અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષ નેતા બદલવાની હિલચાલ ઘણા સમયથી ચાલી રહી છે પરંતુ સમગ્ર પ્રક્રિયા પર હાલ બ્રેક લાગી હોવાની આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી છે. દિલ્હી હાઇ કમાન્ડ હાલ ગુજરાત મુદ્દે કોઇ ચર્ચા કરવા માંગતી નથી પરંતુ ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે ટૂંક સમયમાં અવિનાશ પાંડેની નિમણૂક થઇ શકે છે.
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગ્યા હોય તેમ જાણે અત્યારથી જ તમામ પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ સતત છેલ્લા અનેક દિવસોથી મંથન કરી રહ્યું છે ત્યારે નવા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. ત્યારે ગુજરાતમાં વિપક્ષ કોગ્રેસમાં હાલ નવા પ્રમુખ અને વિપક્ષ નેતાની પસંદગી પ્રક્રિયા પર રોક લાગી ગઇ છે. દિલ્હી હાઇ કમાન્ડ સંપૂર્ણ રોક લગાવતા કહ્યું છે કે પહેલા કોંગ્રેસ પ્રભારીની પસંદગી કરશે ત્યાર બાદ અન્ય પ્રક્રિયા હાથ ધરાશે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું કોરોના પગલે નિધન થયું હતું. ત્યારથી ગુજરાત કોંગ્રેસ પ્રભારીનું પદ ખાલી પડ્યું છે. દિલ્હી હાઇ કમાન્ડ દ્વારા હાલ કોઇ નિમણૂક કરવામાં આવી નથી. દિલ્હી હાઇ કમાન્ડ સમક્ષ એક નામ પર સહમતી મુકાઇ છે. તે નામ અવિનાશ પાંડે છે, જે રાજસ્થાનના પ્રભારી છે. મૂળ મહારાષ્ટ્રના હોવાના કારણે અને ગુજરાતની રાજનિતીથી પરિચિત હોવાથી તેમના નામ પર પસંદગી મુકાઇ છે. જોકે હાલ અવિનાશ પાંડે તરફથી કોઇ નિર્ણય લેવામા આવ્યો નથી.
કોંગ્રેસના જાણકાર સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાલ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમના પદ પર યથાવત્ રહેશે. જ્યા સુધી નવી નિમણૂક ન થાય ત્યા સુધી તેમણે પોતાની જવાબદારીથી કામ કરવાનું રહેશે.
" isDesktop="true" id="1105403" >
રાજીવ સાતવ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મળેલ હાર બાદ એક રિપોર્ટ તૈયાર કરાયો હતો. જેમા ક્યા નેતાએ પાર્ટી નીતિની ઉપર જઇ ટિકિટનું વિતરણ કરી પાર્ટીને મોટુ નુકસાન કર્યું છે તે અંગે પણ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને અહેવાલ આપ્યો હતો. જેના આધારે દિલ્હી હાઇ કમાન્ડે હાલ નવા પ્રમુખ અને વિપક્ષ નેતા પસંદગી પ્રક્રિયા રોકી રાખી છે. પહેલા થયેલી ભૂલો અને પાર્ટીને નુકસાન કરનાર નેતા પાસેથી રિપોર્ટ માટે દિલ્હી તલબ કરાયા છે. કેટલાક નેતાઓએ દિલ્હી દરબારમાં હાજરી આપી પોતાના અહેવાલ સોંપ્યા છે તેમ છતા પાર્ટી હજુ સંતોષ નથી. આથી નવા પ્રભારીની નિમણૂક બાદ જ નવી પ્રક્રિયા હાથ ધરાશે.