Home /News /gujarat /

GPSCમાં પ્રથમ ક્રમે જાનકી જીતી પણ કુદરત સામે જિંદગીની બાજી હારી !

GPSCમાં પ્રથમ ક્રમે જાનકી જીતી પણ કુદરત સામે જિંદગીની બાજી હારી !

“Autoimmune disorder” સામે સંઘર્ષ કર્યો, સ્પર્ધાત્મક પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી પરંતુ,…

“Autoimmune disorder” સામે સંઘર્ષ કર્યો, સ્પર્ધાત્મક પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી પરંતુ,…

  ન્યૂઝ 18 માટે નથુ રામડા (જામનગર) :

  કુદરત પણ કેટલી બેરહમ હોય છે નહિ ? છેક હોંઠ સુધી આવેલો પ્યાલો ઝૂંટવાઈ ત્યારે દુઃખ થવું સ્વાભાવિક છે. પરંતુ અહીં વાત હોંઠ કે પ્યાલાની નથી, જિંદગી અને મૌતની છે. અહીં વાત કરવી છે જામનગરના એક નાનકડા ગામની જાનકી આહીરની . જે અસાધ્ય બીમારીનો ભોગ બનવા છતાં અખૂટ હિમ્મત, શ્રધ્ધા અને વિશ્વાસથી જિંદગી સામે સંઘર્ષ કરીને જીપીએસસીની પરીક્ષા આપે છે, એટલું જ નહિ, મદદનીશ નિયામક (આઈ.ટી.) વર્ગ- ૧ની પરીક્ષા માત્ર ક્લિઅર જ નહિ, સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે પાસ કરે છે. પરંતુ જયારે આ પરિણામ જાહેર થાય છે ત્યાં સુધીમાં જાનકી પોતાનો "જાન" ઈશ્વરના ચરણોમાં સોંપીને અનંતની યાત્રાએ નીકળી જાય છે. કેવી સંઘર્ષ ગાથા અને કેવી જિંદાદિલી !  હૃષીકેશ મુખૅજીની ફિલ્મ "આનંદ" માં રાજેશ ખન્નાનો પેલો સંવાદ તો યાદ હશે જ : "‘बाबू मोशाय, हम सब तो रंगमंच की कठपुतलियां हैं, जिसकी डोर ऊपर वाले के हाथ में है, कौन कब कहां उठेगा, ये तो कोई नहीं जानता."

  જાનકીની જિંદાદિલી જીતી પરંતુ એ મૃત્યુ સામે હારી ગઈ. આજે  વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજી ખુબ વિકસ્યું હોઈ; અનેક રોગોની દવાઓ ઉપલબ્ધ છે અને અગાઉ સારવારના અભાવે મૃત્યુ પામતા તેવા દર્દીઓને બચાવી શકાયા છે. જોકે હજુ પણ અનેક એવી ગંભીર બીમારીઓ છે જે અસાધ્ય છે. આવી જ એક બીમારી જેનું નામ છે “Autoimmune disorder”. આ અસાધ્ય બીમારીનો ભોગ બની હતી જામનગર જીલ્લાના વડત્રા ગામની જાનકી ચાવડા. ભાણવડના મેવાસા ગામે વિનોદ ભાદરકા સાથે લગ્ન કર્યા બાદ દંપતી ગાંધીનગર સ્થાયી થઇ નોકરી કરતા હતા અને જીવનના સુખદ દિવસો સાથે જાનકીબેન આહીર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરતા હતા.

  જોકે ઈશ્વરે જાનકીબેનનું પ્રારબ્ધ જુદું જ લખ્યું હતું. જાનકીને “Autoimmune disorder” નામની અસાધ્ય બીમારી લાગુ પડી હતી. પરંતુ બીમારીથી હારી જાય કે ડરી ગયા વિના જાનકીએ GPSC ની પરીક્ષાની તૈયારીઓ કરી. ગુજરાત પબ્લિક સર્વિસ કમીશન દ્વારા વિજ્ઞાન અને પ્રોધોગીક વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (આઈ.ટી.) વર્ગ-૧ ની ભરતી માટેની જાહેરાત આવતા જાન્યુઆરી ૨૦૧૭માં જાનકીએ હોશભેર પરીક્ષા આપી.

  સૌ કોઈની માફક જાનકી પણ હવે પરીક્ષાનું પરિણામ આવે તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી. કારણ કે અસાધ્ય બીમારી સામે સંઘર્ષ કરીને સતત ઝઝૂમીને પરીક્ષાની તૈયારી કરી હોય તેને સ્વાભાવિક જ તેના પરિણામ માટે આતુરતા હોય. પરંતુ ઈશ્વરને જાનકીની ખુશી તેની હયાતીમાં મંજુર નહોતી. માર્ચ ૨૦૧૮માં પરિણામો જાહેર કરવામાં આવ્યા  ત્યારે આ હોનહાર દીકરીએ ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. “Autoimmune disorder” ના અસાધ્ય રોગ સામેના સંઘર્ષમાં આખરે બીમારીનો વિજય થયો હતો અને જાનકી આહીર હારી ગઈ.

  વિધિની વક્રતા તો જુઓ કે જાનકીએ આ સ્પર્ધાત્મક પરીક્ષા ઓબીસી કક્ષામાંથી ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે પાસ કરી હતી. પરીક્ષાનું પરિણામ લગભગ એક વર્ષ બાદ આવ્યું ત્યારે તે કુદરત સામે જિંદગીની બાજી હારી ચુકી હતી. "આનંદ' ફરી યાદ આવે છે. કહેવાનું મન થાય છે : आनंद मरा नहीं, आनंद मरते नहीं' બસ આમ "જાનકી મરતી નથી, જાનકી આપણા સૌના સ્મરણોમાં અને સંઘર્ષોમાં સદાય જીવતી રહેશે"
  Published by:sanjay kachot
  First published:

  Tags: GPSC, Top, જામનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन