Home /News /gujarat /Gujarat Budget 2023: અમૃતકાળમાં લોકોના ભાગે અમૃત ના આવ્યું! કોંગ્રેસને બજેટ જરાય પસંદ ના પડ્યું
Gujarat Budget 2023: અમૃતકાળમાં લોકોના ભાગે અમૃત ના આવ્યું! કોંગ્રેસને બજેટ જરાય પસંદ ના પડ્યું
ગુજરાત કોંગ્રેસના બજેટ પર ચાબખાં
Gujarat Congress On Budget: ગુજરાત કોંગ્રેસે કહ્યું છે કે આશાઓ અને અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું છે. બજેટમાં જે આશાઓ બાંધવામાં આવી હતી તે પ્રમાણે કશું થયું નથી. કોંગ્રેસે આ બજેટમાં લોકોની આશાઓ અને અપેક્ષાઓ ઠગારી નીવડી હોવાનો આક્ષેપ કર્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતના બજેટ (Gujarat Budget 2023) ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કુલ 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ શિક્ષણ માટે 43,651 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જોકે, કોંગ્રેસને આ બજેટ પસંદ પડ્યું નથી. કોંગ્રેસે બજેટ પર નારાજગી વ્યક્ત કરીને લોકોની ઈચ્છા પ્રમાણેનું બજેટ ના હોવાની વાત કરી છે. ચૂંટણી ઢંઢેરા પ્રમાણેની જોગવાઈઓ બજેટમાં કરવામાં ના આવી હોવાનું પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસને ગુજરાતનું બજેટ પસંદ ના પડ્યું
કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી તે પ્રમાણેનું બજેટ નથી તેવી પ્રતિક્રિયા સાથે જણાવ્યું છે કે, "ચોક્કસ, અમારા માટે પણ આ બજેટમાં યોજનાઓની ભરમાળ હશે, નવી ભરતીઓ આવશે, કર્મચારીઓની માગણી સંતોષાશે, ખેડૂતોની આવક બમણી થશે, ખેડૂતોના દેવા માફ થશે તેવી આશાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ થશે તેની આશા હતી, પરંતુ અમૃતકાળમાં લોકોના ભાગે અમૃત ના આવ્યું. ચૂંટણી પૂર્ણ થઈ અને ભાષણો વચનો ભૂલાયા અને લોકોની આશા ઠગારી નીવડી તેવું આ બજેટ પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકાય છે."
ગેનીબેન ઠાકોરે પણ ગુજરાતના બજેટની નિંદા કરી છે, ગુજરાતની મહિલાઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે વિશેષ તો નહીં પરંતુ રાજસ્થાનની સરકાર 500 રૂપિયે ગેસ સિલિન્ડર આપે છે એ રીતે માત્ર આટલું કર્યું હોત તો પણ અમે મહિલા તરીકે બજેટને આવકાર્યું હોત અને સરકારને અભિનંદન પણ પાઠવ્યા હોત, પરંતુ એવું થયું નથી.