અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે ઉત્તરાયણ પર પતંગ ચગાવનાર રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ઉત્તરાયણના તહેવારને લઈને થયેલી અરજી મામલે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો નથી. જોકે ઉત્તરાયણની ઉજવણી હાઇકોર્ટના આદેશ મુજબ નિયમોની કડક અમલવારી સાથે કરવાની રહેશે. નિયમોનો ભંગ કરનાર સાથે આઇપીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.
આ નિયમોનું રાખવું પડશે ધ્યાન
- જાહેર સ્થળો-રસ્તાઓ અ્ને ખુલ્લા મેદાનો પર પતંગ ચગાવવાની મંજૂરી નહીં.
- કોરોનાના પગલે ઉત્તરાયણની ઉજવણી માત્ર કુટુંબની નજીકના સભ્યો સાથે જ કરવાની રહેશે.
- માસ્ક વિના કોઇ પણ વ્યક્તિઓ પતંગ ચગાવવા માટે સોસાયટી-ફ્લેટના ધાબા પર ભેગા થવાનું નહીં.
- ફરજિયાત સામાજિક અંતરના નિયમો અને સેનિટાઇઝની વ્યવસ્થા કરવાની રહેશે.
- ફ્લેટ કે સોસાયટીના રહીશો સિવાયના કોઇ મેમ્બર્સ-મહેમાનોને ધાબા-અગાશી પર મંજૂરી નહીં. જો આ નિયમનો ભંગ થશે તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને જવાબદાર ગણી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.
- ફલેટ કે સોસાયટીના ધાબા પર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા પર પ્રતિબંધ.
- લાઉડસ્પીકર્સ, ડીજે અને મ્યુઝિક સિસ્ટમનો વપરાશ કરવો નહીં.
- ૬૫ વર્ષથી વધુની વ્યક્તિઓ, કો-મોર્બિડિટીઝ સાથેની વ્યક્તિઓ, 10 વર્ષથી નાના બાળકોને ઘરની અંદર રહેવાની ભલામણ.
આ પણ વાંચો - ઉત્તરાયણમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં, નિયમો સાથે હાઇકોર્ટે આપી મંજૂરી
- રાઇટિંગ, સ્લોગન કે કોઇ પ્રકારના ફોટા પતંગ પર લગાવવા નહીં, જેથી કોઇની ભાવનાઓને ઠેસ ન પહોંચે.
- ચાઇનિઝ તુક્કલ, સિન્થેટિક કાંચ અ્ને પ્લાસ્ટિકના માંજા(દોરી) પર પ્રતિબંધ.
- રાયપુર, જમાલપુર, ટંકશાળ, નરોડા વગેરે વિસ્તારોમાં ભરાતા પતંગબજારોમાં જતાં લોકોએ કોવિડ પ્રોટોકોલ્સનો અમલ કરવાનો રહેશે. પોલીસને મદદરૂપ થવાના રહેશે.
- અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે રાત્રી કરફ્યૂ માટેના નિયમોનો કડક અમલ કરવાનો રહેશે.
- ડ્રોન, સીસીટીવીની મદદથી ઉક્ત તમામ નિયમોની અમલવારી થાય છે કે કેમ તેનું સઘન પેટ્રોલિંગ અને સર્વેલન્સ રખાશે.
- જો કોઇ વ્યક્તિ આ નિયમો, સૂચનોનો ભંગ કરતાં જણાશે તો તેની સામે આઇપીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અન્વયે દંડાત્મક કાર્યવાહી થશે.