જામનગર: સરકારી હૉસ્પિટલોનો કોઈ વિવાદ સામે ન આવે તો જ નવાઈ કહેવાય! કોરોનાકાળમાં જામનગરની જી.જી.હૉસ્પિટલ (Guru Gobind Singh Hospital- Jamnagar) સહિત અનેક સરકારી હૉસ્પિટલોના વિવાદો સામે આવ્યા છે. ગુજરાતની બીજા નંબરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલ (Civil hospital) એવી જી.જી. હૉસ્પિટલ ફરી એક વિવાદમાં આવી છે. આ વખતે મામલો કંઈક અલગ જ છે. હકીકતમાં અહીં નોકરી કરતા એક યુવતી રવિવારે એક યુવક સાથે વોર્ડમાં આવી હતી અને અંદરથી દરવાજો બંધ કરી લીધો હતો. જોકે, યુવતીની આ હરકત પકડાઈ ગઈ હતી અને તેણીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. યુવતી બહાર આવી ત્યાં સુધી સુરક્ષા ગાર્ડો અને તંત્રને પરસેવો ચોક્કસ વળી ગયો હતો!
હૉસ્પિટલનો માહોલ ગરમ...
મળતી માહિતી પ્રમાણે રવિવારના દિવસે જામનગરની જી.જી. હૉસ્પિટલ ખાતે એક મહિલા કર્મચારી તેના પુરુષ મિત્ર સાથે આવી હતી. યુવતી કસરત વિભાગ (Excercise department)માં કામ કરે છે. સામાન્ય રીતે રવિવાર હોવાથી હૉસ્પિટલમાં ખાસ ઇમરજન્સી સિવાયની કામગારી બંધ રહેતી હોય છે. આ તકનો ગેરલાભ ઉઠાવીને એક મહિલાકર્મી તેના પુરુષ મિત્રને લઈને હૉસ્પિટલ આવી પહોંચી હતી. તેણી કસરત વિભાગમાં કામ કરતી હોવાથી તે પોતાના પુરુષ મિત્ર સાથે 12 નંબરના વોર્ડમાં આવેલા કસરત વિભાગમાં પૂરાઈ હતી. જોકે, બંને વધારે એકાંત માણે તે પહેલા જ સિક્યુરિટી ગાર્ડના આ વાત ધ્યાનમાં આવી ગઈ હતી. આ વાત વાયુવેગે પ્રસરી જતાં હૉસ્પિટલનો માહોલ ગરમાયો હતો.
દરવાજો અંદરથી બંધ....
રજા હોવા છતાં યુવતી વોર્ડમાં આવી હોવાનું ધ્યાને આવ્યા બાદ ત્યાં તહેનાત સિક્યુરિટી ગાર્ડે આ અંગે તપાસ કરી હતી. તપાસ કરતા કસરત વિભાગનો દરવાજો અંદરથી બંધ હતો. એટલું જ નહીં, વારંવાર ખખડાવા છતાં દરવાજો ખુલ્યો ન હતો. જે બાદમાં સિક્યુરિટી ગાર્ડને 100% ખાતરી થઈ ગઈ હતી કે અંદર કંઈક 'ગંદુ કામ' ચાલી રહ્યું છે. જોકે, દરવાજો ન ખુલતા ત્યાં તહેનાત સિક્યુરિટી ગાર્ડ્સ પાસે રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો.
અંતે દરવાજો ખુલ્યો...
રિપોર્ટ પ્રમાણે કસરત વિભાગમાં અંદર પૂરાયેલા યુવક અને યુવતી બપોરે 12:30 વાગ્યાની આસપાસ બહાર નીકળ્યા હતા. બંનેએ કલાક સુધી અંદર પૂરાયેલા રહ્યા હતા. બીજી તરફ બહાર સિક્યુરિટી ગાર્ડ તેમને આવકારવા માટે તૈયાર જ બેઠા હતા. બહાર નીકળતા બંનેની પૂછપરછ કરવામાં આવી હતી અને અધિકારી પાસે લઈ જવામાં આવ્યા હતા. અહીં બંનેની પૂછપરછ કરવામાં આવી હતી અને બાદમાં નામ, સરનામું, મોબાઇલ નંબર લઈને જવા દેવામાં આવ્યા હતા. તપાસમાં માલુમ પડ્યું છે કે પોતાના પુરુષ મિત્ર સાથે વોર્ડમાં એકાંત માણનારી યુવતી કોન્ટ્રાક્ટ પર કામ રહી છે. આથી તંત્ર તરફથી હૉસ્પિટલની આબરું ન જાય તે માટે તેણીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ આખો મામલો હૉસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
દિવ્યભાસ્કરમાં છપાયેલા અહેવાલ પ્રમાણે જી.જી. હૉસ્પિટલના RMO પી.આર. ભુવાએ જણાવ્યું હતું કે, 'રવિવારે કોન્ટ્રાક્ટ પર કામ કરતી યુવતી કોઈ પુરુષ સાથે રૂમમાં પૂરાઈ હોવાની વાત ધ્યાનમાં આવી હતી. પૂછપરછ બાદ યુવતીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.'