HTAT આચાર્યોના આંદોલનની નાટ્યાત્મક રણનીતિ, ગાંધી આશ્રમે અટકાયત થતા અડાલજ જઈ ઉગ્ર વિરોધ કર્યો

HTAT આચાર્યોના આંદોલનની નાટ્યાત્મક રણનીતિ, ગાંધી આશ્રમે અટકાયત થતા અડાલજ જઈ ઉગ્ર વિરોધ કર્યો
HTAT આચાર્યોના આંદોલનની નાટ્યાત્મક રણનીતિ, ગાંધી આશ્રમે અટકાયત થતા અડાલજ જઈ ઉગ્ર વિરોધ કર્યો

રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્યોએ સરકાર સામે આંદોલન છેડયું છે

  • Share this:
અમદાવાદ : રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્યએ સરકાર સામે આંદોલન છેડયું છે. 4200 ગ્રેડ પે ની જગ્યાએ 4400 ગ્રેડ પેની માંગ સાથે HTAT હિતરક્ષક સમિતિ દ્વારા ગાંધી આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. HTAT આચાર્યોના આંદોલનની નાટ્યાત્મક રણનીતિ જોવા મળી હતી. અલગ અલગ જિલ્લામાંથી આચાર્યો વિરોધ માટે ગાંધી આશ્રમ આવે તે પહેલાં જ પોલીસે અટકાયત શરૂ કરી હતી. જોતજોતામાં પોલીસ સાથે આંખ મીચોલી અને દોડ પકડના દ્રશ્ય સર્જાયા હતા. કેટલાક આગેવાનોની અટકાયત થતા આંદોલનનું સ્થળ બદલી અડાલજ ત્રિમંદિર કરાયું હતું અને ત્યાં HTAT આચાર્યોએ ભેગા થઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રાજ્યભરના HTAT આચાર્યો પડતર પ્રશ્નોને લઈ આંદોલનના માર્ગે છે. અનેક વખત સરકારને રજુઆત બાદ પણ નિરાકરણ ના આવતા આંદોલન છેડયું છે. પડતર પ્રશ્નોમાં 4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવા માંગ તેમજ 2012માં HTAT કેડર લાગુ કરાઇ પરંતુ હજુ સુધી નિયમો બન્યા નથી. નિયમોના અભાવે HTAT આચાર્ય કરતા શિક્ષકોનો પગાર વધારે હોવાનું આચાર્યો જણાવે છે. તેમજ તાત્કાલિક બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના નિયમો બનાવવા માંગ કરાઈ છે. ઓવર સેટઅપનો પરિપત્ર રદ કરવા પણ માંગ છે. તેવી રીતે ધોરણ 1થી 8માં 250 વિદ્યાર્થીઓએ એક HTAT આચાર્યને બદલે 150 વિદ્યાર્થીઓએ એક HTAT આચાર્ય આપવા પણ માંગ છે.



આ પણ વાંચો - ખેડૂતોનો હંમેશા વોટબેંક તરીકે ઉપયોગ કરનારી કોંગ્રેસ ખેડૂતોની દુર્દશા માટે જવાબદાર છે : પરષોત્તમ રૂપાલા

આચાર્ય આગેવાનોએ જણાવ્યું હતું કે આગેવાનો શિક્ષણ મંત્રીને આવેદન આપવાના છે. નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. 14થી 16 ડિસેમ્બર સુધી ધરણાં છે. હાલ સુરત, મહીસાગર, વડોદરા, અમદાવાદ, મહેસાણા અરવલ્લીના આચાર્યો જોડાયા છે. બીજા દિવસે અન્ય જિલ્લાના આચાર્યોનું આંદોલન ચાલુ રહેશે.
Published by:Ashish Goyal
First published:December 14, 2020, 17:26 pm

ટૉપ ન્યૂઝ