નર્મદાના કાંઠે આવેલું દેશનું પ્રથમ મતદાન મથક : લોકો હોડીમાં બેસી આવે છે મતદાન કરવા

News18 Gujarati
Updated: April 29, 2019, 2:33 PM IST
નર્મદાના કાંઠે આવેલું દેશનું પ્રથમ મતદાન મથક : લોકો હોડીમાં બેસી આવે છે મતદાન કરવા
અહીં મતદાન માટે હોડીમાં જવું પડે છે.

  • Share this:
દીપક પટેલ, નર્મદા : દેશમાં આજે (સોમવારે) ચોથા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આજે મહારાષ્ટ્રની લોકસભાની 17 બેઠકો માટે મતદાન યોજાયું છે. ત્યારે અમે તમને દેશનું પ્રથમ મતદાન મથક બતાવવા જઈ રહ્યા છીએ. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તુલાકાના મનીબેલી ગામને દેશનું પ્રથમ મતદાન મથક કહેવામાં આવે છે. આ ગામ સરદાર સરોવર બંધના ઉપરવાસમાં આવેલું છે. નંદુરબાર બેઠક આદિવાસી માટે અનામત બેઠક છે. આ વર્ષે આ બેઠક પર 11 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

નાવડીમાં બેસીને મતદાન કરવા જાય છે લોકો

મનીબેલી ગામમાં કોઈ જ ચૂંટણી પ્રચાર કરવામાં આવતો નથી. જોકે, લોકશાહીને જીવંત રાખવા માટે અહીંના આદિવાસી મતદારો નાવડીઓમાં બેસીને મતદાન મથક સુધી મતદાન કરવા આવે છે. આ ગામ એવું છે કે અહીં વીજળી કે રસ્તો નથી. અહીં પાણીની વચ્ચે લોકો રહે છે. પાણી વચ્ચે રહેવા છતાં અહીં પાણી નથી. ગ્રામજનો અનેક મુશ્કેલી વેઠી રહ્યા છે.

પ્રથમ મતદાતાનું સ્વાગત કરાયું.


કપરી સ્થિત છતાં મતદાન કરવામાં ઉત્સાહ દેખાડનાર આ ગામ સુધી ન્યૂઝ18 ગુજરાતી પહોંચ્યું હતું. જ્યાં જવા માટે કોઈ રસ્તો નથી ત્યાં અમારી ટીમ પહોંચી હતી. આ ગામ એક બેટ છે, જ્યાં પહોંચવા આદિવાસીઓ જળમાર્ગનો ઉપયોગ કરે છે. દેશના પ્રથમ મતદાન મથક ગણાતા આ મથક પર આવવા માટે ચૂંટણી પર ફરજ નિભાવતા કર્મચારીઓએ પણ ઘણી મુશ્કેલી વેઠવી પડી હતી.

નર્મદા ડેમની ઉપરવાસમાં આવેલું છે આ ગામ
પ્રથમ મતદાતાનું કરાયું સ્વાગત

આ વખતે મતદાન દરમિયાન દેશના પ્રથમ મતદાન મથકમાં પ્રથમ મતદાર એવાં વરસન વિજીયા વસાવેનું ચૂંટણી અધિકારીઓએ શ્રીફળ અને ફૂલ આપીને સન્માન કર્યું હતું. આ મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ગ્રામજનોના કહેવા મુજબ આ ચૂંટણીમાં તેમના ગામમાં પ્રચાર માટે કોઈ જ નેતા આવ્યા ન હતા છતાં ગામના લોકો પોતાની ફરજ સમજીને મતદાન કરે છે.

મતદાન માટે રાહ જોતા લોકો


મનીબેલી ખાતે મતદાન કરનારા દેશના પ્રથમ વોટરે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે, "અહીં વોટર્સ હોવા છતાં સરકારે કોઈ વ્યવસ્થા કરી નથી. અહીં રસ્તા કે પાણી કે પરિવહનની કોઈ સુવિધા નથી. ગામમાં વિકાસ થાય તે માટે અમે વોટ આપ્યો છે. ગામમાં સરકારે કોઈ યોજના આપી નથી."

પ્રિસાઇડિંગ ઓફિસર


અહીં ફરજ પર રહેલા પ્રિસાઇડિંગ ઓફિસરે જણાવ્યું હતું કે, "મને ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું છે કે તમને દેશના પ્રથમ મતદાન મથક પર ફરજ પર મૂકવામાં આવ્યા છે. અહીં આવવા માટે ખૂબ અગવડતા પડી હતી. અહીં વીજળી કે પાણીની સમસ્યા છે. દેશના પ્રથમ વોટિંગ મથક પર ફરજ કરીને મને ખૂબ આનંદ થયો છે."
First published: April 29, 2019
વધુ વાંચો
अगली ख़बर