Home /News /gujarat /શહેરી મતદારો કોને આપશે સત્તા, આજે 6 મહાનગરપાલિકાઓમાં મતદાન

શહેરી મતદારો કોને આપશે સત્તા, આજે 6 મહાનગરપાલિકાઓમાં મતદાન

પ્રતિકાત્મક તસવીર

6 મહાનગરપાલિકામાં કુલ 1,14,67,358 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે

અમદાવાદ : રાજ્યમાં રવિવારને 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓમાં (Gujarat Municipal Election 2021) મતદાન થશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, જ્યારે 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યની છ મહાનગરપાલિકાની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં 192, સુરત મહાનગરપાલિકામાં 116, વડોદરા મહાનગરપાલિકામાં 76, રાજકોટ મહાનગરપાલિકામાં 72, ભાવનગરની મહાનગરપાલિકામાં 52, અને જામનગરની મહાનગરપાલિકામાં 64 બેઠકો છે.

6 મહાનગરપાલિકામાં કુલ 1,14,67,358 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યના ચૂંટણી કમિશ્નર સંજય પ્રસાદે જણાવ્યું હતું કે કોવિડ પોઝિટિવ દર્દીઓ પણ પી.પી.ઇ. કીટ પહેરીને સાંજે 5 થી 6 વચ્ચે મતદાન કરી શકશે.

આ પણ વાંચો - આજે 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં, રાજ્યમાં 24 કલાકમાં એકપણ મોત નહીં

રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત તૈયાર કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં 17 ડીસીપી, 40 એસીપી, 134 પીઆઇ, 392 પીએસઆઇ, 6,200 પોલીસ કર્મી, 5500 હોમગાર્ડ, SRPની 15 કંપની, BSF-RAFની એક કંપની ખડેપગે રહેશે. સાથે 48 ક્યું. આર.ટીની ટીમ,16 સ્ટ્રોંગરૂમ, 16 રિસીવિંગ & ડિસ્પેચિગ સેન્ટર પર પોલીસ રહેશે. આમ કુલ 5226 બુથ પર પોલીસ બંદોબસ્ત રહેશે. અતિ સંવેદનશીલ વિસ્તારમાં કુલ 177 બુથ અને સંવેદનશીલ બુથ 1799માં ચુસ્ત બંદોબસ્ત રહેશે.

અમદાવાદમાં 48 વોર્ડમાં 192 સીટ પર મતદાન માટે 4550 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મતદાન માટે તંત્ર દ્વારા EVM હેઠળ કુલ 10,920 બેલેટીંગ યુનિટ અને 5460 કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે 28161 પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં 23 લાખ 71 હજાર 60 પુરૂષ મતદાર અને 21 લાખ 70 હજાર 141 સ્ત્રી મતદારો, 145 જેટલા અન્ય મતદારો એમ કુલ 45 લાખ 41 હજાર 346 મતદારો ચૂંટણીમાં મતદાન કરશે.
First published:

Tags: Gujarat Municipal Election 2021