ગુજરાત VATની ધારા 84Aને ગેરવ્યાજબી, ગેરકાદેસર અને ગેરબંધારણીય ઠેરવીને તેને રદબાતલ કરવાનો સિમાચિહ્નરૂપ ચુકાદો હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવની ખંડપીઠે આપ્યો છે. ખંડપીઠે ચુકાદામાં નોંધ્યું છે કે,‘આ મામલે થયેલી તમામ અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવે છે અને ગુજરાત VATની ધારા 84Aને ગેરબંધારણીય ઠેરવવામાં આવે છે. એટલું જ નહીં આ ધારા બંધારણના સેવન્થ શેડ્યુલની લિસ્ટ બેની એન્ટ્રી ૫૪ હેઠળ પણ એ રાજ્યની ધારાસભાની કાયદેસરની ક્ષમતાની બહારનો વિષય હોઇ તેને ગેરબંધારણીય ઠરાવવામાં આવે છે. પરિણામે અરજદારોને એ અન્વયે જે પણ નોટિસો વેટ વિભાગ દ્વારા પાઠવવામાં આવી છે એને પણ રદ કરવામાં આવે છે.’ અરજદાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નિરમા લિ.ને આ ચુકાદાથી મોટી રાહત મળી છે. જ્યારે કે ચુકાદાની અમલવારી પર સ્ટેની રાજ્ય સરકારની માંગ પણ ખંડપીઠે ફગાવી કાઢી હતી.
સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિ(નિરમા લિ.) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા આ સમગ્ર મામલે રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને વેટ વિભાગ દ્વારા આકારણી માટેની પાઠવવામાં આવેલી નોટિસો તથા VATની ધારા 84Aને પડકાર ફેંકવામાં આવ્યો હતો. કંપની તરફથી રજૂઆત કરવામાં હતી કે VAT વિભાગ દ્વારા ધારા 84A અન્વયે આકારણી કરવાની કાર્યવાહી કરી છે જે કાયદા હેઠળ નિયત કરાયેલી સમયસીમાનો ભંગ કરે છે અને આકારણીને પાછલી અસરથી અમલી બનાવે છે. તેથી આ સેક્શન કાયદા ઉપરાંત બંધારણીય જોગવાઇઓનો પણ ભંગ કરતી હોઇ તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવે. કેસની હકીકત મુજબ VATના કાયદામાં એમેન્ડમેન્ટ કરીને ધારા 84Aનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પાછલી અસરથી આકારણી માટેની કાર્યવાહીને અમલી બનાવતી ધારા હતી.
આ ધારા મુજબ એડિશેનલ કમિશ્નરે અરજદાર કંપનીને ફ્રેશ નોટિસ પાઠવી હતી અને નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯ની આકારણીમાં સુધારો કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટને આઠ ટકા સુધી ઘટાડવાની કાર્યવાહી કરી હતી. જો કે પ્રસ્તુત કેસમાં સમયસીમાના તબક્કો ત્રણ વર્ષ એટલે કે ૩૦-૩-૧૩થી ૩૦-૩-૧૬ સુધીનો જ હતો. પરંતુ ધારા 84A અમલમાં આવતાં આ તબક્કાનો સમય ૧૮-૧-૧૩થી ૨૨-૯-૧૭ જેટલો થઇ ગયો હતો અને ત્રણ વર્ષની સમયસીમાનો અહીં છેદ ઉડી ગયો હતો. તેથી ધારા 84Aની બંધારણીયતાને પડકારતી રિટ કરવામાં આવી હતી.
સમગ્ર મુદ્દે કાયદાની વિસ્તૃત છણાવટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તથા તમામ પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે એક દળદાર ચુકાદો આપ્યો હતો. જેમાં ઠરાવ્યું હતું કે,‘દેશના બંધારણના અનુચ્છેદ ૨૪૬એ મુજબ કેન્દ્ર અ્ને રાજ્ય ગુડ્ઝ એ્ન્ડ સર્વિસ ટેક્સ માટે અલગ-અલગ સત્તા મળતી નથી. કેમ કે જીએસટીનો આશય જ ટેક્સના માળખામાં એકસૂત્રતાનો છે.’ સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે,‘કોર્ટનો કોઇ આદેશ એ કારણથી બિનઅસરકારક ન થઇ શકે કે પાછળથી એ કાયદામાં કોઇ સુધારો કરવામાં આવ્યો હતો. જો આ થિયરી અપનાવવામાં આવે તો ભારે અફડાતફડી થઇ જશે. રાજ્ય સરકારને ટેક્સ સહિતના કાયદામાં સુધારાવધારા કરવાની સત્તા છે, પરંતુ તે સુધારાવધારા ગેરવ્યાજબી કે મનસ્વી ન હોવા જોઇએ.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર