ગાંધીનગર : ખેડૂતોના સમર્થનમાં ગાંધીનગર ખાતે આવતીકાલે કોંગ્રેસ ધરણા કાર્યક્રમ યોજશે. આ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતું કે સમગ્ર દેશના ખેડૂતો સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. આવતીકાલે સત્યાગ્રહ છાવણી મેદાનમાં કોંગ્રેસ ધરણા ઉપવાસ કરી ખેડૂત સમર્થન આપશે. સરકાર ખેડૂતોની વેદનાને સમજે તે જરૂરી છે. જો સરકાર નહીં સમજે તો દિલ્લી જેવી સ્થિતિ સમગ્ર દેશમાં થશે. દિલ્હી ખાતે ચાલતા ખેડૂત આંદોલનને કોંગ્રેસ સમર્થન જાહેર કર્યું છે.
ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે નિવેદન આપતા કહ્યું હતુ કે કેન્દ્ર સરકારને વિનંતી છે કે ખેડૂતોના અવાજને સાંભળે. ખેડૂતોના મુદ્દાઓને સૌપ્રથમ કોંગ્રેસે જ ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં બહુમત ના હોવાથી અમને સસ્પેન્ડ કરી બિલ પાસ કરાવ્યું છે. બિલના વિરોધમાં કોંગ્રેસ ખેડૂતોના સમર્થનમાં છે. ગુજરાતના ખેડૂતો પણ આંદોલનમાં જોડાશે. ખેડૂતો રસ્તાઓ પર આવશે તો ભાજપ સરકાર ઘરે જશે. સરકાર ભૂમિ અધિગ્રહણ બિલને લઇ પણ દાવાઓ કરતી હતી. ભૂમિ અધિગ્રહણ બિલની જેમ સરકાર ખેડૂત બિલ પણ પરત લે.
વેક્સિનેશન પ્રોગ્રામ અંગે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે કહ્યું હતુ કે ભાજપે બિહાર ચૂંટણીમાં બધાને મફતમાં વેકસીન આપવાનો વાયદો કર્યો હતો. બધાને મફતમાં વેકસીન આપવામાં આવે એવી કોંગ્રેસ માંગ કરે છે. દેશના નાગરિકોને મફતમાં વેકસીન મળે એ સરકારની જવાબદારી છે. 2014થી સરકાર અનેક વાયદાઓ કરી ભૂલી જાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર