ન્યૂઝ 18 ગુજરાતી : વાયુ સંપૂર્ણપણે ફંટાઈ ગયું હોવાથી રાજ્ય સરકારે તમામ વ્યવસ્થાઓ ડિસ્ચાર્જ કરી છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ સાથે જ જાહેરાત કરી છે કે વાયુના જોખમને પગલે વિસ્થાપન કરાયેલા પોણા ત્રણ લાખ લોકોને કેશડોલ ચૂકવાશે. સરકાર પુખ્ત વ્યક્તિને પ્રતિ વ્યક્તિ રૂ. 60 અને બાળકોના રૂ. 45 કેશડોલ ચૂકવશે. આગામી 3 દિવસ સુધી સરકાર કેશડોલ ચૂકવશે.
સીએમ રૂપાણી આજે સવારે કંટ્રોલ રૂમમાં પરિસ્થિતીનો ફાઇનલ રિવ્યૂ કર્યો. આપણે આફતમાંથી મુક્ત થયા છીએ. વાયુ સંપૂર્ણપણે પશ્ચિમ તરફ આગળ વધી ગયુ છે. જે અધિકારી અને મંત્રીઓને બપોર પછી પરત બોલાવીએ છીએ. વિસ્થાપીત કરાયેલા 3 લાખ લોકોને પરત તેમના ઘરે મોકલાશે.
સીએમ રૂપાણીએ જણાવ્યું,“દિવસના 60 કેશડોલ ત્રણ દિવસ પેટે સરકાર ચુકવશે. બાળક માટે 45 એડલ્ટ માટે 60 રૂપિયા કેશડોલ મોકલાશે. 2000 ગામમાંથી 144 ગામને બાદ કરતા તમામ ગામોમાં વીજ પુરવઠો નોર્મલ છે. રોડ રસ્તામાં જ્યાં સમસ્યા હતી તે નોર્મલ થઈ ગયું છે. સાંજ સુધીમાં એસટીમાં નોર્મલ થઈ જશે. ”
તેમણે કહ્યું, “આવતીકાલથી શાળા કોલેજ પણ શરૂ થઈ જશે. આપણે સોમનાથ દાદા, કાળિયા ઠાકુર, હર્ષદ માતા સૌના આશિર્વાદથી આપણે મોટી આફતમાંથી બહાર આવી ગયા છે. આફત સામે લડવાની તૈયારીનો મોટો અનુભવ ગુજરાત સરકારને મળ્યો છે. ભવિષ્યમાં બીજા લોકોને કામ લાગે એ પ્રમાણે આખી કવાયત અને જેટલું શીખવાનું મળ્યું અને ઓછામાં ઓછું નુકસાન થાય તેવો બોધ મળ્યો છે.”
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 199 બહેનોને પ્રસૂતિ થઈ છે અને હેમખેમ થઈ છે. તંત્રએ નાની બાબતોની ચિંતા કરી હતી. યાર્ડમાં અનાજ પલળે નહીં, ખેતી વાડી વિભાગથી માંડીને બાળ અને મહિલા કલ્યાણ વિભાગ કામે લાગ્યું હતું.