Home /News /gujarat /Gujarat Paper Leak: 15 દિવસ પહેલા પેપર હાથમાં આવ્યું હતું, પરીક્ષાના અણીના સમયે આરોપીઓ પકડાયા
Gujarat Paper Leak: 15 દિવસ પહેલા પેપર હાથમાં આવ્યું હતું, પરીક્ષાના અણીના સમયે આરોપીઓ પકડાયા
પરીક્ષા રદ્દ થતાકોલ લેટર બતાવીને વિરોધ કરી રહેલા ઉમેદવારો
Gujarat Junior Clerk Paper Leak: ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના બની છે તેમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓ પાસે 15 દિવસ પહેલા પેપર હાથમાં આવી ગયું હતું અને પરીક્ષા શરુ થાય તેના ગણતરીના કલાકો પહેલા પેપર વેચવા જતા આરોપીઓ પકડાયા છે. ગુજરાત ATS દ્વારા આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદઃ ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાના મામલે વધુ એકવાર બદનામ થઈ રહ્યું છે. આ વખતે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી તેના ગણતરીના કલાકો પહેલા પેપર ફૂટવાનો મામલો સામે આવતા આખરે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેસમાં ચોંકાવનારી વિગતો એવી સામે આવી રહી છે કે આરોપીઓ પાસે લગભગ 15 દિવસ પહેલા જ પેપર આવી ગયું હતું અને ગુજરાત ATS દ્વારા આરોપીઓ પરીક્ષાની છેલ્લી ઘડીએ તેને વેચવાની ફિરાકમાં હતા અને પકડી પાડવામાં આવ્યા છે.
આરોપીને કોઈ ખરીદનારું નહોતું મળી રહ્યું
આરોપીઓ પાસે પંચાયત સેવાની વર્ગ-3ની જુનિયર ક્લાર્કની પરીક્ષાના લગભગ 15 દિવસ પહેલા જ પેપર હાથમાં આવી ગયું હતું. પરંતુ કોઈ ખરીદનારું મળી રહ્યું નહોતું. જોકે, આરોપીઓ પરીક્ષાના અણીના સમયે પેપર વેચવાની તરફેણમાં હતા ત્યારે ગુજરાત ATS દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પકડાયેલા 15માંથી 10 આરોપીઓ ગુજરાત બહારના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે.
રાજ્ય બહાર જોડાયેલા છે પેપર ફૂટવાના તાર
ગુજરાતમાં જે પેપર ફૂટવાની ઘટના બની છે તેના તાર ગુજરાત બહાર જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જે પેપર ફૂટ્યું છે તે આંધ્રપ્રદેશથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને વડોદરાના પરીક્ષા કેન્દ્ર પર તેને વેચવાની તરફેણમાં હતા. જોકે, આરોપીઓ કોઈ સોદો પાડે તે પહેલા જ ATSની ટીમ દ્વારા દરોડા પાડીને 15 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
આ કેસમાં ઓડિશાનો રહેવાસી પ્રદીપ નાયક નામના આરોપી પણ રડારમાં આવ્યો છે. માનવામાં આવે છે કે પ્રદીપ પેપર ફોડવાના કેસમાં મુખ્ય સૂત્રધાર છે. આ સિવાય કેતર બારોટ અને શેખર નામના આરોપીઓની પણ સંડોવણી બહાર આવી છે. આ આરોપીઓ અગાઉ પણ પેપર લીક કરવાના કેસમાં સંડોવાઈ ચૂક્યા છે.
ગુજરાત બહારથી આવીને વડોદરામાં પરીક્ષા શરુ થાય તે પહેલા પેપર ફોડવાનો જે કાંડ રચવામાં આવ્યો હતો તે કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પેપર ફૂટવાના કેસમાં વધુ કેટલાક આરોપીઓ અને મોટા માથાઓની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સિવાય જે લોકો પેપર ખરીદવાની ઈચ્છા ધરાવતા હતા તેમની પણ શોધખોળ તેજ કરવામાં આવી છે.