Home /News /gujarat /Gujarat Election 2022: મુસ્લિમ મતો મેળવવાની હરીફાઈ, કોંગ્રેસ પહેલીવાર મુશ્કેલીમાં...

Gujarat Election 2022: મુસ્લિમ મતો મેળવવાની હરીફાઈ, કોંગ્રેસ પહેલીવાર મુશ્કેલીમાં...

મુસ્લિમ મત થયો મોંઘો!

Gujarat Election 2022: અગાઉની ચૂંટણીઓમાં ગુજરાતમાં મુસ્લિમ મતો માટે કોંગ્રેસ એકમાત્ર મુખ્ય દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ આ વખતે મુખ્ય વિરોધ પક્ષ લઘુમતી મતદારોને આકર્ષવા માટે નાના પક્ષો સામે લડતનો સામનો કરી રહી છે.

  અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં મુસ્લિમ મતો મેળવવાની દોડ વધુ તીવ્ર બની રહી છે, કારણ કે લઘુમતી સમુદાય પાસે હવે ભારતીય જનતા પાર્ટી (BJP) શાસિત રાજ્યમાં મત આપવા માટે ઘણા "સેક્યુલર" પક્ષોનો વિકલ્પ છે. અગાઉની ચૂંટણીઓમાં, ગુજરાતમાં મુસ્લિમ મતો માટે કોંગ્રેસ એકમાત્ર મુખ્ય દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ આ વખતે મુખ્ય વિરોધ પક્ષ લઘુમતી મતદારોને આકર્ષવા માટે નાના પક્ષો સામે લડતનો સામનો કરી રહી છે.

  કોંગ્રેસ સામે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM), અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને કેટલાક અન્ય પક્ષોનો પડકાર છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં માત્ર ત્રણ મુસ્લિમ ધારાસભ્યો જીત્યા હતા અને ત્રણેય કોંગ્રેસના હતા. જો કે, આ સંખ્યા 2012ની વિધાનસભા ચૂંટણી કરતાં વધુ સારી હતી જ્યારે માત્ર બે મુસ્લિમ ધારાસભ્યો જીત્યા હતા. રાજ્યની કુલ 6.5 કરોડની વસ્તીના લગભગ 11 ટકા મુસ્લિમો છે અને લગભગ 25 વિધાનસભા મતવિસ્તારોમાં તેમની નોંધપાત્ર હાજરી છે.

  કોંગ્રેસ લઘુમતી સમુદાયના મત મેળવવામાં વ્યસ્ત

  ગુજરાતમાં બે દાયકા કરતાં વધુ સમયથી શાસન કરી રહેલી ભાજપને મુસ્લિમ મતદારોની પસંદગી ગણવામાં આવતી નથી. કોંગ્રેસે 2017માં રાજ્યમાં છ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. ભાજપ સામાન્ય રીતે કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપતું નથી. આ વર્ષની શરૂઆતમાં, કોંગ્રેસે વાંકાનેરના તેના ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાને પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા, જે લઘુમતી સમુદાયના મત મેળવવાની કવાયત તરીકે હતું. કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ જગદીશ ઠાકોરે 2006માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંઘના નિવેદનને પુનરોચ્ચાર કર્યું હતું કે, મુસ્લિમ મતદારોને પક્ષ સાથે જોડવા માટે દેશના સંસાધનો પર લઘુમતીઓનો "પ્રથમ દાવો" હોવો જોઈએ. જુલાઇમાં ઠાકોરની ટિપ્પણીની જમણેરી સંગઠનો દ્વારા ટીકા કરવામાં આવી હતી અને તેમના પર મત માટે તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો હતો.

  AIMIM, આમ આદમી પાર્ટીના વિકલ્પે રાજકીય હોબાળો

  AIMIMના વડા અને લોકસભાના સભ્ય અસદુદ્દીન ઓવૈસી મુસ્લિમ મતદારોને રીઝવવા અવારનવાર ગુજરાતની મુલાકાત લે છે. તેમની પાર્ટીએ કહ્યું હતું કે, તે ગુજરાતમાં 30 બેઠકો પર ચૂંટણી લડશે અને છ ઉમેદવારોની જાહેરાત પણ કરી છે. AAP આ સમુદાયને આકર્ષવા માટે ચૂપચાપ કામ કરી રહી છે. તેણે હાલમાં જ લઘુમતી બહુલ દરિયાપુર વિસ્તારમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ શોનું આયોજન કર્યું હતું. AAPએ અત્યાર સુધીમાં ત્રણ મુસ્લિમ ઉમેદવારોની જાહેરાત કરી છે. બિન-રાજકીય સંગઠન લઘુમતી સંકલન સમિતિના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે, “2017માં યોજાયેલી છેલ્લી ચૂંટણી સુધી ગુજરાતમાં મુસ્લિમો પાસે પસંદગી ન હતી કારણ કે બે પક્ષો (કોંગ્રેસ અને ભાજપ) વચ્ચે સ્પર્ધા હતી. પરંતુ હવે 2022ની ચૂંટણીમાં અહીં વધુ રાજકીય પક્ષો આવ્યા છે. બહુકોણીય ચૂંટણી હરીફાઈ લોકશાહીમાં સારી બાબત છે.

  મુસ્લિમોને હળવાશથી લેવાના ગુજરાતના વલણનો અંત આવશે

  મુજાહિદ નફીસે કહ્યું કે, 'આનાથી ગુજરાતના મુસ્લિમોને હળવાશથી લેવાના વલણનો અંત આવશે, જે અત્યાર સુધી થતો હતો. લોકો પાસે વધુ વિકલ્પો હશે. આ સ્થિતિમાં દરેક રાજકીય પક્ષ અમારી પાસે આવશે અને અમારા મત માંગશે. દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું માનવું છે કે, ગુજરાતમાં મુસ્લિમ મતદારો કોંગ્રેસની સાથે જ રહેશે. “ગુજરાતમાં પરિસ્થિતિ જુદી છે. જમાલપુર-ખાડિયામાં એક સિવાયની બેઠકો જીતવા માટે લઘુમતી સમુદાયના ઉમેદવારો માટે હિન્દુ મતો જરૂરી છે. જમાલપુર-ખાડિયામાં સ્થાનિક વસ્તીના 65 ટકા મુસ્લિમો છે.

  આમ આદમી પાર્ટીનું સત્ય સામે આવ્યું છેઃ ગ્યાસુદ્દીન શેખ

  દરિયાપુરમાં મારી સીટ પર 40 ટકા મુસ્લિમ વસ્તી છે. જો મને હિંદુઓના મત નહીં મળે, તો હું જીતી શકીશ નહીં, તેથી AIMIMના ઉમેદવારોને રાજ્યમાં હિંદુ મત નહીં મળે. AAPનું સત્ય સામે આવ્યું છે કારણ કે લોકોને ખબર પડી ગઈ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લઘુમતી સમુદાયના કોઈપણ મુદ્દા પર બોલવા તૈયાર નથી. તે બીજેપી કરતા વધુ સાચા હિન્દુ બનવા માંગે છે.તેથી જ AIMIM અને AAP અહીં લઘુમતી સમુદાય માટે વિકલ્પ નથી.

  AIMIM અને AAP માટે મિશ્ર પ્રતિક્રિયાઓ

  AIMIMના ગુજરાત યુનિટના વડા સબીર કાબલીવાલાએ PTIને જણાવ્યું હતું કે, પાર્ટી રાજ્યમાં 30 ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. “અમે પહેલાથી જ છ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અહીં ગુજરાતમાં AIMIM માટે સારું વાતાવરણ છે અને અમે અહીં સીટો જીતીશું.'આ સાથે જ AAPના જંબુસરના ઉમેદવાર સાજીદ રિહાને કહ્યું કે, 'આ પહેલીવાર છે જ્યારે રાષ્ટ્રીય પાર્ટીએ જંબુસરથી મુસ્લિમને ટિકિટ આપી છે.' તેમણે કહ્યું કે, AAP રાજ્યમાં લઘુમતી સમુદાયમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમણે કહ્યું કે, AIMIM સંગઠન અહીં ખૂબ જ નબળું છે અને લોકો AAPને જ વોટ આપશે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, Muslims

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन