"ગુજરાત મૉડલ" પર વારાણસીને ગજવશે જીગ્નેશ મેવાણી

News18 Gujarati
Updated: August 9, 2018, 7:33 AM IST
જિગ્નેશ મેવાણી- ફાઇલ તસવીર

ખરેખર 'ગુજરાત મૉડલ' જેવી બાબત વાસ્તવિક દૃષ્ટિએ અસ્તિત્વમાં છે શું?

  • Share this:
સંજય કચોટ :

ચૂંટણી નજીક છે. ગુજરાત તરસી રહ્યું છે અને રાજકારણ વરસી રહ્યું છે !  ખેડૂતો સિંચાઈ માટે વલખાં મારશે. મગફળીના કથિત કરોડોના કૌભાંડો બહાર આવી રહ્યાં છે.  બીજી તરફ બિહારના મુઝફ્ફરપુરમાં બાલિકાગૃહની દીકરીઓ પીસાઈ રહી છે. આ ઓછું હતું ત્યાં ઉત્તરપ્રદેશના દેવરિયામાં પણ 'મુઝફ્ફરપુર' જેવો જ કાંડ સર્જાયો છે. અહીં સામાન્ય રીતે જેમ થાય છે તેમ તપાસના આદેશો જારી થઇ ગયા છે.

જો કે, ગુજરાતની સ્થિતિ અલગ છે. અહીં 'જયંતિ ભાનુશાળીઓ' ના દબાણો એટલા છે કે....બાકી પ્રજાજનો સમજે છે ! ફરી અન્ય રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર મરાઠા આંદોલનથી પ્રભાવિત છે, છત્તીસગઢના સુકમા અને અન્ય પ્રદેશોમાં નક્સલીઓથી પ્રજા પીડિત છે તો કાશ્મીર સરહદે જવાનો શહીદ થઇ રહ્યા છે. આર્થિક કૌભાંડોથી હવે પ્રજા ટેવાઈ ગઈ છે.

લોકસભા ચૂંટણી આવતા જ સત્તાધારી પક્ષ ફરી એક વખત 'ગુજરાત મૉડલ' ની દુહાઈ દઈને મત માંગવા નીકળી પડશે. કિન્તુ ખરેખર 'ગુજરાત મૉડલ' જેવી બાબત વાસ્તવિક દૃષ્ટિએ અસ્તિત્વમાં છે શું ?

આ મૉડેલની વાત સાંભળનારા બીજા રાજ્યના લોકોને તો એવું જ થતું હશે કે, ગુજરાતમાં તો ઘરે-ઘરે સોનાના નળિયા હશે, પ્રજા અંજીર-અખરોટની રોટલી અને કાજુ-બદામનું શાક ખાતી હશે. એ'ય ને લીલાલહેર હશે...!

શું ખરેખર આવું છે ? લોકો તેમના હૃદય પર હાથ મૂકીને સ્વયંને પણ પૂછશે'ને તો પણ ઘણા સવાલોના જવાબ મળી જશે.ખેર, પાટીદાર નેતા હાર્દિક પટેલ હવે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. તેના 'આખરી ઘા' રૂપ 25મી ઓગસ્ટના આમરણાંત ઉપવાસને ધ્યાનમાં રાખીને આજે તેણે સૌરાષ્ટ્રમાં એક 'સંકલ્પ યાત્રા' કાઢી છે. જેતપુરના મોટા દળવા ગામ ખાતેથી આ 'સંકલ્પ યાત્રા'નો પ્રારંભ થયો હતો. જે મોડી સાંજે દ્વારિકા ખાતે પુરી થશે !

જયારે બીજી તરફ દલિત નેતા જીગ્નેશ મેવાણી આવતીકાલે એટલે કે નવમી ઑગસ્ટે વડાપ્રધાન મોદીના લોકસભા મતદાન ક્ષેત્ર વારાણસી જશે. અહીં તે "ગુજરાત મૉડલ" ની વાસ્તવિકતા અંગે 'બનારસ હિન્દૂ યુનિવર્સિટી' ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત, કબીર ચૌરા  ખાતે સવારે 11 કલાકે એક જાહેર સમારંભમાં પણ હાજર રહેશે.

જીગ્નેશ મેવાણી સાથે લાલજી દેસાઈ (રાષ્ટ્રીય અધ્યક્ષ, સેવા દળ), વરિષ્ટ પત્રકાર ઊર્મિલેશ, , હિન્દૂ કોલેજના પ્રો. રતન લાલ, ડૉ. પંકજ શ્રીવાસ્તવ, સુશ્રી અપર્ણા, નદીમ ખાન, શ્રુતિ નાગવંશી પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ વિષે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, 'ભગતસિંહ-આંબેડકર વિચાર મંચ' અંતગૅત તે બનારસ હિન્દૂ યુનિવર્સિટી ખાતે વક્તવ્ય આપશે. તેણે ઉમેર્યું હતું કે, આ સરકારમાં યુવાનો-ખેડૂતોની સ્થિતિ કપરી બની છે. ખેડૂતોને ટેકાના ભાવો, સ્વામીનાથન સમિતિની ભલામણોનો સ્વીકાર, ખેડૂતોની સ્થિતિ સુધાર સહિતના સંખ્યાબંધ વચનો આ સરકારે આપેલા. જે પૈકીનું કશું જ થયું નથી. ઉલટું ગત વર્ષ દેશમાં આશરે 12000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. મહારાષ્ટ્ર અને મંદસોરમાં વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતો ઉપર અત્યાચારો થયા છે.

યુવાનો માટે રોજગારી નથી. નોકરી નથી તેવું તો કેન્દ્રના જ એક મંત્રી નિવેદન આપી ચુક્યા છે. દેશનો યુવાન બેરોજગાર છે. બીજી તરફ કોર્પોરેટ ટેક્સ સરકાર માફ કરી રહી છે. આ દેશમાં દલિત, મુસ્લિમો, મહિલાઓ અને લિબરલ વૉઇસિસ તકલીફમાં છે. સ્થિતિ એટલી હદે કફોડી બની ગઈ છે કે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન પણ આ સરકારમાં થઇ શકતો નથી, તેમ જીગ્નેશે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમના આયોજન અને સફળતા માટે યુસીએફના સંયોજકો પ્રો. અવકાશ શર્મા, મકબુલ માતીન અને દીપ શિખા પ્રયત્નશીલ છે.

આમ પણ, 'ઓગસ્ટ' એ ક્રાંતિનો મહિનો છે. જોઈએ હાર્દિક અને જીગ્નેશ જેવા નેતાઓ કેટલી હદે અને કેટલી અસરકારકતાથી તેમની વાત રજૂ કરવામાં  સફળ રહે છે. સાચું કે ખોટું- જે હોય તે આ નેતાઓ કૈક તો કરે છે  ! પરંતુ પ્રજાનું શું ? એ ક્યારે જાગશે ?
First published: August 8, 2018, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading