Rajkot Crime: પ્રેમ સંબંધ બાદ બંને એક વર્ષ પૂર્વે નેહાનાં પરિવારની મંજૂરી વગર પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ નેહાના કૃત્યથી નારાજ પરિવારજનો અવારનવાર રાહુલને જાનથી મારી નાખવાની ધાક ધમકી પણ આપતા હતા.
રાજકોટ શહેરમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં એક વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ યુવકના ઘર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પેડક રોડ પર આવેલાં નારાયણ નગરમાં રહેતા રાહુલ ભુત નામના યુવાને કોલેજમાં સાથે અભ્યાસ કરતી તેમજ રણછોડ નગર વિસ્તારની રહેવાસી નેહા ડાંગર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ બાદ બંને એક વર્ષ પૂર્વે નેહાનાં પરિવારની મંજૂરી વગર પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ નેહાના કૃત્યથી નારાજ પરિવારજનો અવારનવાર રાહુલને જાનથી મારી નાખવાની ધાક ધમકી પણ આપતા હતા.
જે બાબતની અરજી રાહુલ ભૂત દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ આપવામાં આવી હતી. ત્યારે ગત રવિવારે રાહુલ તેમજ તેની પત્ની નેહાને માતા ગીતાબેન સહિતનાઓ ઘરે હતા. ત્યારે નેહાના કૌટુંબિક કાકા મહિપત ભાઈ ડાંગર રામદેવ ભાઈ ડાંગર તેમજ અન્ય શખ્સો તલવાર સાથે ઘરે ધસી આવ્યા હતા.
ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરેલ આ ત્રણેય શખ્સોએ ઘરના દરવાજા પર તલવારના ઘા ઝીંકી હોબાળો મચાવ્યો હતો. દરવાજો ખોલતાં જ નેહા ના કાકા મહિપત ભાઈ ડાંગરે ગાળો ભાંડી નેહા ને સાથે લઈ જવાની વાત કરી હતી. તેમજ સમગ્ર મામલામાં ગીતાબહેન વચ્ચે પડતાં નેહાના કાકાએ ગીતાબેનને તમાચો ઝીંકી માર પણ માર્યો હતો.
બિહારના કૌટુંબિક કાકાએ કહ્યું હતું કે છોકરી પાછી આપી દો નહીં તો હજુ પણ ઢોર માર મારીશું. ત્યારે સમગ્ર ઘટના CCTV ફુટેજમાં પણ કેદ થવા પામી છે. ત્યારે સમગ્ર મામલે રાહુલ અને તેના પરિવાર દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર