વિરોધના વાવડ : ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશને યુનિફોર્મનો વિરોધ નોંધાવ્યો


Updated: July 14, 2020, 9:42 PM IST
વિરોધના વાવડ : ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશને યુનિફોર્મનો વિરોધ નોંધાવ્યો
પ્રતિકાત્મક તસવીર

સરકારનો આદેશ - રાજ્યના તમામ રિક્ષા ચાલકોએ હવેથી યુનિફોર્મ પહેરવો પડશે, ડ્રાઇવરે કપડાં ઉપર વાદળી એપ્રોન પહેરવું પડશે

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં તંત્ર દ્વારા ઘડવામાં આવતા નિયમોનું જેટલું પાલન થાય છે તેના કરતાં વધારે તેનો વિરોધ થાય છે અને હવે રિક્ષા ચાલકો માટે ઘડવામાં આવેલા યુનિફોર્મનો વિરોધ થયો છે. ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન અને અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશને આ વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક આ કાયદો પાછો ખેંચવા માંગ કરી છે. હજુ તો સરકારે નિયમ બનાવ્યાને કલાકો પણ નથી થયા ત્યાં નિયમના વિરોધના વાવડ આવી ગયા છે.

સરકાર દ્વારા રિક્ષા ચાલકોની એક ઓળખ ઉભી થાય અને ડ્રેસકોડની સાથે રિક્ષા ચાલકો બેઝ સહિત નિયમોનું પાલન કરતા થાય તે માટે રિક્ષા ચાલકો માટે બ્લ્યૂ યુનિફોર્મ ફરજીયાત કરાયો છે. એટલું જ નહીં એ યુનિફોર્મ સરકાર દ્વારા આપવામાં નહીં આવે પરંતુ રિક્ષા ચાલકે જાતે જ ખરીદી પહેરવો પડશે તેવી પણ સ્પષ્ટતા કરાઈ છે.

આ પણ વાંચો - મહત્ત્વનો નિર્ણય : રાજ્યના તમામ રિક્ષા ચાલકોએ હવેથી યુનિફોર્મ પહેરવો પડશેગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રિક્ષા ચાલકોને બ્લ્યૂ કલરનો યુનિફોર્મ એટલે કે એપ્રોન પહેરવાનું ફરજિયાત કર્યું છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ. એક તરફ કોરોના વાયરસના કેસ અને લૉકડાઉનના કારણે રિક્ષા ચાલકોનો ધંધો પડી ભાંગ્યો છે. લૉકડાઉનના ત્રણ મહિના રિક્ષા ચાલકના પરિવારે ગુજરાન ચલાવવાના ફાંફાં પડ્યા હતા. આવા કપરા સમયમાં સરકારે ઓટો રિક્ષા ચાલકોને કોઈ આર્થિક મદદ કરી નથી. આર્થિક સહાય આપવાની જગ્યાએ યુનિફોર્મ પહેરવાનો કાયદો બનાવી દીધો. તેમાંય રિક્ષા ચાલકોના એક પણ યુનિયન સાથે મિટિંગ કરવામાં આવી નથી અને યુનિયનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. યુનિફોર્મ પહેરવાનો આ કાયદો ઠોકી બેસાડ્યો છે જેનો વિરોધ છે. સરકાર આ કાયદો તાત્કાલિક પાછો ખેંચે તેવી માંગ છે.
મહત્વનું છે કે સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવાય છે જે ઘણીવાર લાગુ તો કરી દેવાય છે પરંતુ તેનો વિરોધ થતા સરકારે તે નિર્ણય પરથી ફેરવી તોડવું પડે છે. જોકે રિક્ષા ચાલકોના કેસમાં સરકારે એક મહિનાનો સમય આપ્યો છે. તેમ છતાં રિક્ષા ચાલકોએ સરકારના આ યુનિફોર્મના નિયમોનો અસ્વીકાર કરી સરકાર સામે બાંયો ચઢાવી છે. જેથી આગામી દિવસોમાં હવે રિક્ષા ચાલકોનું આ મામલે આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
Published by: Ashish Goyal
First published: July 14, 2020, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading