વિરાટ કોહલીની ટીમ આરસીબી આઈપીએલ-12માં સતત ફ્લોપ જઈ રહી છે. આરસીબી અત્યાર સુધી પોતાની બધી 6 મેચો હારીને પોઇન્ટ ટેબલમાં સૌથી નીચેના ક્રમે છે. આરસીબીમાં વિરાટ કોહલીના સાથી ખેલાડી અને સૌથી સારા મિત્ર ગણાતા એબી ડી વિલિયર્સે ટીમના કંગાળ પ્રદર્શન માટે કારણ જણાવ્યું છે.
ડી વિલિયર્સે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પોતાના બ્લોગમાં લખ્યુ છે કે દિલ્હી કેપિટલ્સ સામે પરાજય પછી ગેરી કર્સ્ટને તેને પૂછ્યું હતું કે ટીમમાં ક્યાં ખામી રહી ગઈ છે. ડી વિલિયર્સે તેનો જવાબ આપ્યો હતો કે મોટાભાગે ક્રિકેટમાં ટીમની સ્થિતિનો અંદાજ તેની ફિલ્ડિંગથી લગાવી શકાય છે. દરેક ખેલાડી બેટ્સમેન હોય છે અથવા બોલર હોય છે. એ સમજી શકાય છે કે તેમનું ધ્યાન પણ બેટિંગ અને બોલિંગ પર વધારે રહે છે. દરેક ખેલાડી એક ફિલ્ડર પણ છે. મારો મત છે કે જ્યારે તમે મેદાન ઉપર હોય તો તમારે એકજુટ બનીને રમવાની ભૂખ અને ઇચ્છા બતાવવી પડે છે.
ડી વિલિયર્સે ખરાબ ફિલ્ડિંગને ખરાબ પ્રદર્શન માટે મુખ્ય કારણ ગણાવતા આગળ લખ્યું હતું કે કદાચ આ જ તે બાબત છે જ્યાં અમે ચૂકી રહ્યા છીએ. અમારી ફિલ્ડિંગ ઘણી ખરાબ રહી છે. અમે દરેક મેચમાં એટલી તકો ગુમાવવાનું જોખમ ઉઠાવી શકીએ છીએ. અમારો ઘણા નાના માર્જીનથી પરાજય થયો છે. મુંબઈ અને કોલકાતાને અમે તેમના ઘરમાં હરાવી શકતા હતા.
આંકડા પણ આરસીબીના નબળી કડીને સાચી સાબિત કરે છે. અત્યાર સુધી રમાયેલ છ મેચમાં ટીમે 19 કેચ ઝડપ્યા છે, જ્યારે 14 કેચ ડ્રોપ કર્યા હતા. રોમાંચક સમયે આ ડ્રોપ કેચ ટીમના પરાજયનું કારણ બન્યા છે. આરસીબી હવે પોતાની આગામી મેચ 13 એપ્રિલે પંજાબ સામે રમશે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર