ગુજરાતના દરિયામાં રાજ્ય બહારના માછીમારો ફિશિંગ કરતા ઝડપાશે તો 1 લાખનો દંડ થશે

News18 Gujarati
Updated: July 23, 2020, 7:14 PM IST
ગુજરાતના દરિયામાં રાજ્ય બહારના માછીમારો ફિશિંગ કરતા ઝડપાશે તો 1 લાખનો દંડ થશે
પ્રતિકાત્મક તસવીર

દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત થાય તે હેતુસર ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ-2020 બહાર પાડવામાં આવ્યો

  • Share this:
ગાંધીનગર : ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે ગુજરાત ના દરિયાઇ સીમાની સુરક્ષા મુદ્દે જાહેરાત કરી છે. ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સીમાઓ પસાર થાય છે. આ દરિયાઈ સીમાઓ વધુ સુરક્ષિત થાય તે હેતુસર ગુજરાત મત્સ્યોદ્યોગ વટહુકમ-2020 બહાર પાડવામાં આવ્યો છે.

આ અંગે વધુ વિગતો આપતા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપહરણ અટકાવવા બોટ માલિકો સામે કડક પગલાં લેવાશે. ગુજરાત 1600 કિ.મી.નો દરિયાકાંઠો ધરાવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના માછીમારો ‘લાલ પરી’ નામનું વિશિષ્ઠ પ્રકારનું સારું મત્સ્ય પકડવાની લાલચમાં પ્રવેશી જતા હોય છે. જેના કારણે પાકિસ્તાન સિક્યુરીટી દ્વારા ભારતીય ફિશીંગ બોટોના અપહરણના બનાવો બનતા રહે છે. આ ઘટનાઓ અટકાવવાના હેતુસર બોટ માલિક સામે કડક પગલા લેવા આવશ્યક હોઈ, રાજ્ય સરકાર દ્વારા આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાનાં સંદર્ભમાં રાજયની મરીન પોલીસને ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં માછીમારી કરતી કોઈ પણ પ્રકારની ફિશીંગ વેશેલ્સ/બોટ/ક્રાફ્ટ/ડીપસી બોટ અથવા અન્ય કોઈ યાંત્રીક ૨ચના કે મછવોની તપાસ અને જપ્તી એટલે કે search and Seizureની સત્તાઓ આપવા માટે જરુરી પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ માટે રાજયના મરીન પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાયેલ પોલીસ સબ ઈન્સપેક્ટર કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને અમલ બજવણી અધિકારી જાહેર કરી તેમને વિશેષ સત્તાઓ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધેલી દાઢી બાબતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે શું કહ્યું, જાણો

હાલ અસ્તિત્વ ધરાવતા ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003માં અન્ય રાજ્યની બોટ સામે દંડની જોગવાઈ નથી. કેટલીક વાર રાજ્ય બહારની બોટો રાજ્યની દરિયાઈ સીમામાં માછીમારી અથવા અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ માટે આવે છે અને રાજ્યનાં માછીમારોનાં હિતોનું ઉલ્લંઘન કરે છે. રાજ્ય બહારની ફિશીંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે દંડની જોગવાઈ કરવી જરૂરી હોઈ, આ વટહુકમ દ્વારા દંડની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્ય બહા૨ની ફિશિંગ બોટો દ્વારા રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતી બોટો સામે 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ તથા આ બોટમાં મળેલ મત્સ્ય પકડાશની હરાજી કરતા જે રકમ મળે તેની પાંચ ગણી રકમ વસુલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ગુના અને દંડની જોગવાઈ માટે સ્થાનિક સત્તાક્ષેત્રના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા શિક્ષાત્મક સજા કરવામાં આવશે અને ફક્ત સબ-ડીવિઝનલ મેજિસ્ટ્રેટ આ માટે અમલ અધિકારી રહેશે. તે ઉપરાંત ગુનાના દંડ વસૂલવા માટે સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તથા અપીલ અને ફેર તપાસ માટે ન્યાય નિર્ણય અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનું પ્રાવધાન કરાયું છે.

ગુજરાત રાજ્યના આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક જળક્ષેત્રમાં મત્સ્યોદ્યોગના રક્ષણ, સં૨ક્ષણ, વિકાસ-નિયમન માટે અને તે સાથે સંબંધિત અથવા આનુષંગિક બાબતો માટે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 બનાવવામાં આવ્યો છે. માછીમારીના જહાજો અને માછીમારી પ્રવૃત્તિઓનું નિયમન-દેખરેખ રાખવા મરીન પોલીસ ખાતાને મત્સ્યોદ્યોગ અધિકારીઓ અને તટરક્ષક દળ (કોસ્ટગાર્ડ) સાથે સહયોગમાં સશકિતકરણ કરીને કામ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવા કાયદાની જોગવાઈઓ અને નિયમોમાં સુધારો કરવો આવશ્યક હતો. પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારીની પ્રવૃત્તિઓના આડમાં કોઈ પણ રાજ્યની સુરક્ષાને જોખમાતી હોય છે તેથી કાયદાની કેટલીક જોગવાઈઓમાં સુધારો કરવો જરૂરી હોય છે.

હાલ રાજ્યમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003 અમલમાં છે. રાજ્યના પ્રાદેશિક જળક્ષેત્રમાં રાજ્યની અને રાજ્ય બહારની માછીમારી બોટ દ્વારા રાજ્યની સુરક્ષાના વિરુદ્ધમાં ગતિવિધિના નિરીક્ષણ માટે આ કાયદામાં જરુરી સુધારા-ફેરફાર આવશ્યક જણાયા હતા.

ઉલ્લેખનીય છે કે 18 માર્ચ 2020ના રોજ મળેલ મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત મત્સ્યોદ્યોગ (સુધારા) વિધેયક-2ને વિધાનસભામાં પસાર કરવા માટે મુસદો ૨જુ કર્યો હતો. પરંતુ કોરોના વાઈરસ (કોવીડ-19)ની પરિસ્થિતિને કારણે વિધાનસભા મુલત્વી રહેતા આ બિલ પસાર થઈ શકયુ ન હતુ. આ વિધેયકને ઓર્ડિનન્સ તરીકે પ્રસિદ્ધ કરવાની હાલના સંજોગોમાં તાકીદની જરૂરિયાતને ધ્યાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય કરી આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે.
Published by: Ashish Goyal
First published: July 23, 2020, 7:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading