ભાવનગરઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં છાસવારે અલગ-અલગ જગ્યાઓ પરથી ગેરકાયદેસર રીતે દારૂ ઘૂસાડવામાં આવતો હોવાની ઘટનાઓ બની રહી છે. આ વખતે ભાવનગરમાંથી પ્લાસ્ટિકની થેલીઓની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોવાની ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. બાતમીના આધારે કાર્યવાહી કરીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કઈ રીતે છેક દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી આટલો મોટો દારૂનો જથ્થો લાવવામાં આવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
ભાવનગરના આખલોલ જકાનાકા પાસે એક રોકવામાં આવેલા ટ્રકમાંથી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પ્લાસ્ટિકની થેલીના આડમાં અંગ્રેજી દારૂ અને બિયરના ટીનનો જથ્થો છૂપાવવામાં આવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા વાહનને રોકીને તપાસ કરાતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો. દારૂ સહિત કુલ 9,84,080 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છેક દક્ષિણ ગુજરાતમાં આવેલા દમણથી દારૂનો જથ્થો પ્લાસ્ટિકની થેલીના આડમાં લાવીને માર્કેટિંગ યાર્ડમાં ખાલી કરવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે GJ-01-DT-9700 નંબરના ટોરસ ટ્રકને રોકીને તપાસ કરતા તેમાંથી દારૂની કુલ 216 બોટલો, બિયરના 1128 ટીન અને ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં રૂપાભાઈ ઘેલાભાઈ ગમારા (40)ની ધરપકડ કરવામાં આવી છે.
550 કિલોમીટર જેટલું અંતર કાપીને કઈ રીતે સૌરાષ્ટ્ર સુધી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ આ રીતે ગેરકાયદેસર રીતે દારૂના જથ્થાની હેરાફેરી કરાઈ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
આ કેસમાં રૂપાભાઈ ગમારા સાથે હરપાલસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ સામે પ્રોહિબેશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ દારૂનો જથ્થો કઈ રીતે છેક દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધી લાવવામાં આવ્યો અને કોના કહેવા પર લાવવામાં આવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.