નલિયાકાંડની તપાસ પાછળ 70 લાખ ખર્ચાયા, થાનગઢ હત્યાકાંડનો રિપોર્ટ જાહેર કરવાનો ઇન્કાર

પ્રતિકાત્મક તસવીર

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંતર્ગત યોજાયેલા પ્રશ્નોતરી કાળમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થાનગઢ દલિચત હત્યાકાંડનો સવાલ પૂછ્યો હતો,જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુસડિયાએ નલિયાકાંડ પાછળના ખર્ચનો પ્રશ્ન પૂછ્યો હતો

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: રાજ્યમાં ખૂબ જ ચકચાર મચાવેલા નલિયા સેક્સ કાંડની તપાસ પાછળ રૂપિયા 70 લાખથી વધુનો ખર્ચ થયો હોવાની વિગતો વિધાનસભામાં જાણવા મળી હતી. ગુજરાત વિઘાનસભાના વચગાળાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મુસડિયાએ નલિયા સેક્સ કાંડની તપાસ પાછળ કેટલો ખર્ચ થયો હતો તે સવાલ ઉઠાવ્યો હતો.

  પ્રવિણ મુસડિયાએ સવાલ પૂછ્યો હતો કે નલિયા કાંડની તપાસ માટે રચાયેલા જસ્ટિસ દવે કમિશન પાછળ સરકારે કેટલા નાણાનો ખર્ચ કર્યો હતો? આ સવાલમાં સરકારે જણાવ્યું હતું કે જસ્ટિસ દવે કમિશન પાછળ 70 લાખ 27 હજાર, 283 રૂપિયાનો ખર્ચ થયો હતો. આ તપાસ પંચની પ્રથમ બેઠક માર્ચ 2018માં મળી હતી.

  થાનગઢ દલિત હત્યાકાંડનો રિપોર્ટ જાહેર કરવાનો ઇન્કાર
  વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વિધાનસભા ગૃહમાં બહુ ચર્ચિત થાનગઢ દલિત હત્યાકાંડનો રિપોર્ટ શા માટે રજૂ કરવામાં આવતો નથી તે અંગે સવાલ પૂછ્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આ તપાસ કમિશન ઑફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ સોંપવામાં આવેલી ન હોવાથી તેનો જવાબ વિધાનસભામાં રજૂ કરવાનો રહેતો નથી.

  અધિકારીને છાવરવાનો મેવાણીનો આક્ષેપ

  Jignesh Mevani
  જીગ્નેશ મેવાણીની ફાઇલ તસવીર


  જીગ્નેશ મેવાણીએ થાનગઢ દલિત હત્યાકાંડના કેસમાં જણાવ્યું હતું કે સરકારે ટેકનિકલ બાનું આપી અહેવાલ રજૂ કર્યો નથી પરંતુ આ અહેવાલ રજૂ ન કરવા પાછળ ભાજપના માનીતા આઈપીએસ અધિકારી અને નેતાને છાવરવાનો પ્રયાસ કરાયો છે. સરકાર સત્ય રજૂ કરતી નથી, અમે આગામી ચૂંટણી પહેલાં દરેક તાલુકાના દલિતોને જાગૃત કરી અને સરાકરને પૂછીશું કે ક્યાં અધિકારથી આ રહસ્યોને દબાવી રહ્યા છે.
  Published by:Jay Mishra
  First published: