અમદાવાદ: રાજ્યમાં પતંગની જીવલેણ દોરીનો આતંક વધી રહ્યો છે. પતંગની દોરીએ 2 લોકોના ભોગ લીધા છે. માત્ર 24 કલાકમાં દોરીથી અકસ્માતની 3 ઘટના બની છે. જ્યારે સુરત અને વડોદરામાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગઈકાલે ચાઈનીઝ દોરીએ એકનો ભોગ લીધો હતા. આજે પતંગની દોરીથી સુરતમાં એકનું મોત થયું છે, જ્યારે અમદાવાદનો કિશોર ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત થયો છે. પતંગની દોરીને લીધે અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, પરંતુ કેટલાક વેપારી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. રૂપિયાની લાલચમાં લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે.
દોરીથી શ્રમજીવીનું ગળું કપાયું
ડાયમંડ સિટી સુરતમાં બાઈકચાલકનો પતંગ દોરીને લીધે અકસ્માત સર્જાયો હતો. કામરેજ ચારરસ્તા પાસે પતંગની દોરીથી શ્રમજીવીનું ગળું કપાતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતક બળવંત ઉર્ફે રાજુ પટેલ નવાગામના રહેવાસી હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
ગઈકાલે વડોદરામાં ચાઈનીઝ દોરીએ એક યુવકનો ભોગ લીધો હતો. નવાપુર વિસ્તારના રબારી વાસ પાસે બાઈક સવાર 30 વર્ષીય યુવકનું ચાઈનીઝ દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. આ મૃતક યુવક દંતેશ્વરનો રહેવાસી હતો. યુવકનું મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે.
જમાલપુર રિવરફ્રન્ટ રોડ પર કિશોર ઇજાગ્રસ્ત
આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે, જ્યાં જમાલપુર રિવરફ્રન્ટ રોડ પરથી પસાર થતા ચાઈનીઝ દોરી ગળા પર આવતા કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત કિશોર પિતા સાથે ટુ વ્હીલર પર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાઈનીઝ દોરી ગળા પર આવતા કિશોરને ઈજા થઈ હતી. પ્રતિબંધ હોવા છતા લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે. આજની સુરતની ઘટનામાં પતંગની દોરી અને ગઈકાલની બે ઘટનામાં ચાઈનીઝ દોરી જીવલેણ સાબિત થઈ છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર