Home /News /gujarat /VIDEO: તસ્કરોના નિશાના પર મંદિરો, રામપર ગામમાં એક સાથે ત્રણ મંદિરોમાં ચોરી
VIDEO: તસ્કરોના નિશાના પર મંદિરો, રામપર ગામમાં એક સાથે ત્રણ મંદિરોમાં ચોરી
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરીની ઘટનાઓ વધી છે.
Temple Theft CCTV Video: જામનગરના રાજકોટ રોડ ઉપર આવેલા રામપર ગામે એકી સાથે ત્રણ મંદિરમાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી અઢીથી ત્રણ લાખ રૂપિયાની મતાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે
કિંજલ કારસરીયા , જામનગર: જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દેવસ્થાનોમાં તસ્કરોએ તરખાટ મચાવવાનું શરૂ કર્યું છે. રામપર ગામમાં એકી સાથે ત્રણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના-દાગીના અને દાનપેટીને નુકસાન પહોંચાડી અઢી લાખથી ત્રણ લાખના મુદ્દામાલની ચોરી કરી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે ચોરીની આ ઘટના હર્ષદ માતાના મંદિરમાં આવેલા સીસીટીવીના ફૂટેજમાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના રાજકોટ રોડ ઉપર આવેલા રામપર ગામે એકી સાથે ત્રણ મંદિરમાં તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને દાનપેટીમાંથી અઢીથી ત્રણ લાખ રૂપિયાની મતાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. એક જ અઠવાડિયામાં રાજકોટ રોડ પરના સોયલ બાદ રામપરમાં આવેલા ત્રણ દેવસ્થાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા છે. જેમાં જાટિયા પરિવારનું હરસિધ્ધિ માતાજીનું મંદિર, મકવાણા પરિવારનું રવેચી માતાજીનું મંદિર અને ભરવાડ સમાજના મચ્છુમાના મંદિરમાં સોના-ચાંદીના છત્તર અને હાર ઉપરાંત દાનપેટીમાં હાથ ફેરો કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જો કે, ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. આ સમગ્ર ચોરીની ઘટનાને લઈને પંચકોષી એ ડિવિઝન ઉપરાંત એલસીબી, એસઓજી સહિતનો પોલીસનો પણ ઘટના સ્થળે દોડી જઇને સમગ્ર મામલે વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
હોળી-ધુળેટીના તહેવારો નજીક છે તે પહેલા જ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરીની ઘટનાઓ વધી છે. અગાઉ પણ રાજકોટ રોડ ઉપર આવેલા ધ્રોલ નજીકના સોયલ ગામે મંદિરમાં ચોરી થઈ હતી. ત્યાર બાદ વધુ ત્રણ મંદિરને આ જ રોડ ઉપરના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
દેવસ્થાનોમાં તસ્કરીની વધી રહેલી ઘટનાને લઈને શ્રદ્ધાળુઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરો પણ વધુ આવતા હોય છે ત્યારે હોળી ધુળેટીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ આ પ્રકારની ચોરીની ઘટનાઓને લઈને પોલીસ પણ ખેત મજૂરી કરવા આવતા લોકો પર શંકાની સોય જણાવતા તપાસ શરૂ કરી છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા ચોરીના બનાવોને લઈને હવે એલસીબી એસઓજી સહિત જિલ્લાભરની પોલીસને તસ્કરી અટકાવવા તપાસમાં લગાવી દેવામાં આવી છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર