'કૌન કહેતા હૈ આસમાન મેં સુરાખ નહિ હો સકતા...'

આ વાત છે 22 વર્ષના જુવાન ગુજરાતી આઇપીએસ ઓફિસર સફિન હસનની જેણે જીવનની તકલીફોને અથાગ મહેનતથી અવસરમાં પલટી નાખી !

આ વાત છે 22 વર્ષના જુવાન ગુજરાતી આઇપીએસ ઓફિસર સફિન હસનની જેણે જીવનની તકલીફોને અથાગ મહેનતથી અવસરમાં પલટી નાખી !

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :

  એક નાનકડો અને હંમેશ મુજબનો કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ રહ્યો હતો. 'હેલ્ધી કેમ્પસ' અંતર્ગત નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના નિયામક હરિઓમ ગાંધી ગુજરાતની કોલેજોના કેમ્પસને નશામુક્ત કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. ગાંધીના આ પ્રયાસો સરાહનીય છે; પરંતુ રાજ્યની કેટલી કોલેજો તેને ગંભીરતાથી લે છે તેના પર પણ ઘણા સવાલો છે. જો કે આ સ્ટોરી કોઈની ટીકાટિપ્પણ માટે નથી. અહીં વાત આ પ્રસંગે પોતાના કાર્ય અને લક્ષ્યાંકને 'નશો' બનાવનારા એક પ્રેરણાદાયી વ્યક્તિત્વની કરવી છે.

  સતત નાની-મોટી ફરિયાદ કરતા, ખૂબ જલ્દીથી 'બોર' થઇ જતા, માથું મોબાઈલમાં ઘાલીને માનસિક રીતે માયકાંગલા બની ગયેલા અને ભરજુવાનીએ ગગલીની જેમ રોયા કરતા આપણા આજની યુવાપેઢી માટે આ કાર્યક્રમમાં આવેલો આ જુવાન આદર્શ અને પ્રેરક બની રહેવો જોઈએ !

  હરિઓમ ગાંધી સાથે આવેલો આ ફૂટડો જુવાન થોડી વારે ગુજરાત યુનિવર્સિટીના યુવાનોને વક્તવ્ય આપવા ઉભો થયો, તેણે કહ્યું : ‘જ્યારે દુનિયા માનતી હતી કે પોતાની વાત માત્ર શબ્દોથી જ કહી શકાય; ત્યારે ચાર્લી ચેપ્લિને બોલ્યા વિના આખી દુનિયાને હસાવેલી. આપણે માનતા કે માત્ર મહિલાઓ જ રસોઈ બનાવી શકે; ત્યારે સંજીવ કપૂરે દુનિયાને પોતાના હાથની રસોઈની દિવાની બનાવી. વૃદ્ધત્વ નિવૃત્તિ માટે હોય એ માન્યતા વચ્ચે અમિતાભ બચ્ચન પ્રતિવર્ષ ત્રણ ફિલ્મો આપી રહ્યા છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ વિના સફળતા ન મળે એ માન્યતાને તોડીને શાહરુખખાન બોલિવૂડનો બાદશાહ બન્યો. ધીરૂભાઈએ ઉદ્યોગજગતના શીખરો સર કરીને ‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’નો સંદેશ આપ્યો. આ વાત પરથી આપણે એ શીખવાનુ છે કે આપણે શું કરવાનુ છે.’

  આ જબરદસ્ત ચેતનાવંત અને પ્રેરક વક્તવ્ય આપનારો આ જુવાન માત્ર બોલતો જ નથી, બોલેલું પાળી પણ બતાવે છે. 22 વર્ષના ગુજરાતના યંગેસ્ટ સફિન હસનના આ શબ્દો ખોખલા એટલા માટે નથી, કારણ તે સ્વયં પ્રથમ પ્રયાસે યુપીએસસીની પરીક્ષા પાસ કરી ચુક્યા છે; એટલું જ નહિ આઇપીએસ કેડર માટે પસંદ થયા છે.

