ગુજરાતના રાજકારણમાં ખલબલી! રાજ્યસભાની ચૂંટણીમાં ફરી ધારાસભ્યો પક્ષપલટો કરશે?


Updated: February 29, 2020, 8:47 PM IST
ગુજરાતના રાજકારણમાં ખલબલી! રાજ્યસભાની ચૂંટણીમાં ફરી ધારાસભ્યો પક્ષપલટો કરશે?
ગુજરાત રાજકારણમાં ગરમાવો શરૂ

ગુજરાતમાં છેલ્લા 2 વખતથી રાજ્યસભાની ચૂંટણી વિવાદાસ્પદ રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ પાસે હાલ 3 બેઠકો છે પણ તે જાળવવા માટે ભાજપને 7 મતો ખૂટે છે

  • Share this:
ગુજરાતની ખાલી પડેલી 4 રાજ્યસભા બેઠકો માટે મતદાન ભલે 26 માર્ચે થવાનું હોય પણ રાજ્યસભાનો જંગ અત્યારથી જ શરૂ થઈ ચૂક્યો છે. ભાજપ પાસે હાલ 3 બેઠકો છે જેને જાળવવા માટે તોડજોડની રાજનીતિ થશે તે નિશ્ચિત છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુ એકવાર કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા આમંત્રણ આપવાની સાથે કોંગ્રેસના ધારાસભ્ય મોદી સરકારથી પ્રભાવિત હોવાનો દાવો કર્યો છે. જેને લઇને રાજકારણ ગરમાયું છે.

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શુક્રવારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના યુવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની ટીપ્પણી પર ટકોર કર્યા બાદ આજે અમદાવાદમાં એક પગલું આગળ વધીને દાવો કર્યો હતો કે, કેન્દ્રની મોદી સરકારના નિર્ણયોથી કોંગ્રેસના ધારાસભ્યો પ્રભાવિત છે અને જે ધારાસભ્યો ભાજપની વિચારધારા સાથે જોડાઇને લોકહિતના કામો કરવા માગતા હોય તેમને ભાજપ આવકારે છે. કેન્દ્રની મોદી સરકારે લીધેલા વિકાસલક્ષી નિર્ણયો, કલમ 370 , CAA જેવા નિર્ણયોથી કોંગ્રેસના ધારાસભ્યો પ્રભાવિત હોવાનો દાવો ગૃહ રાજયમંત્રીએ કર્યો છે. જેના કારણે ફરીએકવાર રાજ્યસભાની ચૂંટણીમાં તોડજાડ થાય તો નવાઇ નહી.

ગુજરાતમાં છેલ્લા 2 વખતથી રાજ્યસભાની ચૂંટણી વિવાદાસ્પદ રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ પાસે હાલ 3 બેઠકો છે પણ તે જાળવવા માટે ભાજપને 7 મતો ખૂટે છે તેવા સંજોગોમાં કોંગ્રેસના સમર્થન વગર ભાજપ 4માંથી 3 બેઠકો જીતી શકે તેમ નથી. જો ભાજપે ત્રણેય બેઠકો જાળવવી હોય તો કોંગ્રેસમાંથી ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. હાલ ગૃહમાં 180 સભ્યો છે જેમાંથી ભાજપના 103, કોંગ્રેસના 73, BTPના 2, NCP ના 1 અને 1 અપક્ષ છે. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે 37 મતો ની જરૂર છે ત્યારે ભાજપના સંખ્યબળ પ્રમાણે 2 બેઠકો પર જીત નિશ્ચિત છે પણ ત્રીજી બેઠક જીતવા માટે 7 મતો ખૂટે છે. જેના કારણે ફરીએકવાર રાજ્યસભાનો જંગ રોચક બની શકે છે.

વર્ષ 2017 માં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલને હરાવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા હતા જેના કારણે જ્યારે પણ રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે આ પ્રકારની તોડજોડની રાજનીતિના મુદ્દા શરૂ થઇ જાય છે. ગુજરાત વિધાનસભાનું સત્ર હાલ ચાલી રહ્યું છે તે સમયે રાજ્યસભાની ચૂંટણી આવતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વર્ષ 2017 ની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કુલ 14 ધારાસભ્યો તૂટ્યા હતા પણ અહમદ પટેલની જીત થઇ હતી.

વર્ષ 2019માં થયેલી રાજ્યસભાની પેટાચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસના 2 ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ પક્ષ વિરુદ્ધ મતદાન કર્યું હતું જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ વખતે ભાજપ પાસે પૂરતું સંખ્યાબળ નથી તેવા સંજોગોમાં ભાજપ જો બીટીપી અને એનસીપીના 3 સભ્યોનું સમર્થન મેળવે તો પણ કોંગ્રેસના 4 સભ્યોના સમર્થનની જરૂર પડશે જેના કારણે તોડજોડની રાજનીતિ ફરી શરૂ થાય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. રાજ્યના ગૃહમંત્રી જ્યારે આ પ્રકારનું નિવેદન આપતા હોય ત્યારે તેના સ્વાભાવિક અર્થ નીકળે છે. હાલ તો કોંગ્રેસ સબસલામત હોવાનો દાવો કરી રહી છે પરતું છેલ્લી 2 ચૂંટણીનો ટ્રેક રેકોર્ડ જોતા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ માટે કપરા ચઢાણ ચોક્કસ છે.
First published: February 29, 2020, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading