Home /News /gujarat /

Crime News: ગોધરામાં ઉછીના નાણાંની પરત માંગણી કરતા યુવતીએ પ્રેમી સાથે મળી વૃદ્ધનું ઢીમ ઢાળી દીધુ

Crime News: ગોધરામાં ઉછીના નાણાંની પરત માંગણી કરતા યુવતીએ પ્રેમી સાથે મળી વૃદ્ધનું ઢીમ ઢાળી દીધુ

કોઈને આર્થિક મદદ કરી ઉછીના નાણાંની પરત માંગણી કરો તો મળી શકે છે મોતની સજા!

Godhra news: ગોધરાના ભૂરાવાવ વિસ્તારના વૃદ્ધની પૂર્વ આયોજિત કાવતરૂં રચી ઉછીના નાણાં પરત માંગતા યુવતીએ તેના પ્રેમી મારફતે હત્યા કરાવી હોવાનો પર્દાફાશ થયો છે.

  રાજેશ જોષી (ગોધરા): કોઈને આર્થિક મદદ કરી ઉછીના નાણાંની પરત માંગણી કરો તો મળી શકે છે મોતની સજા! આવું જ કંઈક ગોધરાના 68 વર્ષીય વૃદ્ધ સાથે બન્યું છે. ગોધરાના ભૂરાવાવ વિસ્તારના વૃદ્ધની પૂર્વ આયોજિત કાવતરૂં રચી ઉછીના નાણાં પરત માંગતા યુવતીએ તેના પ્રેમી મારફતે હત્યા (Murder) કરાવી હોવાનો પર્દાફાશ થયો છે.

  ગોધરા એ ડિવીઝન પોલીસે યુવતી, તેના પ્રેમી અને પ્રેમીના મિત્ર સામે હત્યા અને ષડયંત્રની જોગવાઈ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ હત્યારાઓએ વૃદ્ધને ગળે ટૂંપો દઈ મૃતદેહને પુરાવાનો નાશ કરવા માટે ગોધરાના એકસઠ પાટિયા પાસેથી પસાર થતી કેનાલમાં ફેંકી દીધો હતો. જેથી પોલીસે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ટીમની મદદ લઇ મૃતદેહની કેનાલમાં શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મનહરભાઈને યુવતીને નાણાંકીય મદદ કરી ઉછીના નાણાં પરત માંગતા મોતની સજા મળી છે. જેને લઈ તેઓનો પરિવાર શોકમગ્ન બન્યો છે.

  ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં નવદીપ સોસાયટીમાં રહેતા 68 વર્ષીય મનહરભાઈ ઝાલા 4 માર્ચના રોજ શહેરાના છાણીપ ગામે તેઓના સ્નેહીજનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. ગોધરાના ભક્તિનગર સોસાયટીમાં રહેતાં રેખાબેન કાંતિલાલ પરમારની ઇકો ગાડીમાં ચાલક તરીકે રેખાનો કહેવાતો પ્રેમી સંજય અમરસિંહ દેવીપૂજક -કાલોલ અને હાલ ગોધરા ખાતે રહે છે. જે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે તેના મિત્ર રાહુલ ઉર્ફે પિન્ટુ પરમાર,અલીન્દ્રા-કાલોલને સાથે લઈ ગયો હતો. આ દરમિયાન મનહરભાઈને લઈ તેઓ ઇકો ગાડીમાં છાણીપ ધાર્મિક પ્રસંગમાં લઇ ગયા હતા. જયાંથી પ્રસંગ પૂર્ણ કરી પરત થયા હતા.પરંતુ રેખાબેનને મનહરભાઈએ ઉછીના આપેલા નાણાંની ઉઘરાણી કરી હતી, જે બાબતની અદાવત રાખી રેખાબેન અને સંજયે મનહરભાઈની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરૂ રચ્યું હતું. જે મુજબ સંજયે મનહરભાઈને તેના મિત્ર રાહુલને કાલોલ મૂકી આવવાનું જણાવી મનહરભાઈને રાત્રે ઇકો ગાડીમાં ગોધરાના એક્સઠ પાટિયા નર્મદા કેનાલ પાસે લઈ ગયા હતા અને સંજય અને રાહુલે મનહરભાઈના ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. બાદમાં તેઓનો  મૃતદેહ પુરાવાનો નાશ કરવા માટે કેનાલમાં ફેંકી દીધો હતો.

  આ પણ વાંચો- Crime News: વડોદરામાં પાણીપુરી વેચતા યુવકની હત્યા થઇ, બે પોલીસ મથકમાં હદ બાબતે FIR ને લઇ આનાકાની

  બીજી તરફ મનહરભાઈ મોડી રાત્રી સુધી ઘરે પરત નહીં આવતાં તેઓના સ્વજનોએ મોબાઈલના માધ્યમથી સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ થઈ શક્યો નોહતો. જેથી પરિવારજનો ચિંતિત બની શોધખોળ આદરી હતી અને ઇકો ગાડીના ચાલક સંજય અને માલિક રેખાબેનને પૂછપરછ કરી હતી. દરમિયાન બંનેએ રાત્રે મનહરભાઈને તેઓના ઘર પાસે મૂકી ગયા હોવાનું રટણ કર્યુ હતું. બીજી તરફ મનહરભાઈના જમાઈ નરેન્દ્ર પરમાર સહિતે મનહરભાઈના કોઈ જ સગડ નહિં મળતા ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ગુમ થયા અંગે જાણ કરી હતી.

  આ પણ વાંચો- Kesar Mango: કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે બમણા રૂપિયા ચૂકવવા પડી શકે છે?

  જેના આધારે પોલીસ એક્શનમાં આવી હતી અને રેખાબેન તેમજ સંજય બંનેને પોલીસ મથકે બોલાવી પૂછપરછ કરી હતી. દરમિયાન પણ બંનેએ પોલીસને ગેરમાર્ગે દોરવા એક જ રટણ જારી રાખ્યું હતું. જોકે પોલીસની કડકાઈભરી પૂછપરછમાં આખરે સંજયે મનહરભાઈની તેના મિત્ર રાહુલની મદદથી હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસ સંજયને સાથે લઈ કેનાલ ખાતે દોડી ગઈ હતી અને મનહરભાઈના મૃતદેહની શોધખોળ આદરી હતી પરંતુ કોઈ જ સગડ મળી આવ્યા નોહતા. પોલીસ અને સ્વજનોએ બીજા દિવસે પણ મનહરભાઈના મૃતદેહની શોધખોળ માટે ફાયરબ્રિગેડ અને એનડીઆરએફ ટીમની મદદ લઇ શોધખોળ જારી રાખી હતી. દરમિયાન મંગળવારે બપોર સુધી મૃતદેહ મળી આવ્યો નોહતો.

  સમગ્ર બનાવ અંગે મનહરભાઈ ઝાલાના જમાઈ નરેન્દ્ર પરમારે ગોધરા એ ડિવીઝન પોલીસ મથકે સંજય દેવીપૂજક, રેખાબેન પરમાર અને રાહુલ ઉર્ફે પિન્ટુ સામે પૂર્વ આયોજિત કાવતરૂ, હત્યા અને પુરાવાના નાશ કરવા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે ઉક્ત ગુનામાં આરોપીઓની ધરપકડ કરવા માટે કોવિડ પરીક્ષણ કાર્યવાહી હાથ ધરી હત્યામાં ઉપયોગ લેવાયેલી ઇકો ગાડી કબ્જે લઇ વધુ તપાસ શરૂ કરી છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Godhara, Godhara Crime, Godhara News, Gujarati news, ગોધરા

  આગામી સમાચાર