે.

  બીજી તરફ, કુલદીપ શર્મા 2017ની ગુજરાત વિધાનસભાના "સ્ટ્રેટેજીસ્ટ" તરીકે સફળ થયા છે. તેમણે પણ રાહુલ ગાંધીને દિલ્હીમાં રૂબરૂ મળીને તેમની દાવેદારી મજબૂત કરી છે.

  ઉલ્લેખનીય છે કે, આ વખતે રાજ્યસભા માટે 4 બેઠકો ખાલી પડી છે, આ તમામ બેઠકો બીજેપીના 4 સભ્યોની ટર્મ બીજી એપ્રિલના રોજ પુરી થતી મુદ્દતને કારણે ખાલી થઇ છે. જેમાં  અરુણ જેટલી, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને શંકરભાઇ વેગડનો સમાવેશ થાય છે. કોંગ્રેસ પાસે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને ભુપેન્દ્રસિંહ ખાંટ (અપક્ષ) ઉમેદવારોને ગણતા 77 સભ્યો છે. આ દ્રષ્ટિએ કોંગ્રેસ માટે રાજ્યસભાની 2 બેઠકો જીતવી સરળ છે. અત્યારે ગુજરાતના 11 રાજ્યસભાના સાંસદો પૈકી બે - મધુસુદન મિસ્ત્રી અને અહેમદ પટેલ કોંગ્રેસના છે, જો 23 માર્ચે યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ વધુ બે સભ્યોને મોકલી શકવામાં સફળ નીવડે તો તેનું સંખ્યાબળ રાજ્યસભામાં વધુ મજબૂત બની શકે તેમ છે.
  Published by:sanjay kachot
  First published: