Home /News /gujarat /પરિષદ અને અકાદમી વચ્ચે ગૂંગળાતું સાહિત્ય !

પરિષદ અને અકાદમી વચ્ચે ગૂંગળાતું સાહિત્ય !

એકાધિકારનો લોભ ક્યારે છૂટશે ? યુવાઓને સાહિત્યનો વારસો તો ના આપી શક્યા, નવા પ્રયાસોને પણ ગૂંગળાવી નખાશે ?

એકાધિકારનો લોભ ક્યારે છૂટશે ? યુવાઓને સાહિત્યનો વારસો તો ના આપી શક્યા, નવા પ્રયાસોને પણ ગૂંગળાવી નખાશે ?

અમદાવાદ :

ગુજરાતમાં સાહિત્ય, સાહિત્યિક પ્રવૃત્તિ, નાટ્ય-રંગમંચ અને કલાપ્રવૃત્તિને શા માટે વેગ નથી મળતો તેનું વરવું ઉદાહરણ તાજેતરમાં આપણી સામે આવ્યું છે. નર્મદ, મેઘાણી, કાલેલકર, ઉમાશંકર, ધૂમકેતુ  કે ગુણવંતરાય આચાર્યનો સાહિત્યિક વારસાને આગળ ધપાવી નવી ગુજરાતી પેઢીને તેનો ઉત્તમોત્તમ વારસો આપવાનું તો બાજુ પર રહ્યું, પરંતુ આ પ્રવૃત્તિનું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કરનારા યુવા લોકોને પણ ગૂંગળાવી નાખવા માટે કેટલાક લોકો અધીરા બન્યા છે !

અહીં વાત કરવી છે : ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અકારણ વિવાદમાં સપડાયેલા "ગુજરાત લિટરેટર ફેસ્ટિવલ" અંગેની। સાહિત્ય, ફિલ્મ, કલા-વારસાની અવનવી વાતો, નામાંકિત વ્યક્તિઓ અને સંવાદનો મંચ લઈને છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદમાં "ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ" નું આયોજન થાય છે. મજેદાર સંવાદ, નવા રચનાકારોને અભિવ્યક્તિનો મંચ, રસપ્રદ માહોલ અને રસિકજનોના મેળાવડાનો સુંદર પ્રસંગ હોઈ, 3 થી 7 જાન્યુઆરી -એમ પાંચ દિવસ દરમિયાન યોજાયેલો આ ફેસ્ટિવલ ખાસ કરીને યુવાઓમાં ઘણો પ્રિય છે.

આ ફેસ્ટિવલમાં પરિષદ સાથે સંલગ્ન સાહિત્યકાર આવે છે કે અકાદમી સાથે જોડાયેલી વ્યક્તિ શામેલ થાય છે; તેની સાથે ભાવક યુવાવર્ગને ભાગ્યે જ કોઈ નિસ્બત હોય છે. વિવિધ કલાઓનું રસપાન કરવું એ જ એકમાત્ર ઉદેશ હોય ત્યારે પૂર્વે મંજૂરી આપ્યા પછી પણ કાર્યક્રમમાં ગેરહાજર રહીને "અવિવેક" દાખવવાનું આ વડીલ સાહિત્યકારોને શોભે ખરું ?

ગુજરાતી સાહિત્ય પરિષદને તકલીફ એ વાતની પડી  કે, "ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ"ને  અકાદમીએ સહયોગ આપ્યો છે ! અકાદમી આવી એટલે પરિષદને વાંકુ પડ્યું। પરિષદનો 2015નો ઠરાવ છે કે, અકદમી જે કાર્યક્રમ સાથે જોડાયેલી હોય ત્યાં પરિષદે ન જોડાવું। આ કારણે નામાંકિત ગણાતા કેટલાક સાહિત્યકારોએ  પાંચમી જાન્યુઆરી, 2018 ના રોજ  તેમનો પૂર્વનિર્ધારિત કાર્યક્રમ હોવા છતાં તેમાં જવાનું ટાળ્યું। શક્ય છે, આ ઠરાવ અંગે તેમને છેલ્લી ઘડીયે યાદ આવ્યું હોય !! આ મુદ્દે પરિષદના મંત્રી પ્રફુલ્લ રાવલનું કહેવું છે કે, જ્યાં સુધી અકદમી 'સ્વાયત્ત' ના થાય ત્યાં સુધી અકાદમીના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આયોજિત કરેલા કોઈપણ કાર્યક્રમમાં પરિષદ સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિએ વક્તા તરીકે શામેલ થવું નહિ. આ અંગે પરિષદે 2015માં ઠરાવ કરેલો।

જો કે અકાદમીના અધ્યક્ષ ડૉ.વિષ્ણુ પંડ્યા સાહિત્ય "સ્વાયત્ત" જ છે એવું દૃઢપણે માને છે. એટલું જ  નહિ, પરિષદે આ પ્રકારના ફતવાઓ અંગે પુનઃ વિચાર કરવો જોઈએ તેવું પણ સૂચવ્યુ। સાહિત્યિક પ્રવૃતિઓ અને કલા-વારસાને મળેલા આ "પ્લેટફોર્મ" પર 'ખલનાયક'ની ભૂમિકા અદા કરી "રંગમાં ભંગ" પાડવાથી આખરે તો આ કથિત સાહિત્યકારોની જ નબળી માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. અકાદમી 'સ્વાયત' હોય કે ના હોય તે અંગેના વિવાદને ઉભો રાખવાની આ જગ્યા તો નથી જ.

"સ્વાયત્તતા" ના મુદ્દે લડાઈ અલાયદી રીતે ચાલુ છે અને રાખી પણ શકાય। આ મામલે ફરી ક્યારેક લડી શકાશે, કિન્તુ મેઘાણીભાઇની ભાષામાં કહીએ તો લડાઈ કે દુશ્મનાવટ નિભાવવાની એવી ખુમારી અને ખાનદાની આ સાહિત્યકારોને કોણ શીખવશે?
First published:

Tags: Academy, Conference, Litrechar

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन