Home /News /gujarat /

Amreli: ગુજરાતની આ સરકારી શાળા પાસે પોતાની માલિકીની 10 વીઘા ખેતીલાયક જમીન, આવી રીતે બની અવ્વલ નંબરની શાળા

Amreli: ગુજરાતની આ સરકારી શાળા પાસે પોતાની માલિકીની 10 વીઘા ખેતીલાયક જમીન, આવી રીતે બની અવ્વલ નંબરની શાળા

ખેતીની વાર્ષિક કમાણીમાંથી વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવે છે

અમરેલીનું જાળીયા એટલે સ્વાતંત્ર્ય સેનાની બાલુકાકાનું ગામ! એવી આ ગામની ઓળખ! વર્ષોથી આ ગામ શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે

  Dinesh Rathod: ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળા (Primary Schools in Gujarat)માં બાળકોના શિક્ષણના મૂલ્યાંકન માટે દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. વર્ષ 2021-2022માં ગુણોત્સવના રિપોર્ટ કાર્ડ પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં આજે પ્રાથમિક શિક્ષણમાં ધરખમ ફેરફારો સાથે હકારાત્મક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. આજે વાત કરવી છે, અમરેલીના જાળીયાની પ્રાથમિક શાળા (Jaliya Primary School Amreli)માં આવેલા હકારાત્મક પરિવર્તનની અને સુધારાની. આઝાદીની લડત (Freedom movement)માં જાળીયા ગામના સ્વાતંત્ર્ય સેનાની બાલુકાકા (Freedom fighter Balukaka)નું પણ ઉમદા યોગદાન રહ્યું છે.

  અમરેલીનું જાળીયા એટલે સ્વાતંત્ર્ય સેનાની બાલુકાકાનું ગામ! એવી આ ગામની ઓળખ! વર્ષોથી આ ગામ શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. સરકારી પ્રાથમિક શાળામાં પણ તમામ સુવિધાઓ હોય, બાળકોના સર્વાંગી વિકાસ સાથે અનેરું ઘડતર થતું હોય ઉપરાંત 21મી સદીની માંગ મુજબ શાળા અને શાળાના ઉત્સાહી શિક્ષકો શિક્ષણમાં હકારાત્મક પરિવર્તન સતત કરતાં રહે એવું શક્ય છે? કેવી રીતે? ગામ લોકોના સાથ, સહકાર અને લોકભાગીદારીથી! સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણની તસવીર હવે બદલાઈ ચૂકી છે.  125વર્ષ જૂની છે આ શાળા પ્રાથમિક

  વર્ષ 2011-12માં ગુણોત્સવનું આયોજન સરકારે શાળામાં સર્વગ્રાહી મૂલ્યાંકનના ઉમદા ઉદ્દેશ્ય સાથે કર્યું હતું. આ સમયે જાળીયાની પ્રાથમિક શાળાના સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ડ કાર્ડમાં D ગ્રેડ હતો. આ રિપોર્ટ કાર્ડ જાળીયાની પ્રાથમિક શાળા માટે એક ઉમદા તક સાબિત થયું! ત્યારબાદ ધીમે - ધીમે શાળામાં સુધારા થતાં રહ્યાં અને શાળાના શિક્ષણમાં હકારાત્મક પરિવર્તન આવવા લાગ્યું...! વર્ષ 2014-15માં જાળીયાની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે એક ઉત્સાહી યુવા આશિષ મહેતા આચાર્ય તરીકે નિમણુક પામ્યા અને શાળાના શિક્ષણમાં સમગ્રલક્ષી અભિગમ સાથે ધરખમ ફેરફારોની શરુઆત થઈ.  125વર્ષ જૂની પ્રાથમિક શાળામાં પટાંગણથી લઈ સ્માર્ટ ક્લાસ સુધી સુધાર પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં આજે શાળાની તસવીર સંપૂર્ણ હકારાત્મક રીતે બદલાઈ ચૂકી છે. વર્ષ 2011-12 ગુણોત્સવ મુલ્યાંકનમાં D ગ્રેડથી લઈ C ગ્રેડ અને ત્યારપછીના ગુણોત્સવમાં B ગ્રેડ. વર્ષ 2015-2016થી સતત વર્ષ 2021-2022 ગુણોત્સવ રિપોર્ટ કાર્ડમાં A+ ગ્રેડ સુધીની લાંબી પરિવર્તનલક્ષી સુધારાત્મક પ્રક્રિયા સતત ચાલતી રહી.

  ડિજિટલ ક્લાસની સાથે 3D થિયેટર પણ છે

  આજે જાળીયાની પ્રાથમિક શાળામાં ડિજિટલ બોર્ડ સાથે ચાલતા સ્માર્ટ ક્લાસ છે, 20 જેટલા કોમ્પ્યુટરની એ.સી. લેબ છે. શાળાના દરેક ક્લાસમાં લાયબ્રેરી તો છે જ સાથે શાળાના બાળકો વાંચન કરી શકે એ માટે પણ અલગ લાયબ્રેરી છે. ડિજિટલ ક્લાસની સાથે 3Dથિયેટર પણ છે! વિજ્ઞાનના કોન્સેપ્ટ શાળાના બાળકો સાયન્સ લેબમાં પ્રેક્ટિકલ સાથે ભણે છે, શીખે છે.  22 હજાર લીટરનો ભૂગર્ભ જળ ટાંકો પણ છે

  અરે, અહીંની પ્રાથમિક શાળામાં વરસાદી પાણીના સંગ્રહ માટે 22 હજાર લીટરનો ભૂગર્ભ જળ ટાંકો પણ છે. આ શાળામાં ભણી ચૂકેલા બાળકો પ્રકૃતિ પ્રત્યે કેટલા જવાબદાર નાગરિક બની શકશે એ સમજી શકાય તેમ છે. આ શાળામાં વૃક્ષોનું પ્રમાણ એટલું છે કે, આ પટાંગણની ઓળખ જ ગ્રીન કેમ્પસ તરીકેની છે! ટેક્નોલોજીમાં પણ શાળાનો એક ક્લાસ છે! સી.સી.ટી.વી. કેમેરા સાથેની મોનિટરિંગ સિસ્ટમની સાથે બોયોમેટ્રીક હાજરીની સિસ્ટમ પણ છે.

  શાળા પાસે પોતાનો કોમ્યુનિટી હોલ છે

  જાળીયાની પ્રાથમિક શાળામાં આઉટડોર ગેમ્સની સાથે ઈનડોર ગેમ્સનું એક અલાયદું સ્પોર્ટ કલ્ચર છે. ચેસ જેવી આધુનિક ઈનડોર ગેમ્સમાં શાળાના બાળકો રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને જિલ્લા કક્ષા સુધી સ્પર્ધામાં આગળ રહ્યા છે. શાળા પાસે પોતાનો કોમ્યુનિટી હોલ છે, જ્યાં પ્રોજેક્ટર સાથે શાળાના વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. સ્વચ્છતાથી લઈ પીવાના શુદ્ધ પાણીની ઉમદા વ્યવસ્થા ધરાવતા જાળીયાની પ્રાથમિક શાળા પાસે ગામની સીમમાં પોતાની 10 વીઘા જમીન છે! જેમાં કપાસ જેવા રોકડીયા પાકોનું વાવેતર કરવામાં આવે છે.

  અમરેલી: નેટ હાઉસથી કાકડીની ખેતી કરીને ખેડૂતે કરી લાખો રૂપિયાનો કમાણી, વાંચો સફળતાની કહાની

  વર્ષમાં બે વાર શાળાના બાળકોને ઇનામો આપવામાં આવે છે

  શાળાની ખેતીની વાર્ષિક આવકમાંથી દર વર્ષે વર્ષમાં બે વાર શાળાના બાળકોને ઇનામો આપવામાં આવે છે અને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવે છે! છે ને કમાલની શાળા! આ જમીન શાળાને ગાયકવાડી શાસન સમયે શાળાના નિભાવખર્ચ માટે સોંપવામાં આવી હતી, જેની માલિકી આજે જાળીયા પ્રાથમિક શાળાની પોતાની છે. એક સમય હતો જાળીયા ગામના વિદ્યાર્થીઓ બહારગામ પ્રાથમિક શિક્ષણ અર્થે જતાં! સુધારાત્મક પરિવર્તનનો પવન એવો ફૂંકાયો કે, આજે બહારગામથી આવતાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષા અર્થે જાળીયાની પ્રાથમિક શાળામાં શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે!

  જાળીયા પ્રાથમિક શાળામાં સુધારાની પ્રક્રિયા સતત ચાલતી રહી છે. વર્ષ - 2017માં ગુણોત્સવ સમયે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીએ શાળાની મુલાકાત લીધી હતી. અને શાળાને હકારાત્મક સુધાર પ્રક્રિયા માટે અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં શાળામાં પ્રાથમિક શિક્ષણ નિયામક ભરત પંડિત સહિતના અધિકારીઓએ મુલાકાત કરી છે. તાજેતરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંઘ સાહેબે પણ શાળાની મુલાકાત લીધી હતી. અને શાળાની સુધાર પ્રક્રિયાને વખાણી હતી અને શાળાના સંપૂર્ણ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

  દર વર્ષે શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન

  શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, ઈનોવેશનને લઈ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. કેન્દ્નની નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કિમ (NMMS) અંતર્ગત દરેક જિલ્લામાંથી માત્ર 120વિદ્યાર્થીઓ જ સિલેક્ટ થાય છે. આ સ્કોલરશીપ પરીક્ષા માત્ર ધો.8ના વિદ્યાર્થીઓ જ આપી શકે. છેલ્લા પાંચ વર્ષમાં અત્યાર સુધીમાં અઘરી ગણાતી સ્કોલરશીપ પરીક્ષા સ્કીમ હેઠળ જાળીયા પ્રાથમિક શાળાના 17જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે! આ છે શાળાના શિક્ષકોની કમાલ, જેમણે શાળાના વિદ્યાર્થીઓ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે અને ગુણવત્તાલક્ષી શિક્ષા આપી છે.  જાળીયા પ્રાથમિક શાળાના આચાર્ય આશિષ મહેતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, શાળામાં ભવિષ્યમાં પણ ઉત્સાહી શિક્ષકોના પ્રયત્નોથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ શાળામાંથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધે, NMMS સ્કોલરશીપ સ્કીમ હેઠળ વધુમાં વધુ વિદ્યાર્થીઓ પસંદગી મેળવે ઉપરાંત તાઉ'તે વાવાઝોડામાં નુકશાન થયેલ વૃક્ષોનું રિસ્ટોરેશન થાય તેવા પ્રયત્નો શાળા કક્ષાએથી સતત થતાં રહેશે.

  શિક્ષણનો હેતુ બાળકોનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય એ છે

  અમે સૌ સ્ટાફ અને શિક્ષકો એક ટીમ બનીને શાળામાં સતત સુધારા કરતાં રહ્યા છીએ. આ શાળાની પ્રગતિમાં અને ઉન્નતિમાં સૌ શિક્ષકો, સ્ટાફ, ગામના લોકો અને રાજ્ય સરકારનો સૌ કોઈનો ઉમદા ફાળો રહ્યો છે એટલે જ સૌના સાથ, સહકાર અને સરકારના પ્રયત્નો થકી ઉપરાંત લોકભાગીદારીથી વર્ષ 2021-22 ગુણોત્સવમાં ભૌતિક અને શૈક્ષણિક મૂલ્યાંકનમાં અમે જિલ્લાકક્ષાએ નંબર વન રેન્ક બનાવી રાખવામાં સફળ રહ્યા છીએ.

  શિક્ષણનો હેતુ બાળકોનો સંપૂર્ણ સર્વાંગી વિકાસ થાય એ છે, ગુણવત્તાલક્ષી શિક્ષા બાળકોમાં સર્વાંગી વિકાસ કરવામાં મદદ કરે છે. સાથે સાથે જુદી જુદી બાબતો શીખવી એ પણ એટલું જ મહત્વનું છે! આ ઉદ્દેશ સાથે શાળાના ઉત્સાહી શિક્ષકોએ જાળીયા પ્રાથમિક શાળાને જિલ્લામાં અવ્વલ નંબરની શાળા બનાવવા માટે શક્ય તમામ સફળ પ્રયત્નો કર્યા છે. આપણા કવિઓએ સાહિત્યમાં શિક્ષા અને આદર્શ શિક્ષકોની અનેરી કલ્પના કરી છે... કેવા હોય આદર્શ શિક્ષક? એક અજ્ઞાત કવિની કલ્પનામાં આદર્શ શિક્ષક આવા હોય છે.

  ‘કોરી આંખોમાં સ્વપ્નાં વાવે તે’, ‘ગ્રંથોના આટાપાટા ઉકેલી સૌને, મિથ્યા ગ્રંથિઓથી છોડાવે તે શિક્ષક’. આ શબ્દોને જાળીયા પ્રાથમિક શાળાના શિક્ષકોએ પોતાના કર્મયોગ થકી ખરાં અર્થમાં સાચા સાબિત કર્યા છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन