Home /News /gujarat /

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજકોટ પૂર્વ બેઠક, જાણો કેવી છે રાજકીય હલચલ

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજકોટ પૂર્વ બેઠક, જાણો કેવી છે રાજકીય હલચલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 રાજકોટ પૂર્વ બેઠક પરિણામ

રાજકોટ પૂર્વ વિધાનસભા ચૂંટણી 2022 (Rajkot East Assembly Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) મહાજંગ માટે રાજકોટ પૂર્વ બેઠક ચૂંટણી પરિણામ, રાજકીય લેખાજોખા જાણીએ.

  રાજકોટ પૂર્વ વિધાનસભા ચૂંટણી (Rajkot East Assembly election): ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022) મહાજંગ જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો મેદાનમાં આવ્યા છે. સૌરાષ્ટ્રના રાજકીય એપી સેન્ટર રાજકોટની બેઠક પર કબજો કરવો રાજકીય પક્ષો માટે મહત્વનું બની જાય છે. આવો જાણીએ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરની રાજકીય હલચલ અને ચૂંટણી પરિણામના લેખાજોખા.


  રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે. રાજકોટ ગુજરાત રાજ્યમાં ચોથા નંબરનું મોટું શહેર છે. આ શહેર આજી નદીના કાંઠે વસેલું છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું મહત્વનું શહેર માનવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળનાં પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યાં હતાં, જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટમાં 8 વિધાનસભા ક્ષેત્રો આવેલા છે, જેમાંનું એક છે રાજકોટ પૂર્વ. રાજકોટ 68 ઇસ્ટ વિસ્તારમાં એશિયાનું સૌથી મોટું ઈમિટેશન ઝવેલરીનું હબ છે અને તેને ગૃહ ઉદ્યોગોનો ગઢ માનવામાં આવે છે.


  રાજકોટની ભૌગૌલિક સ્થિતિ


  રાજકોટની સરહદે સાત જીલ્લાની સરહદો સ્પર્શે છે. જેમાં રાજકોટની ઉત્તરે મારબી અને સુરેન્દ્રનગર જીલ્લો, પૂર્વમાં બોટાદ જીલ્લો, દક્ષિણમાં અમરેલી અને જૂનાગઢ જીલ્લો તથા પશ્ચિમમાં જામનગર અને પોરબંદર જીલ્લો આવેલો છે. આ સાથે જ ભાદર, ગોંડલી અને મચ્છુ જેવી સાત નદીઓ રાજકોટની ધરતીને નવપલ્લવિત કરે છે.


  સીમાંકનનું સમીકરણ


  વર્ષ 2010માં રાજકોટની જૂની બેઠક નંબર 1ના બે ભાગ થયા. નવા સીમાંકન મુજબ રાજકોટ એક બેઠકના બે ભાગ પડયા છે. રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ. જિલ્લામાં નવા સીમાંકનની સૌથી વધુ અસર રાજકોટ 1 બેઠકને થઈ છે. રાજકોટ પૂર્વની નવી રચાયેલી બેઠક નંબર 68ની વાત કરીએ તો તેમાં વોર્ડ નંબર 5, 16, 17, 18, 19, 20 આમ આ છ વોર્ડનો રાજકોટ પૂર્વ બેઠકમાં સમાવેશ થાય છે. રાજકોટ પૂર્વ બેઠક પર કુલ મતદારોની સંખ્યા આશરે 258580 છે. જેમાં આશરે 136972 પુરુષ મતદારો અને 121608 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.


  જાતિવાદી સમીકરણ


  જાતિગત સમીકરણની દ્રષ્ટિએ રાજકોટ પૂર્વની બેઠકને સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં લેઉવા પટેલ, કડવા પટેલ, લધુમતી, દલિત, કોળી, માલધારી સમાજનું પ્રભુત્વ છે. કુલ વસ્તીનાં 100%માંથી લેઉવા પટેલ 19%, કોળી 15%, દલિત 15%, લધુમતી 15%, કડવા પટેલ 5% અને અન્ય 31% મતદારોની વસ્તી છે.


  રાજકોટ પૂર્વ બેઠક ચૂંટણી પરિણામ


  વર્ષ  વિજેતા ઉમેદવાર  પક્ષ  2017  અરવિંદ રૈયાણી  ભાજપ  2012  ઇન્દ્રનીલ રાજયગુરુ  કોંગ્રેસ   વર્ષ 2012માં રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને જીપીપી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં કોંગ્રેસ નાં ઇન્દ્રનીલ રાજયગુરુ 4286 મતોની લીડ સાથે જીત્યા હતા, જ્યારે ભાજપમાંથી કશ્યપ શુક્લ અને પ્રવીણભાઈ આંબલીયાને હારનો સામનો કરવો પડ્યો હતો.


