Gujarat Assembly Election 2022 Results: સાવરકુંડલા વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર મહેશ કસવાલાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતને હાર આપી છે. આ સાથે અમરેલી જીલ્લાની વધુ એક બેઠક પર કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે.
અમરેલી લોકસભા મતવિસ્તારમાં આવતી સાવરકુંડલા વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર મહેશ કસવાલાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતને હાર આપી છે. આ સાથે અમરેલી જીલ્લાલની વધુ એક બેઠક પર કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ પહેલા 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની આગમાં અમરેલીની પાંચેય બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી જોકે આ વખતે ભાજપે મોટાભાગની બેઠકો કોંગ્રેસ પાસેથી પાછી ખુંચવી લીધી છે.
સાવરકુંડલા વિધાનસભા બેઠકમાં 1972ના જંગમાં 7 ઉમેદવારો મેદાનમાં હતા. 75357 મતદારોમાંથી 50334 મતદારોએ મતદાન કરતા 66.79 ટકા મતદાન થયુ હતુ. ત્યારે અહીં ઇન્દિરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે નવીનચંદ્રભાઇ રવાણી હતા અને મોરારજીભાઇની કોંગ્રેસમાં લલુભાઇ શેઠ હતા અને નવીનચંદ્ર રવાણીને અગાઉની ટર્મના ધારાસભ્ય ભગવાનજીબાપા આદસંગવાળાએ ટેકો આપ્યો હતો.
આ બેઠક ઉપર બે અપક્ષ અને પાંચ રાજકીય પક્ષોના ઉમેદવારો લડયા હતા. જેમા ઇન્દિરા કોંગ્રેસના નવીનચંદ્ર રવાણીને 22017 મોરારજીભાઇની કોંગ્રેસના લલુભાઇ શેઠને 20871 મત મળ્યા હતા.
અપક્ષ ઉમેદવાર જીવરાજભાઇ રણછોડભાઇ નસીતને 2232 સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જસાભાઇ સોમાભાઇ પટેલને 797, સીપીઆઇના ઉમેદવાર દેવજીભાઇ દેસાભાઇ બગડાને 781, ભારતીય જનસંઘના હઠીસિંહ લક્ષ્મણભાઇ ચૌહાણને 373 અને અપક્ષ ઉમેદવાર ટપુભાઇ પાતાભાઇ ખુમાણને 323 મત મળ્યા હતા. આ બેઠક ઉપરથી વિજેતા થયેલા નવીનચંદ્રભાઇ રવાણી, ઘનશ્યામભાઇ ઓઝાની સરકારમાં મંત્રી પણ બન્યા હતા.
આ દરમિયાન 1992માં સાવરકુંડલા વિધાનસભા બેઠક પર પેટા ચુંટણી આવી પડી હતી. આ બેઠક ઉપર જુની પેઢીના લોકસેવક અને અપક્ષ રીતે ભાજપના ટેકાથી લડીને ચુંટાયેલા લલુભાઇ શેઠનું નિધન થયું હતું.
સ્વ.લલુભાઇ શેઠના નિધનથી પેટાચુંટણી આવી પડી હતી લલુભાઇ જ્યારે ચુંટણી લડયા ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે કાઠી ક્ષત્રીય સમાજના આગેવાન બબલાભાઇ ખુમાણે અપક્ષ ઉમેદવારી કરી હતી અને તેમણે નોંધપાત્ર મત મેળવ્યા હતા.
જેથી કોંગ્રેસે ધીરૂભાઇ દુધવાળાને મેદાનમાં ઉતારતા ભાજપે બી.ટી.ખુમાણને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં દુધવાળા વિજેતા થયા હતા સાવરકુંડલાની આ પેટાચુંટણી ભાજપ માટે અને કોંગ્રેસ બંને માટે મહત્વની હતી.
અપક્ષ ધારાસભ્યની ખાલી પડેલી જગ્યા અંકે કરવા માટે ભાજપના અડવાણી, ઉપેન્દ્ર ત્રિવેદી, તત્કાલીન મુખ્યમંત્રી સ્વ.ચીમનભાઇ પટેલ સહિતના ધુરંધરોએ સાવરકુંડલામાં સભાઓ ગજવી હતી, પણ તેમ છતા કોંગ્રેસના દુધવાળા વિજય થયા હતા.
સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તાર-સાવરકુંડલા વિધાનસભા (97) ગુજરાતના અમરેલી જિલ્લામાં આવેલ છે. 2011ની વસતી ગણતરીના અંદાજ મુજબ, કુલ 297648 વસ્તીમાંથી 70.2% ગ્રામીણ અને 29.8% શહેરી વસ્તી છે.
અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 7.77 અને 0.21 છે. વર્ષ 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 242983 મતદારો અને 300 મતદાન મથકો છે. સાવરકુંડલા વિધાનસભા બેઠક હેઠળ સાવરકુંડલા તાલુકો, લીલીયા તાલુકો અને કણકોટ નાના, રાજકોટ નાનાનો સમાવેશ થાય છે.