દેશમાં હાલ વિવિધ સંવેદનશીલ મુદ્દાઓ સાથે CAA પ્રદર્શનો થઇ રહ્યાં છે. જેથી સમગ્ર રાજ્યની પોલીસ સહીત તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર છે. ગુજરાતમાં પણ આ કાયદાનો અમદાવાદ અને વડોદરામાં શાહીનબાગ સ્ટાઇલમા વિરોધ શરૂ થતાં રાજ્યની પોલીસ સહીત તમામ સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. ત્યારે અમદાવાદ હાઇકોર્ટને મળેલા પત્રએ મોડી રાત્રે પોલીસને દોડતી કરી હતી. જોકે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની મદદથી પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. મોડી રાત સુધી ચાલેલા આ ચેકિંગમાં કોઇ પણ વાંધા જનક ચીજવસ્તુ મળી આવી ન હતી.
અમદાવાદ હાઇકોર્ટને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેમાં અમદાવાદ, નડિયાદ, આણંદ અને વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાત હતી. આ બાબતની ગંભીર નોંધ લેતા અમદાવાદ કોર્ટે તાત્કાલીક ઇ-મેઇલ મારફતે વડોદરા પોલીસને જાણ કરી હતી. વડોદરા પોલીસને ઇ-મેઇલ મળતાં જ કોન્ટ્રોલ રૂમે સ્થાનિક પોલીસ, એસ.ઓ.જી તેમજ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને જાણ કરી હતી. મોડી રાત્રે કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પહોંચી ગયો હતો.
પત્રની ગંભીરતાને જોતા પોલીસના ઉચ્ચઅધિકારીઓ પણ તાત્કાલીક દોડી આવ્યાં હતા. જોકે મોડી રાતે સુધી બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ અને પોલીસે સમગ્ર કોર્ટ પરિસરમાં ચેકિંગ કર્યું હતુ. પરંતુ કોઇ પણ વાંધાજનક ચીજ વસ્તુ ન જણાતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. જોકે હાલની પરિસ્થિતિને જોતા સાવચેતીના ભાગરૂપે પોલીસે આજે સવારથી જ ફરી કોર્ટ પરિસરમાં ચેકિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જોકે પોલીસને કોર્ટ સંકૂલ માંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે પણ રાહતનો દમ લીધો હતો