Home /News /gujarat /રાજ્ય શાળા સંચાલક મંડળે ફી વધારો કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો, વિવાદ સર્જાય તેવી શક્યતા
રાજ્ય શાળા સંચાલક મંડળે ફી વધારો કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો, વિવાદ સર્જાય તેવી શક્યતા
ફાઇલ તસવીર
રાજ્યમાં ફરી એકવાર ફી મામલે વિવાદ સર્જવાના એંધાણ લાગી રહ્યા છે. કારણ કે, રાજ્યમાં 10 હજાર જેટલી ખાનગી શાળાઓને મોંઘવારી નડી રહી છે. જેથી એફઆરસીએ નક્કી કરેલા બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારાની માંગ કરવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર ફી મામલે વિવાદ સર્જવાના એંધાણ લાગી રહ્યા છે. કારણ કે, રાજ્યમાં 10 હજાર જેટલી ખાનગી શાળાઓને મોંઘવારી નડી રહી છે. જેથી એફઆરસીએ નક્કી કરેલા બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારાની માંગ કરવામાં આવી છે. આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ફીમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યમાં ફરી એકવાર શાળાઓમાં ફી વધારાનો વિવાદ સર્જાય તેવી શક્યતા છે. રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યની ખાનગી અને સરકારી શાળાઓમાં ફીનો સ્લેબ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ માટે અનુક્રમે 20 હજાર, 30 હજાર અને 35 હજાર કરવા રજૂઆત કરી છે. અગાઉ સરકાર દ્વારા 15 હજાર, 25 હજાર અને 30 હજાર નક્કી કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. એટલે હવે શાળાના સંચાલકો ફી વધારો કરવાના મૂડમાં છે.
આ અંગે રાજ્યના શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલ જણાવે છે કે, એફઆરસીએ નક્કી કરેલા બેઝિક ફી સ્ટ્રક્ચરમાં વધારાની માંગ કરવામાં આવી છે. જે માટે મુખ્યમંત્રીને પત્ર લખી ફી વધારાની માંગ કરી છે. 2017માં એફઆરસીએ બેઝિક ફી સ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. 6 વર્ષ બાદ પણ એ જ બેઝિક ફી સ્ટ્રક્ચર રહેતા તેમાં વધારો કરવાની સંચાલકોની માંગ છે. બેઝિક ફી સ્ટ્રક્ચરમાં 5-5 હજારનો વધારો કરી આપવાની માંગ છે. 15, 25 અને 30 હજાર રૂપિયા બેઝિક ફી નક્કી કરવામાં આવી હતી. આ ત્રણેય સ્લેબમાં 5 હજારના વધારાની માંગ કરવામાં આવી છે.
નિયમ મુજબ બેઝિક ફીથી વધારે ફી લેવા માંગતા સંચાલકોએ એફઆરસીમાં જવું પડે છે. જેથી મોંઘવારીને ધ્યાને રાખી વધારો આપવા માંગ કરી છે. આ ફી વધારો 2023-24ના શૈક્ષણિક સત્રથી અમલી બને એવી રીતે નિર્ણય લેવા રજૂઆત કરી છે.
આ મામલે વાલીમંડળના અગ્રણી અમિત પંચાલ જણાવે છે કે, ‘જે સંચાલકને વધુ ખર્ચ થતો હોય તેઓની ફી FRC દ્વારા નક્કી કરવાનું પહેલાથી પ્રાવધાન છે. એટલે ફી સ્લેબમાં વધારો કરવાની કોઈ જરૂરિયાત લાગતી નથી. ઉલટાનું સરકાર દ્વારા જ્યારે 15, 25 અને 30 હજારનો સ્લેબ નક્કી થયો ત્યારે જે સંચાલકો આ સ્લેબથી નીચે ફી લેતા હતા તેમણે પણ ફીમાં વધારો કરી દીધો હતો. એટલે હવે ફી વધારો કરી ફરીવાર વાલીઓને મુશ્કેલીમાં મૂકવા યોગ્ય નથી. આ મામલે વાળીઓનું હિત રાજ્ય સરકાર વિચારે તે જરૂરી છે.’