Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ઠંડીનો ચમકારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે બે દિવસ સામાન્ય તાપમાન વધશે અને તે પછી ફરી તેમાં ઘટાડો થશે.
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડી વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એક રાહતની ખબર એ પાછી છે કે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની સંભાવના નહીં હોવાનું જણાવ્યું છે. અંબાલાલ પટેલ પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો થવાની આગાહી કરી છે. તેમણે રાજ્યમાં રાતના તાપમાનમાં વધારે ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
અમદાવાદના હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, "આગામી પાંચ દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. કમોસમી વરસાદ થવાની સંભાવના નથી. રાતના હવામાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 48 કલાક પછી તાપમાન 2-3 ડિગ્રી નીચું આવવાની સંભાવના છે. હાલ ગુજરાતમાં સામાન્ય અને સામાન્યથી નીચું તાપમાન છે. જ્યારે આગામી બે દિવસ સુધી હવામાન સામાન્ય રહેવાની સંભાવના છે અને તે પછીના દિવસોમાં તાપમાનમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. આ સાથે ભેજના પ્રમાણમાં પણ વધારો થવાની આગાહી છે, જેથી રાજ્યમાં કોલ્ડવેવની સંભાવના નથી."
વધુમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના તમામ ભાગોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, "હાલ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે અને તેના પસાર થયા પછી તાપમાનમાં ઘટાડો થશે.
આજે રાજ્યમાં નલિયામાં 7 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે અને પછી ફરી એકવાર ઘટાડો નોંધાશે.
બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે રાજ્યમાં રાતના તાપમાનમાં ઘટાડો થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં આ શિયાળામાં 2022નો ડિસેમ્બર ઠંડીનું જોર ઓછું રહ્યું હતું અનેજાન્યુઆરીથી ચમકારો અનુભવાઈ રહ્યો છે.