જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શુક્રવાર રાત્રે કહ્યું કે અમરનાથ યાત્રાને વચ્ચે રોકવાને અન્ય મુદ્દાઓ સાથે જોડીને બિનજરૂરી ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. તેઓએ રાજકીય નેતાઓને પોતાના સમર્થકોને શાંતિ કાયમ રાખવા તથા અતિશયોક્તિપૂર્ણ અફવાઓ પર ભરોસો ન મૂકવાની અપીલ કરવાનો અનુરોધ કર્યો.
પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના પ્રમુખ શાહ ફૈસલ અને પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાન લોન તથા ઇમરાન રજા અન્સારીના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત બાદ રાજભવને જાહેર કર્યુ નિવેદન
રાજભવનથી જાહેર એક નિવેદન મુજબ, પ્રતિનિધિમંડળે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરામર્શ સહિત દિવસમાં થયેલા ઘટનાક્રમોથી કાશ્મીર ઘાટીમાં ભયની સ્થિતિ ઊભી થવા અંગે ચિંતા વ્યક્ત કરી. સરકારે અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને વહેલી તકે પરત ફરવા માટે કહ્યું છે.
'અમરનાથ યાત્રીઓના મુદ્દાને અન્ય મુદ્દાઓ સાથે જોડીને ફેલાવવામાં આવી રહ્યો છે બિનજરૂરી ભય'
રાજભવનથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલ મલિકે પ્રતિનિધિમંડળને જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓની પાસે અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાઓના સંબંધમાં ગંભીર અને વિશ્વસનીય સૂચનાઓ છે. આ સંદર્ભમાં સરકારે પરામર્શ જાહેર કરી યાત્રીઓ અને પર્યટકોને વહેલી તકે પરત ફરવા માટે કહ્યું છે.
મલિકે કહ્યું કે, આ પગલાને અન્ય તમામ પ્રકારના મુદ્દાઓથી જોડીને બિનજરૂરી ભય ઊભો કરવામાં આવી રહ્યો છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઉઠાવવામાં આવ્યા પગલાં
રાજભવન તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિશુદ્ધ રીતે સુરક્ષાની દૃષ્ટિથી ઉઠાવવામાં આવેલા આ પગલાને એ મુદ્દાઓ સાથે જોડાવામાં આવી રહ્યા છે જેનો તેનાથી કોઈ સંબંધ નથી. આ જ ભયનું કારણ છે. તેઓએ નેતાઓ સાથે પોતાના સમર્થકોને મામલામાં ઘાલમેલ ન કરવા, શાંતિ કાયમ રાખવા અને અતિશયોક્તિપૂર્ણ અફવાઓ પર ભરોસો ન કરવા માટે અનુરોધ કર્યો.
રાજ્યપાલે ફરી કરી સ્પષ્ટતા, કલમ 35Aને હટાવવાની કોઈ તૈયારી નથી
રાજભવન તરફથી જાહેર આ નિવેદનમાં ફરી એકવાર 35Aના મુદ્દે રાજ્યપાલ સત્યપાલ મલિકે સ્પષ્ટતા કરી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યપાલે બારામૂલામાં કાલે અને તેના એક દિવસ પહેલા શ્રીનગરમાં કલમ 35Aને હટાવવાનો મુદ્દે પોતે સ્પષ્ટતા કરી હતી. મલિકે બારામૂલા અને શ્રીનગરમાં કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને વિશેષ શક્તિઓ આપનારી બંધારણની કલમ 35Aને રદ કરવાનો કોઈ યોજના નથી.