રાજ્યના અનેક જવાનોએ દેશ માટે શહીદી આપી. પરતું જ્યારે અમદાવાદની વાત આવે ત્યારે નિકોલના વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીનું નામ ચોક્કસથી સૌ કોઈના મુખમાં આવી જાય. માત્ર ૨૬ વર્ષની ઉંમરે ઋષિકેશ રામાણી દેશ માટે શહીદ થયા. મેજર ઋષિકેશ રામાણીની પરિવારજનોને આજે પણ તેમની એટલી જ યાદ આવી રહી છે કારણકે પરિવારનો એકનો એક દીકરો દેશ માટે શહીદ થયો છે તેનો ગર્વ તો તેઓને છે સાથે સાથે દુઃખ પણ છે.
વીર શહીદ જવાન ઋષિકેશ રામાણી આજે લાખ્ખો ગુજરાતીઓ માટે પ્રેરણા રૂપ બની ગયા છે. અનેક આકરી કસોટી ઓમાંથી પસાર થઈને નાની ઉંમરમાં મેજર તરીકે પ્રમોશન મેળવ્યું. અને આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા. ૮મી ઓક્ટોબર 1987ના રોજ તેમનો જન્મ થયો હતો. ધોરણ એક થી છ, અમદાવાદની એક ખાનગી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ જામનગરના બાલાચડીમાં આવેલ સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.
સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવાની ઋષિકેશ રામાણીની નાનપણથી જ ઈચ્છા હતી. સૈનિક સ્કૂલમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ ઋષિકેશ રામાણીએ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પ્રવેશ માટેની પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવ્યો.
વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૫ સુધી નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલા પુનામાં તાલીમ મેળવી બાદમાં દેહરાદૂનમાં ઇન્ડિયન એકેડમીમાં એક વર્ષની તાલીમ પૂર્ણ કરી. અને ૧૧ જૂન ૨૦૦૫ ના દિવસે ભારતીય સેના ના ભૂમિદલ માં લેફ્ટનન્ટ તરીકે પંજાબ રેજિમેન્ટના યુનિટ 23 માં નિમણૂક મળી. ત્યારબાદ તેમના યુનિટને જમ્મુ-કાશ્મીરમાં ફરજ આપવામાં આવી.
ત્રણ વર્ષ સુધી લેફ્ટનન્ટ તરીકેની ફરજ બજાવ્યા બાદ વીર શહીદ ઋષિકેશ રામાણીને કેપ્ટન તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું. જોકે ઋષિકેશ રામાણીની કામ કરવાની ધગશ અનેક કામગીરીને ધ્યાનમાં રાખીને તેઓને 11 જૂન 2008ના રોજ મેનેજર તરીકેની બઢતી આપવામાં આવી.
મેજર ઋષિકેશ રામાણી જમ્મુ કાશ્મીરના કુપવાડામાં પોતાની ફરજ પર હાજર હતા તે દરમિયાન પાકિસ્તાન સરહદે થી 10 આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી. અને આતંકીઓને શોધી કાઢવા માટે કંપની કમાન્ડર તરીકેની જવાબદારી મેજર ઋષિકેશ રામાણીને સોંપવામાં આવી. ઘોર અંધકાર અને વરસાદી વાતાવરણમાં ઋષિકેશ રામાણી અને તેમની ટીમ દ્વારા આતંકીઓનું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. પૂરી સાવચેતી અને આક્રમકતાથી આગળ વધી રહ્યા હતા. અચાનક તેઓનું ધ્યાન આતંકિઓ પર પડયું અને તેઓએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા.
જોકે હજી પણ એક આતંકી હોવાનું જાણવા મળતાં ખંતીલા સ્વભાવના ઋષિકેશ રામાણીએ તેને પણ ઠાર મારવાનું નક્કી કર્યું. આ દરમિયાન ઘોર અંધકાર અને વરસાદી વાતાવરણના કારણે આતંકી અને મેજર ઋષિકેશ રામાણી આમને-સામને આવી ગયા. અને બંને વચ્ચે જોરદાર ગોળીબાર થયો. જેમાં 6ઠ્ઠી જૂન ૨૦૦૯ના દિવસે ઋષિકેશ રામાણીને છાતીના ભાગે ગોળી વાગી અને તેમના સાથી મિત્રને પણ ગોળી વાગતા બંને શહીદ થયા.
વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીને તેમની કામગીરી બદલ સેના મેડલ પણ એનાયત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં બાપુનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલને વીર શહીદ મેજર ઋષિકેશ રામાણી શાળા સંકુલ નામ પણ આપવામાં આવ્યું છે. અને નિકોલ શુકન ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશનના બગીચાને પણ શહીદ મેજર ઋષિકેશ રામાણીનું નામ આપવામાં આવ્યું છે. પરિવારનો એકનો એક દીકરો દેશ માટે લડી રહ્યા હોવાનું ગર્વ તો પરિવારને હતો. પણ તેમના પિતાએ મોટી વાત કરતા કહ્યું કે અમારા માટે આ જ ગૌરવ ઓકસિજન છે