અમદાવાદ: રાજ્યમાં સો ટકાથી વધુ વરસાદ બાદ આગામી દિવસોને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદની વાત કરીએ તો એકાદ વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. સાથે જ ગુજરાત પર હાલ કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની સંભાવના નથી.
બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુમાન જાહેર કરતા હોય છે કે, આગામી દિવસોમાં હવામાન અને તાપમાન કેવું રહેશે. તેમણે તાજેતરમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 30 અને 31 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. આ રાઉન્ડ સપ્ટેમ્બરના પહેલા સપ્તાહ સુધી રહેશે. ઓગસ્ટના અંતમાં ઉત્તર-પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ રહેશે. મહેસાણા, સમી, હારીજ, બેચરાજી, પંચમહાલના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે. આ દરમિયાન જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ગાજવીજ સાથે પડશે.
રાજ્યમાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે રાજ્યમાં અનેક જળાશયો ઓવરફ્લો થયા છે, પરંતુ નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 136.62 મીટરે પહોંચી છે. તેમજ ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના લીધે નર્મદાના કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યો છે. બીજી બાજુ, ભરૂચવાસીઓ માટે સારા સમાચાર છે. ભરૂચમાં ચાર દિવસ બાદ નર્મદાની સપાટી સામાન્ય થઇ રહી છે. અહીં સપાટી માત્ર 13. 37 ફૂટ નોંધાઇ છે. ભરૂચમાં ચાર દિવસ બાદ સ્થિતિ નોર્મલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 100 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં 155.89 ટકા, ઉત્તર ગુજરાતમાં 110.42 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 82.75 ટકા, સૌરાષ્ટ્રમાં 89.50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 108.40 ટકા વરસાદ પડ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર