અમદાવાદ : રાજ્યમાં વિવિધ મંદિરોમાં ધામધમુમથી ભગવાન કૃષ્ણના જન્મને વધાવ્યો હતો. કોરોના વાયરસના કારણે આ પ્રથમ વખત મોટાભાગના પ્રસિદ્ધિ મંદિરો ભક્તો માટે બંધ રહ્યા હતા. મંદિરોમાં પૂજારી સહિત થોડી માત્રામાં ભક્તો મંદિરમાં જોવા મળ્યા હતા. દ્વારકા, ડાકોર, શામળાજી, ઇસ્કોન મંદિર, ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ધામધૂમથી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દ્રારકામાં ભગવાનના જન્મ સમયે વરસાદના અમીછાંટણા પણ થયા હતા.
આ વખતે કૃષ્ણના જન્મના લાઇવ દર્શન માટે ભક્તોએ વેબસાઇટનો સહારો લીધો હતો. મોટી માત્રામાં ભક્તોએ ઓનલાઇન દર્શન કર્યા હતા.
બરોબર 12ના ટકોરે જગતમંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ભગવાનને રંગબેરંગી વાઘા પહેરાવવામાં આવ્યાં હતા. ભગવાનના આ દિવ્ય રૂપના ઓનલાઇન દર્શન કરીને ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ભગવાનના જન્મ પછી વિવિધ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનનું મુખ દર્શન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમની નજર ઉતારવામાં આવી હતી. આ પછી ભગવાન કૃષ્ણની આરતી કરવામાં આવી હતી ભગવાનના જન્મ સમયે મંદિર નંદ ઘેર આનંદ ભચો, જય કનૈયાલાલ કી ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.
દ્વારકામાં 13 ઓગસ્ટે ગુરુવારે એટલે કે પારણાં(નંદોત્સવ)ના દિવસે સવારે 7 વાગ્યે પારણાંના દર્શન થશે. 14 ઓગસ્ટથી મંદિર અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ભાવિક ભક્તો માટે રાબેતા મુજબ ખોલવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:August 12, 2020, 23:55 pm