અમદાવાદ, નવેમ્બર મહિનાની અને દિવાળીની શરૂઆત થતા પહેલાં જ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ઓક્ટોબરનાં અંતિમ દિવસોમાં જ બેવડી સીઝનનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ જિલ્લામાં વહેલી સવારથી જ ઠંડકનો અનુભવ થઇ ગયો છે.
શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઇ ગયો છે. વહેલી સવારે અને રાતનાં સમયે ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ જણાઇ રહી છે. બેવડી સીઝનનાં કારણે લોકોએ હાલાકીનો સામનો પણ કરવો પડી શકે છે.
હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર આવનારા ત્રણ દિવસમાં ન્યૂનતમ તાપમાન 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે. આ સાથે જ ઠંડીનો ચમકારો વધતા સ્થાનિક ગરમ કપડાની જરૂરિયાત અનુભવશે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે.