Home /News /gujarat /અમરેલીમાં ભાજપે કોંગ્રેસના કાંગરા ખેરવ્યાઃ 2017માં મેળવેલી પાંચમાંથી એક પણ બેઠક બચાવી શક્યું નહીં
અમરેલીમાં ભાજપે કોંગ્રેસના કાંગરા ખેરવ્યાઃ 2017માં મેળવેલી પાંચમાંથી એક પણ બેઠક બચાવી શક્યું નહીં
પાંચ જ વર્ષમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી નાખ્યા.
Gujarat Assembly Election 2022 Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ ન ભૂતો ન ભવિષ્યતી જેવું પરિણામ સાથે વિજયી બન્યું છે. જેમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ બનેલા અમરેલીના કાંગરા ખેરવી નાખ્યા હતા અને પાંચેય બેઠકો પર ભગવો લહેરાયો હતો.
અમરેલીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તમામ બેઠકોનું લભભગ પરિણામ આવી ચૂક્યું છે અને ભાજપે રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે. પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો મુજબ 182 બેઠકોની વિધાનસભામાં ભાજપે 156 બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. ભાજપની આ સુનામીમાં કોંગ્રેસ અને આપ બંનેનો સપાયો થઈ ગયો છે. જોકે તેમાં સૌથી વધુ નોંધ એ બાબતની છે કે 2017માં જે બેઠકો કોંગ્રેસ પાસે હતી અને કોંગ્રેસ જેને પોતાની સુરક્ષિત બેઠકો માનતી હતી તેને પણ બચાવી શકી નથી. જેમ કે અમરેલી જીલ્લાની તમામ પાંચ બેઠકો જે 2017માં કોંગ્રેસના ફાળે હતી તેમાંથી એક પણ બેઠક બચાવી શક્યું નથી.
અમરેલી જીલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા આ તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. જે પૈકી હાઈવોલ્ટેજ કહી શકાય તેવી અમરેલી બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર અને વિધાનસબાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, રાજુલાના અંબરિષ ડેર અને લાઠીના વિરજી ઠુમ્મર સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
2017માં કોંગ્રેસે જીલ્લાની તમામ પાંચ બેઠકો પર ક્લીન સ્વીપ કરી હતી જોકે પાંચ જ વર્ષમાં સમગ્ર ચિત્ર પલટાઈ ગયું હતું અને ભાજપે કોંગ્રેસના ગઢ બનેલા અમરેલીના કાંગરા ખેરવી નાખ્યા હતા. 2017માં પાટીદાર અનામત આંદોલનની આગમાં અમરેલી જિલ્લાની તમામ બેઠકો પરથી ભાજપના સૂપડા સાફ થયા હતા. જોકે ત્યારબાદ ભાજપે મીશન ઉપાડ્યું હોય તેમ ધારીના કોંગ્રેસના ધારાસભ્ય જેવી કાવડીયાએ 2020માં જ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ પેટા ચૂંટણીમાં ભાજપે જે.વી. કાવડીયાને ટિકિટ આપી હતી અને વિજય મેળવ્યો હતો.
ત્યારે હવે બાકી રહેલી ચાર બેઠકો પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. મહત્વનું છે કે અમરેલીની તમામ બેઠકો પૈકી એક માત્ર રાજુલા બેઠક પર જ અંતિમ રાઉન્ડ સુધી રસાકસી રહી હતી. જોકે છેલ્લે અંતર વધી જતા અંબરિષ ડેરે અંતે હાર માની લીધી હતી અને મતગણતરી કેન્દ્ર પરથી પહેલા જ ચાલતી પકડી હતી.
અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કુલ 12 લાખ 59 હજાર 481 મતદારો નોંધાયેલા છે. જેમાંના 7 લાખ 15 હજાર 163 મતદારોએ 1 ડીસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાંચ બેઠક પર સરેરાશ મતદાનની વાત કરીએ તો, 2017ની સરખામણીએ 5 ટકા ઓછું મતદાન નોંધાયું છે. 2017માં અહીં સરેરાશ 61.84 ટકા મતદાન થયું હતું અને 2022માં સરેરાશ 56.78 મતદાન થયું છે. બેઠક વાઈઝ 2017 અને 2022માં થયેલા મતદાનની ટકાવારી નીચે મુજબ છે.