જસદણ વિધાનસભા પેટા ચૂંટણીનાં પરિણામો ચોક્કસપણે ભાજપ માટે અચ્છે દિન પાછા લઇને આવશે એવું વર્તાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાનાં પરિણામો બાદ ભાજપને એક વાતની ચિંતા હતી કે સૌથી મોટા મતદારોનો સમૂહ ગુજરાતમાં કોળી મતદારો છે. વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં કોળી મતોનું પ્રભુત્વ હતું એવી ઘણી બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. જો લોકસભામાં ફરીથી 26 સીટો જીતવાનાં નિર્ધાર તરફ આગળ ધપવું હોય તો કોળી મતો અંકે કરવા ખૂબ જરૂરી હતું.
કોળી સમાજનાં ત્રણ મોટા નેતા ગુજરાતમાં છે. સૌથી મોટા નેતા પરસોત્તમ સોલંકી બીજા તેમનાં ભાઈ હીરા સોલંકી અને ત્રીજા કુંવરજી બાવળીયા. પરસોત્તમ સોલંકી તો ભાજપમાં જ છે પણ તેમનાં સ્વાસ્થ્યને કારણે એટલા સક્રીય નથી રહી શકતાં. હીરા સોલંકી પોતે હારી ગયા હોવાથી સ્વાભાવિક રીતે થોડીક અસર ઓછી થઇ જાય. હવે વધ્યા કુંવરજી બાવળીયા. કુંવરજીનું 2014થી જ સતત એવું ચાલી રહ્યું હતું કે તે ભાજપનાં સંપર્કમાં છે. જો કે કોંગ્રેસ માટે કોળી નેતા તરીકે તેઓ પાર્ટીનાં સૌથી મહત્વનાં પાંચ નેતાઓમાંથી હતા.
જસદણ બેઠક સતત જીતીને તેમણે પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો. પરંતુ કોંગ્રેસ ઘણાં વર્ષોથી સત્તાથી બહાર છે એટલે કુંવરજીને સ્વાભાવિક રીતે આકાંક્ષા જાગી હતી કે સત્તાનાં સ્વાદ એમને ચાખવા મળે. 2017ની ચૂંટણી કાંગ્રેસમાં છેલ્લી બસ હતી. હવે પછીની ચૂંટણી 2022માં આવે ત્યારે કોણે જોયું છે કે શું થાય. બીજી બાજુ 2019નો ત્યારે બહુ આશાવાદ પણ નહોતો. (એ તો હવે ત્રણ રાજ્યો કોંગ્રેસ જીતી છે એટલે થોડો આશાવાદ જાગ્યો છે.) એટલે કુંવરજી બાવળીયા માટે કોંગ્રેસમાં સર્વોચ્ચ હોદ્દો ન મળે તો ભાજપમાં જતા રહેવામાં જ ફાયદો હતો. કોંગ્રેસ પણ તેમને સાચવી ના શકી. પાટીદાર મતોની આશાએ પરેશ ધાનાણીને વિરોધ પક્ષનાં નેતા બનાવ્યાં. એટલે ત્યારે જ સમજાઈ ગયુ હતું કે કુંવરજીનાં કિસ્સામાં કાંઇ નવાજૂની થવાની.
બીજી બાજુ કોંગ્રેસે પણ જસદણમાં ક્યારેય સેકન્ડ કેડર ઊભી નહોતી કરી. કુંવરજી નહીં તો એ જેને કહે તેને જ ટિકિટ આપવાનો શિરસ્તો રાખ્યો હતો. જે હવે પાર્ટીને સમજાયું કે વ્યક્તિ નહીં સંગઠન મહત્વનું છે.
કુંવરજી ભાજપમાં આવ્યા અને કલાકોમાં મંત્રીપદ મેળવ્યું એટલે સ્વાભાવિક રીતે જ ભાજપમાં ઘણાંને પેટમાં તેલ રેડાયુ હતું. પણ કુંવરજીને ભાજપમાં લાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જોરદાર સિક્સર મારી હતી. સીધો જ તેમણે કોળી મતો પર ભાજપનું વર્ચસ્વ વધારી દીધુ હતું. કુંવરજીને પાર્ટીમાં લાવવામાં વિજયભાઈની મોટી ભૂમિકા હતી.
પેટા ચૂંટણી આવી ત્યારે પણ કોંગ્રેસનાં કેટલાક નેતાઓ એવા ગેલમાં હતા કે કોંગ્રેસ તો મેહનત કરી જ રહી છે પરંતુ ભાજપમાં જે લોકો ઇચ્છે છે કે કુંવરજી હારે તેને કારણે તે ફાવી જશે.
એટલે કોંગ્રેસે મહેનત તો સારી કરી હતી. વળી પાછું, ત્રણ રાજ્યોનાં પરિણામો આવ્યા તેનાથી તો કોંગ્રેસમાં એકદમ આત્મવિશ્વાસ આવી ગયો હતો કે તે કુંવરજીને જોરદાર ટક્કર આપી શકશે. પરિણામો પછીનાં કોંગ્રેસનાં પ્રચારમાં તે ઉત્સાહ દેખાયો પણ ખરો. સિધ્ધુ જેવા નેતાને છેલ્લી ઘડીએ લાવીને વાક્બાણો તો ચોક્કસ જોરદાર લગાવ્યા.
બીજી બાજુ ભાજપે પણ સારી તૈયારી કરી હતી. ભાજપને પણ ખબર હતી કે આ જીવસટોસટની લડાઈ છે. આરામથી જીતાશે નહીં. ભાજપે હોમવર્ક સારૂ કર્યુ હતું. તેમને ખબર હતી કે હીરા સોલંકી નારાજ થયા છે એટલે અહીંયા કોળી વોટોમાં પ્રચાર કરવાની તેમની જવાબદારી નક્કી કરી દીધી જેથી તેઓ જવાબદારીમાંથી છટકી શકે નહીં.
કુંવરજીનાં એક વખતનાં ચેલા અને પછી કુંવરજીની દીકરીને હરાવીને પાટીદાર નેતા બનેલા ભરત બોઘરા પણ નારાજ હતા. તેમને પણ ભાજપે પદ આપ્યું અને ચૂંટણીમાં જવાબદારી પણ સોંપી. ભરત બોઘરાની પરિસ્થિતિ તો એવી થઇ ગઇ હતી કે જો ભાજપ હારે તો હારનું ઠીકરું તેમના માથે જ ફૂટે એટલે નાછુટકે તેમણે મહેનત કરવી પડી.
આ ઉપરાંત ભાજપની સંગઠનની તાકાત અને કુંવરજી બાવળીયાની વર્ષોની મહેનત અને અંગત દબદબો ભાજપનાં પક્ષે હતાં.
કોંગ્રેસે મહેનત તો કરી હતી પણ તેને સંગઠન મજબૂત ન હોવાથી કેવી સ્થિતિ થાય તે સમજાયું. ઉમેદવાર પસંદ કરવામાં પણ ઘણો સમય લગાવ્યો અને અંતે અવસર નાકિયા પર પસંદગી ઊતારી હતી. પરંતુ અમારી ડિબેટમાં એક સ્થાનિકે ટકોર કરી હતી કે કમુરતામાં અવસર ના આવે. એટલે કે સરકારમાં જ્યારે સત્તા મેળવીને મંત્રીને ચૂંટવાનો મોકો વિસ્તારની જનતાને મળે તો તેઓ એ મોકો જવા ન દે.
કોંગ્રેસે પણ મતદાનનાં દિવસે જ આશાએ મૂકી દીધી હતી. એક કોંગ્રેસ નેતાએ જ કબૂલ્યું કે 10 હજાર વોટથી હારીશું. પણ હાર 10 હજારથી નહીં પરંતુ 20 હજારથી થઈ.
આ જીતથી ભાજપને ફાયદો થયો. પરિસ્થિતિ એવી હતી કે હારીને કોંગ્રેસે કંઇ ખાસ ગુમાવવાનું નહોતું પણ જીત થાત તો ઉત્સાહ સાતમા આસમાને હોત. બીજી બાજું ભાજપનું ઘણું બધું દાવ પર લાગેલુ હતું. સૌથી મોટી વાત હતી કે જે જીતશે તે આગામી લોકસભાની ચૂંટણીમાં દાવો કરી શકશે કે કોળી મતો અમારી સાથે છે.
ભાજપ જ્યારે પાટીદાર આંદોલન બાદ પાટીદાર વોટોમાં થોડી નુકસાની ભોગવી રહ્યું છે ત્યારે કોળી વોટબેંક મજબૂત કરવી એકમાત્ર રસ્તો છે 2019માં પોઝીટીવ એટીટ્યુડથી ઉતરવાનો. સૌથી મોટી વાત જેનાથી ભાજપનાં નેતાઓ સૌથી મોટી રાહત અનુભવી રહ્યા છે તે છે ખેડૂતો. રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ખેતીક્ષેત્રે પરિસ્થિતિ થોડી વિકટ બની છે. આ વર્ષે વરસાદ ઓછો થવાથી ગ્રામીણ ક્ષેત્રોમાં સ્વાભાવિક રીતે સરકારથી થોડી નારજગી ઊભી થયેલી છે. કોંગ્રેસનાં પ્રચારકોએ પણ આ વાતને વધુ જોરશોરથી ઊઠાવી હતી કે આ સરકાર ખેડૂત વિરોધી હોવાનાં આરોપ લગાવીને તેને હરાવવા હાકલ કરી. અંતે જસદણ એક ગ્રામીણ વિસ્તાર છે અને ત્યાં જે જીતે તે કહી શકે કે ગામડાઓમાં તેમનાં તરફી માહોલ છે.
એટલે એવું કહી શકાય કે ત્રણ રાજ્યોમાં હાર બાદ જસદણની જીત ભાજપ માટે વધુ સારા સમયે ન આવી શકી હોત. આ જીતથી ભાજપને 2019 માટે એક સારો 'અવસર' મળ્યો છે.
(લેખક ન્યૂઝ18 ગુજરાતી ટીવી ચેનલના સંપાદક છે)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર