Home /News /gujarat /Gujarat Weather Today: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર
Gujarat Weather Today: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું
Gujarat Cold Updates: ગુજરાતમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઉત્તરાયણથી શરુ થયેલી ઠંડીનું જોર વધી સતત વધી રહ્યું છે. નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે.
અમદાવાદઃ ગુજરાતમાં કાતિલ (Gujarat Weather Updates) ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, ઉત્તરાયણમાં અને તે પછી ચાલુ અઠવાડિયાની શરુઆતમાં જ કાતિલ ઠંડી (Gujarat Cold)ની વકી હતી. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં થઈ રહેલી હિમવર્ષા બાદ ગુજરાતમાં તાપમાન ગગડ્યું છે. દિલ્હી સહિત પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે દેશના ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભાગમાં કતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડું શહેર બન્યું છે, ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ સિવાય માઉન્ટ આબુમાં પણ પારો સતત ગગડી રહ્યો છે જેમાં પાછલા વર્ષોના રેકોર્ડ પણ તૂટી ગયા છે.
નલિયામાં ગગડ્યું તાપમાન
કચ્છમાં આવેલા નલિયામાં ગુજરાતનું સૌથી નીચું તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું છે. ઠંડીનું જોર સતત વધવાના કારણે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. અમદાવાદમાં 8.6 ડિગ્રી, ડીસામાં 8.2 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી, ભૂજમાં 9.6 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી અને સુરતમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં ઉત્તરાયથી ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી હતી. જેમાં અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સંભાવના સાથે આ વખતે ઠંડી લાંબો સમય રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીની શરુઆતના દિવસોમાં ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.
3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 9.6 ડિગ્રીનો ઘટાડો થયો
વાસી ઉત્તરાયણ પર ભારે ઠંડીના કારણે થરાદ અને લાખણીના ગામોમાં ઝાકળ બાદ બરફની પાતળી ચાદરો પથરાયેલી પણ જોવા મળી હતી. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીથી લોકો ઠુંઠવાઈ રહ્યા છે. મહત્વનું છે કે 2022નો ડિસેમ્બર મહિનામાં શિયાળો હુફાળો રહ્યા બાદ હવે જાન્યુઆમાં ઠંડીમાં ઘટાડો થવાના બદલે સતત જોર વધી રહ્યું છે. પાછલા દિવસોમાં સતત ઠંડીનું પ્રમાણ વધવાના કારણે 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 9.6 ડિગ્રીનો ઘટાડો થયો છે.