Kheda Poultry Raid: ખેડામાં દારૂનો 25 લાખ રૂપિયાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. SOG, LCB અને સ્થાનિક પોલીસની સંયુક્ત રેડમાં મોટો કાંડ ખુલ્યો છે. બીજી તરફ આ દારૂનો જથ્થો છોડાવવા માટે પોલીસકર્મી દ્વારા ધમપછાડા કરાયા હોવાના મુદ્દે પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા મહત્વના પગલા ભરવામાં આવી શકે છે.
ખેડા જિલ્લામાં દારૂની રેલમછેલ અને બૂટલેગરો બેફામ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે તો દારૂને છોડાવવા માટે પોલીસ કોન્સ્ટેબલે પણ ધમપછાડા કર્યા હતા. આ બાબતની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. એલસીબી અને એસઓજીએ સ્થાનિક પોલીસને સાથે રાખીને દારૂનું કટિંગ થાય તે પહેલા જ સંયુક્ત દરોડા પાડીને કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા આ કેસમાં કબજે કરાયેલા વાહનોમાં એક વડોદરાનું અને એક અમદાવાદનું વાહન પણ છે. જે રીતે પોલીસકર્મીએ દારૂ છોડાવવા માટે ધમપછાડા કર્યા છે તેને જોતા આ કેસની કડી અન્ય મોટા દારૂની હેરાફેરીના કાળાકામોનો ખુલાસા કરી શકે છે.
પોલીસકર્મીના જથ્થો છોડાવવા માટે ધમપછાડા!
વસોના ટુંડેલ પાસે બંધ પડેલા પોલટી ફાર્મમાં એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસે સંયુક્ત દરોડા પાડીને દારૂનો વિશાળ જથ્થો કબજે કર્યો છે. દરોડા પડ્યા પછી પોલ્ટી ફાર્મમાં છૂપાવેલો 25 લાખનો દારૂનો જથ્થો છોડાવવા માટે પોલીસ કોન્સ્ટેબલે પણ ધમપછાડા કર્યા હતા. ચપ્પલની આડમાં દારૂ લાવવામાં આવ્યો હતો.
પોલીસે દારૂનો 25 લાખ રૂપિયાના જથ્થા સાથે ત્રણ વાહનો પણ કબજે કર્યા છે. આ કેસમાં પોલીસે 7 લોકો સામે ગુનો નોંધ્યો છે. જોકે, દરોડા પડે તે પહેલા જ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. દારૂનો જથ્થો નડિયાદના બુટલેગર ગિરીશ પ્રજાપતિનો હોવાનું ખુલ્યું છે.
વડોદરા અને અમદાવાદનું વાહન કબજે કરાયું
પકડાયેલા વાહનોમાં એક વાહન વડોદરા પાર્સિંગનું છે જ્યારે એક વાહન અમદાવાદ પાર્સિંગનું પણ મળ્યું છે. હવે આ જથ્થો ખેડાથી અન્ય જિલ્લામાં કે શહેરોમાં લઈ જવામાં આવી રહ્યો હતો કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આરોપીઓ પકડાયા બાદ આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવના દેખાઈ રહી છે.
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છાસવારે પીધેલી હાલતમાં લોકો તથા દારૂની હેરાફેરીના કિસ્સા સામે આવતા રહે છે. જે રીતે આ ઘટનામાં એક પોલીસકર્મી દ્વારા દારૂનો જથ્થો છોડાવવા માટે ધમપછાડા કરાયા છે તેને જોતા આ કેસમાં વધુ ઊંડાણ પૂર્વક તપાસ થયા બાદ રાજ્યમાં થતી દારૂની હેરાફેરીની કડી મળે તેવી શક્યતાઓ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર