Home /News /gujarat /Gujarat Budget 2023: ગુજરાતનું બજેટ ફુલ ગુલાબી રહેશે! લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાણામંત્રી કરી શકે છે લહાણી
Gujarat Budget 2023: ગુજરાતનું બજેટ ફુલ ગુલાબી રહેશે! લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાણામંત્રી કરી શકે છે લહાણી
નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બજેટ રજૂ કરશે
Gujarat Budget 2023: આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે અને આ બજેટ ફુલ ગુલાબી રહેશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. જંગી બહુમતી અને આગામી સમયમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટમાં તેની અસર જોવા મળી શકે છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાની ભેટ આપશે કે કેમ તેના પર સૌ કોઈની નજર રહેશે.
અમદાવાદઃ આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું બેજટ રજૂ કરવાના છે. આ બજેટ ફુલ ગુલાબી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બજેટમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરીને સરકાર રાજ્યના નાગરિકોને મોટી ભેટ આપી શકે છે. આ સિવાય સ્વાસ્થ્ય સેવાઓને અનુલક્ષીને કેટલાક મહત્વના નિર્ણયો બજેટમાં લેવાઈ શકે છે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ આજે પોતાના કાર્યકાળનું બીજુ બજેટ રજૂ કરવાના છે.
વિઘાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીતીને ભાજપે જૂના રેકોર્ડ્સ તોડ્યા હતા, હવે તેની અસર બજેટમાં પણ જોવા મળી શકે છે. જે રીતે પ્રજાએ પ્રેમ દર્શાવ્યો છે તેનો પ્રેમ હવે વિધાનસભામાંથી પ્રજાને વહેંચવામાં આવશે તેવું માનવામાં આવે છે.
બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી અંગે લેવાશે મોટો નિર્ણય?
ચૂંટણી ઢંઢેરામાં જે મુદ્દાઓ ઉલ્લેખવામાં આવ્યા હતા તેને પણ આજના બજેટમાં આવરી લેવામાં આવશે. એક તરફ જંતરીનો માર પ્રજા પર ઝીંકવામાં આવ્યો છે તો સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે છે કે નહીં તેના પર સૌ કોઈની નજર રહેશે. રિયલ એસ્ટેટ સેક્ટર તરફથી સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેની અસર બજેટમાં જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીની અસર બજેટમાં જોવા મળશે?
વર્ષ 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે. ગુજરાતમાં ભાજપ બે ટર્મથી તમામ 27 બેઠકો પરથી ઉમેદવારોને જીતાડીને દિલ્હી મોકલી રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ આ જાદૂને યથાવત રાખવા માટે બજેટમાં કેટલાક મુદ્દાઓનું ધ્યાન રાખવામાં આવશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વર્ષના બજેટમાં ગુજરાતની પ્રજા પર વેરાનું ભારણ નાખવામાં નહીં આવે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ સિવાય કેટલીક લહાણી પણ કરવામાં આવી શકે છે.
કોંગ્રેસે બજેટસત્રના આગલા દિવસે એટલે શુક્રવારે વિધાનસભામાં હોદ્દેદારોની વરણી કરી છે. જેમાં દંડક, ઉપદંડક, ખજાનચી અને પ્રવક્તાની નિમણૂક કરવામાં આવી છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાને દંડક બનાવવામાં આવ્યાં છે. જ્યારે ઉપ દંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચુડાસમા, ઈમરાન ખેડાવાલાની વરણી કરવામાં આવી છે. દિનેશભાઈ ઠાકોરને કોંગ્રેસના ખજાનચી બનાવવામાં આવ્યા છે. જ્યારે ડો.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ અને કાંતિભાઈ ખરાડીની પ્રવક્તા તરીકે નિમણૂંક કરવામાં આવી છે.