  બનાસકાંઠાના કણોદર ગામના સફિને જૂન 2016માં યુપીએસસીની તૈયારી શરૂ કરી અને જૂન 2017માં 570મો રેન્ક મેળવ્યો. સફિનની આઈપીએસની ટ્રેનિંગ થોડા સમયમાં જ  શરૂ થઈ રહી છે પણ તેનો વિચાર તો આઈએએસ બનવાનો હોઈ તેઓ ફરીથી યુપીએસસી આપવાના છે. જેની તૈયારી પણ તેઓ અત્યારથી કરી રહ્યા છે.

  ગુજરાતી ભાષામાં જ યુપીએસસીની પરીક્ષા ગુજરાતી સાહિત્યના મુખ્ય વિષય સાથે પાસ કરનારા સફિનના પિતા ગામમાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે અને માતા બીજાના ઘરે રોટલા ઘડે છે. ના, પણ માતા-પિતાની ગરીબી સાફિનના ઊંચા નિશાનની વચ્ચે ક્યારેય ન આવી. તેઓ  હંમેશા સખત મહેનત, સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે તેના લક્ષ્યાંકને વળગી રહ્યા।

  શાળામાં આવેલા કલેક્ટરનું માન-સન્માન જોઈને સફિને નાનપણમાં જ  મનોમન કલેક્ટર બનવાની ગાંઠ વાળી લીધી. લાલબત્તીવાળી ગાડીમાં ફરવાની આશા સાથે પબ્લિક સ્પિકિંગ, પબ્લિક એંગેજમેન્ટ, નો ફિયર, કોન્ફિડેન્સ ડેવલપ કરવાનુ શરૂ કર્યું. સાફિન કહે છે કે, ધો.10 ગામમાં રહીને પૂર્ણ કર્યુ. પાલનપુરની એક સ્કૂલે પરિસ્થિતિ જોઈને ધો.11-12ની ફી માફ કરી.

  ધો.12 પૂરું કર્યા બાદ સુરતની એસવીઆઇટી એન્જિનિરીંગ કોલેજમાં એન્જિનિરીંગ કરવા ગયો. સુરતમાં એડમિશન મળ્યું પણ ફીના પૈસા નહોતા. સગા-સંબંધીઓએ મદદ કરી. પૈસા ઓછા પડતા એટલે ટ્યુશન કરીને  હોસ્ટેલની ફી કાઢતો. કોલેજ બાદ યુપીએસસીનો ગોલ દેખાતો હતો પણ ક્લાસિસના પૈસા નહોતા. ગામમાં રહેતા હુસેનભાઈ અને ઝરીનાબેને નિ:સ્વાર્થ ભાવે ભણવા-રહેવા અને જરૂરી અભ્યાસ સામગ્રી તેમજ આવવા-જવાના પૈસા આપ્યા અને દિલ્હીમાં ક્લાસ શરૂ થયા.

  એક વર્ષની અથાગ મહેનત બાદ આખરે સાફિન હસનને યુપીએસસીની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ પાસ કરી લીધી.

  સાફિન હસન સંવેદનશીલ અને માનવીય મૂલ્યો ધરાવતો જુવાન છે. તેણે માત્ર 18 વર્ષની ઉંમરે પાલનપુરમાં "નિર્માણ : પરિવર્તન" નામની સ્વૈચ્છીક સંસ્થા શરુ કરી હતી. સાફિન અહીં પાલનપુરના આસપાસના ગામોમાં રહેતા ગરીબ બાળકોને ભણાવે છે. તેમના કહેવા પ્રમાણે કોલેજમાં વેકેશન દરમિયાન તે અને તેના મિત્રો અહીં શિક્ષણ આપવાનું કાર્ય કરતા। ભવિષ્યમાં આ  એનજીઓના માધ્યમ થકી ગરીબ અને આદિવાસી બાળકોને ભણાવીને ક્લાસ વન ઓફિસર્સ બનાવવાનુ તેનું આયોજન છે.

  હવે કહો, શું અશક્ય છે ? આ પ્રસંગે શા માટે કવિ દુષ્યંતકુમાર ત્યાગી  યાદ ન આવે ? જે સાચું જ કહે છે : 'कौन कहता है आसमान में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबियत से उछालो यारों..'
  Published by:sanjay kachot
  First published: