ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધરખમ ફેરફાર

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ધરખમ ફેરફાર
ભાજપની નવી ટીમમાં સાત ઉપ પ્રમુખ, પાંચ મહામંત્રી, આઠ મંત્રી, કોષાધ્યક્ષ અને સહ કોષાધ્યક્ષની જાહેરાત કરવામાં આવી

ભાજપની નવી ટીમમાં સાત ઉપ પ્રમુખ, પાંચ મહામંત્રી, આઠ મંત્રી, કોષાધ્યક્ષ અને સહ કોષાધ્યક્ષની જાહેરાત કરવામાં આવી

  • Share this:
ગાંધીનગર :  સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા પ્રદેશ ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર આવી ગયા છે. 22 હોદેદારોની જાહેરાત સાથે જ પ્રદેશ ભાજપ સંગઠનમાં 90 ટકા ફેરફાર આવી ગયો છે. એટલે કે મહામંત્રી સહિત પ્રદેશ ભાજપના મોટા નેતાઓને ટીમ પાટિલમાં સ્થાન પ્રાપ્ત થયું નથી.

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પોતાની ટીમમાં મહામંત્રી તરીકે પ્રદીપસિંહ વાઘેલા, વિનોદ ચાવડા, રજની પટેલ અને ભાર્ગવ ભટ્ટને સ્થાન આપ્યું છે. તો સંગઠન મહામંત્રી તરીકે ભીખુ દલસાણીયાને યથાવત રાખવામાં આવ્યા છે. જો ભૂતકાળની વાત કરવામાં આવે તો ભાજપ પ્રદેશ મહામંત્રીમાં બે પાટીદાર નેતાને સ્થાન આપતું હતું. જેમાં ઉત્તર ગુજરાતમાંથી કડવા પાટીદાર સમાજના નેતા તો સૌરાષ્ટ્રમાંથી લેઉઆ પાટીદાર નેતાને મહામંત્રીમાં સ્થાન આપવમાં આવતું હતું. પરંતુ ટીમ પાટિલમાં પ્રદેશ ભાજપના ઇતિહાસમાં પહેલી વખત મહામંત્રી તરીકે દલિત ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાને ટીમ પાટિલમાં મહામંત્રી તરીકેની જવાબદારી મળી છે.



આ પણ વાંચો - ઝડપથી ફરી રહી છે પૃથ્વી, 24 કલાકથી ઓછા સમયમાં લગાવી રહી છે ચક્કર, શું થશે અસર?

પ્રદેશ મંત્રી અને પૂર્વે યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાને પણ મહામંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ ગૃહમંત્રી અને રાષ્ટીય કિસાન મોરચાના મંત્રી રજની પટેલને મહામંત્રી બનાવામાં આવ્યા છે. પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને પણ મહામંત્રી તરીકે સ્થાન મળ્યું છે. એટલે કે પૂર્વ સંગઠનના ચાર મહામંત્રીઓ કે સી પટેલ, શબ્દસરણ બહ્મભટ્ટ ,ભરતસિંહ પરમાર અને મનસુખ માંડવયાને સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું નથી.

પ્રદેશ ઉપાધ્યક્ષમાં પણ માત્ર ગોરધન ઝડફિયાને જ રિપીટ કરવામાં આવ્યા છે.આઈ કે જાડેજા, જશુમતીબેન કોરાટ જેવા મોટા નામોને ટીમ પાટિલમાં સ્થાન મળ્યું નથી. પૂર્વ મંત્રી જ્યંતી કવાડીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નંદનજી ઠાકોર, કૌશલ્યા કુંવરબા પરમાર, જનક બગદાણાવાળા,અને વર્ષાબેન દોશીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી મળી છે. પ્રદેશ મંત્રી તરીકે નૌકાબેન પ્રજાપતિને રિપીટ કરવામાં આવ્યા છે બાકીના તમામ ચહેરાઓ નવા છે. જયારે પ્રદેશ સહ કોષાધ્યક્ષ તરીકે પૂર્વ ઓડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહને પ્રદેશ માળખામાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે ટીમ પાટિલમાં તમામ જ્ઞાતિઓને સ્થાન આપવામાં આવ્યું છે.
Published by:Ashish Goyal
First published:January 07, 2021, 19:04 pm

ટૉપ ન્યૂઝ