  વર્ષ 2017માં રાજકોટ પૂર્વ વિધાનસભા 68 બેઠક કોંગ્રેસના મિતુલ ડોંગા અને ભાજપના અરવિંદ રૈયાણીની ટક્કર થઈ હતી. જેમાં 22782 મતોની સરસાઈથી ભારતીય જમતા પાર્ટીના અરવિંદ રૈયાણીની જીત થઈ હતી.


  જ્યારે વર્ષ 2021માં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અને તેમના સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યું, ત્યારે ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં અરવિંદ રૈયાણીને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.


  ચૂંટણી મુદા અને મુખ્ય સમસ્યા


  રાજકોટમાં છેલ્લાં દસ વર્ષમાં આમ તો ઘણો વિકાસ થયો છે, પરંતુ રાજકોટ 2 જેટલો રાજકોટ 1 બેઠકનો વિકાસ થયો નથી. રાજકોટ 1 વિધાનસભા બેઠક જૂનું રાજકોટ છે. રાજકોટમાં સૌથી મોટો પ્રશ્ન પાણીની અછતનો છે.


  રાજકોટ માટે એવું કહેવાય છે કે અહીં લોકોને રોટી કપડાં અને મકાન મળી જાય પણ પાણી મળશે કે કેમ એની કોઈ ગેરંટી નહીં. રાજકોટમાં આઝાદી કાળથી પાણીનો સળગતો પ્રશ્ન છે. આથી જ કહેવાય છે કે રાજકોટમાં પાણી માટે પણ રાજકારણ ખેલાય છે. નેતાઓ પાણીના વચનો આપી મતદારો પાસેથી મત માંગે છે. મતદારો પાણીના વચનથી લોભાઈને મત તો આપે છે, પણ પ્રજાના પ્રતિનિધિ મતદારોને પાણી નથી આપી શકતા.


  આ સિવાય અનેક પ્રશ્નો છે, જેમાં રસ્તા ગટર સફાઈ અને આરોગ્ય સહિતના અનેક પ્રશ્નો છે. સફાઈ કામદારો વારંવાર જુદી જુદી માંગણીઓને લઇને હડતાલ પર ઉતરી જાય છે, જેને લઈને સ્થાનિકોને સમસ્યાનો સામનો કરવો પડે છે.


  રાજકોટમાં બીજા કોઈ પ્રશ્ન હોય તો તે વસાહતનો છે. સ્થાનિક નેતાઓ કોઈ પણ ચૂંટણી આવે ત્યારે સૂચિત સોસાયટીને કાયદેસર કરવાનાં વચનો આપે છે પણ આજ દિન સુધી સૂચિત સોસાયટીઓ કાયદેસર થઈ નથી.


  શહેરની વસ્તી વીસ લાખને આંબવા જઈ રહી છે અને શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન વકરી રહ્યો છે. રાજકોટની મધ્યમાંથી રેલવે લાઇન પસાર થાય છે. રેલવેના માનવરહિત ફાટકોને લીધે લોકોને ટ્રાફિકમાં ઉભું રહેવું પડે છે. ગોંડલ રોડનો મવડી પુલ છેલ્લાં પાંચ વર્ષથી બની રહયો છે પણ હજુ પૂર્ણ થયો નથી.


  નારાજગી અને પક્ષ પલટો


  ગુજરાત કોંગ્રેસમાં હાલમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ પાટીદાર કોંગ્રેસમાં સ્થાન ન આપતા નારાજગી જોવા મળી રહી છે. રાજકોટમાં તાજેતરમાં જ પૂર્વ કોર્પોરેટર મનસુખ કાલરિયા અને પાટીદાર આગેવાન મિતુલ દોંગાના હાજરીમાં એક બેઠક મળી હતી.


  આગામી સમયમાં નારાજ પાટીદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપવાની તૈયારીઓ બતાવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીનો પાટીદારીમાં વિરોધ છે. અદંર ખાને ચાલી રહેલો આ બળવો આગામી સમયમાં ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે.


  આ સાથે જ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને એક મોટો ઝાટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા આપમાં જોડાઇ ગયા છે.


  ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસ પાસે પોતાની વાત મનાવ્યા બાદ પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સમાધાન કર્યું નહોતું અને અંતે તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.


  અહીં નોંધનિય છે કે ભાજપ કોંગ્રેસના સીધા જંગ વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ અહીં સક્રિય મોડમાં આવી છે તો અહીં ચૂંટણી જંગ ભારે રસાકસીભર્યો બનશે એ નક્કી છે.


  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | 
  Published by:Hareshkumar Suthar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Rajkot News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन