ગાંધીનગર : હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લિંક કૌભાંડ (GSSSB head clerks exam paper leaked) મામલે વિપક્ષ નેતા સુખરામ રાઠવાની (Sukhram Rathva)આગેવાનીમાં કોંગ્રેસ ધારાસભ્યના (Congress MLA)પ્રતિનિધ મંડળે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને (Chief Minister Bhupendra Patel)આવેદનપત્ર આપ્યું હતું. છ મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી હતી.
વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી (Paper Leak)જવાની ઘટના સામાન્ય બની રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Gaun Seva Pasandgi Mandal)દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું (head clerks exam paper)પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફૂટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા છે. રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી. ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.
વધુમાં રાઠવાએ જણાવ્યું હતું કે હેડ કલાર્કની પરીક્ષાનું પેપર રૂપિયા 30 લાખમાં વેચાયાનું બહાર આવ્યું છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા પણ રૂપિયા 9 લાખમાં પેપર વેચાયાનું બહાર આવ્યું છે. તેમ છતાં આ અંગે મુખ્યમંત્રી અથવા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસીત વોરા દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવાની તસ્દી લેવાઈ નથી કે કોઈ બાંહેધરી પણ આપવામાં આવી નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે.
રાજ્ય સરકાર યુવાનોના પ્રશ્નો અંગે અત્યંત અસંવેદનશીલ હોવાનો આ એક વધુ બોલતો પૂરાવો છે. પહેલેથી બેકારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવી પડે છે. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં એક વખત વધુ વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારમાં બન્યું છે જે અત્યંત નિંદનીય છે . ગૌણ સેવા પસંદગી મંડળ ફકત્ત ભ્રષ્ટાચારીઓ માટે જ કામ કરતું હોઈ તેવું લાગે છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મળતિયાઓને પાછલા બારણે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
- પરીક્ષાનું પેપર ફુટવાની તપાસ નામદાર હાઈકોર્ટના સીટીંગ જજ મારફત કરાવવામાં આવે .
- પેપર ફુટવાની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસીત વોરા રાજીનામું આપે .
- નૈતિક જવાબદારી સ્વીકારી અસીત વોરા રાજીનામું આપવા તૈયાર ના થાય તો રાજ્ય સરકાર તેઓના પાવર વાપરીને હકાલપટ્ટી કરે .
- પેપર ફુટતા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવે તે જ દિવસે પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરવામાં આવે.
- વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ભરી- ટયૂશન કલાસ, મોટા શહેરોમાં રહેવા - જમવાના ખર્ચાઓ કરીને તૈયારી કરી હોય છે. ત્યારે પરીક્ષા રદ થતાં મહિનાઓ સુધી પુનઃ પરીક્ષા ન લેવાતા પુનઃ કલાસ અને તૈયારી કરવા લાખો રૂપિયાના ખર્ચાઓ થાય છે તેથી પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવામાં આવે.
- પુનઃ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી ઉમેદવારોને માસિક 5000 રૂપિયા ટયૂશન કલાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ખર્ચ પેટે ચૂકવવામાં આવે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર