હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાજ્યમાં પાણી ચોરીના બનાવો અટકાવા અને પાણી ચોરોને સબક શિખવાડવાના હેતુથી સરકાર દંડની રકમ અને સજાની જોગવાઈમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે. પાણી ચોરોને પાઠ ભણાવવા માટે સરકાર વિધાનસભામાં સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક લાવશે. આ વિધેયક મુજબ પાણી ચોરીના બનાવમાં 10 હજાર રૂપિયાથી લઈને અને બે લાખ સુધીનો દંડ કરવામાં આવશે.
સરકાર દ્વારા રજૂ થનારા બિલમાં સંભવત: જે જોગવાઈઓ અમલમાં આવનાર છે તેના મુજબ નહેરની મજબૂતાઈ અથવા સલામતીને નુકશાન પહોંચાડવાના પ્રયત્નો કરનારને બે વર્ષની કેદ અને બે લાખનો દંડ થશે. નહેરોના પાણીને પ્રદુષિત કરનાર અથવા પ્રવાહી કે ઘન કચરો છોડનારને એક વર્ષની કેદ અને પચાસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જ્યારે નહેરમાંથી અનઅધિકૃત રીતે પાણી લેનાર વ્યક્તિને ત્રણ મહિના સુધીને કેદ અને દસ હજાર રૂપિયાનો દંડ થશે.
નહેરમાં પશુ લઈ જવાની મનાઈ
આ બીલ મુજબ નહેરમાં પશુ લઈ જવાનો પ્રતિબંધ થશે. જો કોઈ પશુ લઈને નહેરમાં જશે તો તેને ત્રણ મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ થશે. જૂની જોગવાઈઓ મુજબ નહેરને નુકશાન પહોંચાડનારને 3થી6 મહિનાની કેદ અને પાંચથી 10 હજાર દંડની જોગવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ રાજકોટના ગવરીદડ ગામે નર્મદાની કેનાલમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું, કોઈએ કેનાલમાં બદઇરાદાથી તોડફોડ કરીને અને ભંગાણ કર્યુ હતું. આમ આ પ્રકારના બનાવોને ધ્યાનમાં રાખીને સરકાર પાણી ચોરીનું વિધેયક લાવવા માંગી રહી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર