Gadiya gangs encounter- પોલીસ દ્વારા જે આત્મરક્ષામાં ફાયરિંગ કરવામાં આવ્યું તે ફાયરિંગમાં જે હનીફ નામનો વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં 86 જેટલા ગુના નોંધાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે
રાજકોટ : નૂતન વર્ષના પ્રારંભના જ દિવસોમાં સુરેન્દ્રનગર પોલીસના (Surendranagar Police)હાથે ગેડિયા ગેંગના (Gadia Gang)વોન્ટેડ પિતા-પુત્ર એન્કાઉન્ટરમાં (Encounter)ઠાર મરાયા છે. બંને પિતા પુત્રની લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ( Rajkot )શહેરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ખાતે ખસેડવામાં આવી છે. જોકે પરિવારજનો દ્વારા એન્કાઉન્ટર નકલી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમજ પરિવારજનો દ્વારા તટસ્થ તપાસની માંગ સાથે મૃતકોની લાશ ન સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે પોલીસે હાલ બંને મૃતકોના મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની ફરજ પડી છે.
શનિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ચોકડી નજીક પોલીસ તહેવાર અંતર્ગત પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો તેમજ તેમજ તેના પુત્ર મદીન દ્વારા પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન પોલીસ દ્વારા સામા પક્ષે જવાબી કાર્યવાહી અંતર્ગત ફાયરિંગ કરવામાં આવતા બંને પિતા-પુત્રનું મોત થયું હતું.
સમગ્ર મામલે સુરેન્દ્રનગરના ડીવાયએસપી હિમાંશુ દોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજસીટોકનો ફરાર આરોપી હનીફ ખાન ગેડીયા છુપાયેલો હોવાની બાતમી માલવણના પીએસઆઈ વી. એન. જાડેજા અને તેમની ટીમને મળી હતી. પોલીસ ટીમ જ્યારે આરોપીઓના છુપાવાના સ્થળે પહોંચી ત્યારે હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ પીએસઆઇ જાડેજા ઉપર કર્યું હતું. જ્યારે કે તેના પુત્ર મદીન ખાને પણ ધારીયું લઈ પીએસઆઇ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે પીએસઆઇને પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પીએસઆઇ જાડેજાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી આત્મ રક્ષા અર્થે ફાયરિંગ કરતા પિતા પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં ગેડીયા ગામની ગેંગ 123 જેટલા ગુનાઓ આચરી ચૂકી છે. તેમજ ગુજરાતના સાત જિલ્લામાં તેઓ આતંક પણ મચાવી ચૂક્યા છે. તેમજ પોલીસ દ્વારા આ ગેંગના સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસ દ્વારા જે આત્મરક્ષામાં ફાયરિંગ કરવામાં આવ્યું તે ફાયરિંગમાં જે હનીફ નામનો વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં 86 જેટલા ગુના નોંધાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પોલીસમાં નોંધાયેલા 86 ગુના પૈકી અનેક ગુનામાં તે પોલીસના હાથે લાગ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.