Home /News /gujarat /Gujarat Organ Donation: ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ વધ્યું છતાં 1300નું વેઈટિંગ, સૌથી વધુ રાહ જોઈને બેઠલા દર્દીઓ કિડનીના
Gujarat Organ Donation: ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ વધ્યું છતાં 1300નું વેઈટિંગ, સૌથી વધુ રાહ જોઈને બેઠલા દર્દીઓ કિડનીના
ગુજરાતમાં અંગદાન વધ્યું છતાં જરૂરિયાતમંદોનું લિસ્ટ ઊંચું
Gujarat Organ Donation Waiting: ગુજરાતમાં અંગદાન કરનારાઓની સંખ્યા વધી રહી છે તેમ છતાં વેઈટિંગ લિસ્ટ ઘણું ઊંચું છે. જેમાં સૌથી વધારે જરૂરિયાતમંદ દર્દીઓ કિડનીના છે. અમદાવાદ સિવિલ સહિતની જગ્યાઓ પર લોકોને અંગદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે અને તેમાં સફળતા પણ મળી રહી છે. રાજ્યમાં અંગ પ્રત્યારોપણની સંખ્યા વધી રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં અંગદાન કરનારા વ્યક્તિઓની સંખ્યા વધી રહી છે, આમ છતાં જરૂરિયાતમંદોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધારે દર્દીઓ કિડનીના છે. ગુજરાત અંગદાન કરવામાં 9મા સ્થાન પર આવે છે. રાજ્યમાં સૌથી વધુ અંગદાન કરવામાં કિડનીનું દાન કરનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. આમ છતાં વેઈટિંગમાં સતત વધારો થઈ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં અંગદાન માટે વેઈટિંગનો આંકડો 1300 પર પહોંચ્યો છે જેમાં સૌથી વધુ જરૂરિયાતમંદ દર્દીઓ કિડનીના છે.
રાજ્યમાં કિડની સહિતના અંગોના દાન માટે રાહ જોઈને બેઠેલા દર્દીઓમાંથી 10 ટકા જ દર્દીઓને બ્રેઈનડેડના અંગો પ્રાપ્ત થઈ શકે છે. આ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લોકોને સતત અંગદાન માટે જાગૃત કરવામાં આવે છે જેથી કરીને ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને નવજીવન મળી શકે. મળતી વિગતો પ્રમાણે ભારતમાં કુલ 10 લાખની વસતી સામે માત્ર 0.86 ટકા જેટલું જ અંગદાન થાય છે.
જ્યારે અમેરિકા અને સ્પેન સહિતના દેશોમાં અંગદાનની ટકાવારી 50ની આસપાસ છે. ગુજરાતમાં વર્ષ 2017થી 2021 વચ્ચે 794 વ્યક્તિઓ એવા છે જેઓ જીવિત હોય ત્યારે અંગદાન કર્યું છે જ્યારે મૃત્યુ પછી આ વર્ષ ગાળામાં અંગદાનનો આંકડો 2079 છે. 2019માં સૌથી વધુ 647 મૃતકોના પરિવાર દ્વારા અંગદાન અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2020માં કોરોનાના કારણે આ સંખ્યામાં ઘટાડો થયો હતો અને તે દરમિયાન 103 જીવિત લોકોએ જ્યારે 345 મૃત વ્યક્તિઓના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં કિડની સહિતના 388 અંગોના દાન કરાયા હતા, જેમાં પુરુષોની સંખ્યા 293 અને મહિલા દાતાઓની સંખ્યા 95 રહી હતી. જેમાં જીવિત દર્દીઓની સંખ્યા 229 હતી. જ્યારે મૃત્યુ પછી અંગદાનના 156 કિસ્સા નોંધાયા હતા. આઈકેડી (Institute Of Kidney Disease And Research Centre)માં માત્ર સ્વાદુપિંડનું દાન કરવાનો પાછલા વર્ષે એક જ કિસ્સો નોંધાયો હતો. કિડની અને સ્વાદુપિંડના દાતાઓની સંખ્યા પણ એક જ હતી. બાળકો દ્વારા કરવામાં આવેલા અંગદાનમાં પુરુષ બાળકોની સંખ્યા 31 જ્યારે સ્ત્રી બાળકોની સંખ્યા 13 રહી હતી, જેનો કુલ આંકડો 44 થાય છે.
ગુજરાતમાં દાન કરાયેલા અંગોના પ્રત્યારોપણ
સ્ટેટ ઓર્ગેનાઈઝેશન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અહેવાલ મુજબ ગુજરાતમાં પ્રત્યારોપણના વિવિધ વય પ્રમાણે અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં કિડની પ્રત્યારોપણના સૌથી વધુ 433, લિવરના 227, હૃદયના 68, ફેફસાંના 64 અને સ્વાદુપિંડના 12 પ્રત્યારોપણ થયા છે. અંગોની જરુરી હોય તેવા 812 દર્દીઓની વય 50થી વધુ છે જ્યારે 40થી 50ની ઉંમર ધરાવતા દર્દીઓની સંખ્યા 582 છે. મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં ઓગસ્ટ મહિના સુધી અંગો મેળવવા માટેનું વેઈટિંગ લિસ્ટ 1600 હતું તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યમાં 5 વર્ષમાં 3 હજાર કરતા વધારે વ્યક્તિઓએ અંગદાન કર્યું છે, જોકે તેની સામે જરુરિયાતમંદોની સંખ્યા ઊંચી છે. જેના કારણે જ સતત લોકોને અંગદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.