હાર્દિક પટેલ, અરવલ્લીઃ રવિવારે રાજ્યના 2440 પરીક્ષા કેન્દ્રો પર લોક રક્ષક દળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે એસ.ટી. તંત્ર તરફથી પરીક્ષાર્થીઓને જે-તે શહેરમાં પહોંચાડવા માટે ખાસ વધારાની બસો ફાળવવામાં આવી છે. આ દરમિયાન પોલીસે અરવલ્લી જિલ્લામાં એક એસ.ટી. ડ્રાઇવરની અટકાયત કરી છે. ડ્રાઇવર પીધેલી હાલતમાં પરીક્ષાર્થીઓને લઈને જઈ રહ્યો હતો.
50થી વધારે ઉમેદવારોના જીવ જોખમમાં મૂક્યા
પોલીસે મોડાસા-ગાંધીનગર એસટી બસના ડ્રાઇવરની દારૂ પીવા બદલ ધરપકડ કરી છે. મોડાસા ડેપો મેનેજરને આ અંગેની જાણ થતાં તેણે પોલીસને જાણી કરી હતી અને ડ્રાઇવરને પોલીસને સોંપી દીધો હતો. દારૂના નશામાં બસ ચલાવીને બસના ડ્રાઇવર 50થી વધારે ઉમેદવારોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ મામલે ધનસુપા ખાતે ઉમેદવારોએ હોબાળો કર્યો હતો, જે બાદમાં ડેપો મેનેજરને જાણ કરવામાં આવી હતી.
મોડાસે ડેપો મેનેજરની સૂચના બાદ એસટીના ડ્રાઇવર લાલસિંહ જાડેજાની પોલીસે અટકાયત કરી લીધી હતી. પૂછપરછ દરમિયાન નફ્ફટ બનેલા ડ્રાઇવરે પોલીસે કહ્યું હતું કે, 'હા, થોડું પીધું છે.'
ડ્રાઇવર
સાબરકાંઠા
એલઆરડીની પરીક્ષા યોજાઈ છે ત્યારે હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઇવે પર ટ્રાફિકજામ થઈ જતાં પરીક્ષાર્થીઓ પરેશાન થઈ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે દેરોલ પાસે ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસે તાબડતોડ ટ્રાફિક ખુલ્લો કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં પરીક્ષાર્થીઓને લઈને જતી એસ.ટી.ની બસ ખોટવાઈ જતાં ઉમેદવારો પરેશાન થઈ ગયા હતો. લીમડી હાઇવે નજીક આ ઘટના બની હતી. બનાવ બાદ તાબડતોડ ટેક્નિકલ ટીમને બોલાવીને એસ.ટી. બસને ચાલુ કરવામાં આવતા પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.
એલઆરડી પરીક્ષા પર એક નજરઃ
- એલઆરડીની પરીક્ષાની સાથે સાથે આજે તંત્રની પણ પરીક્ષા છે. કારણ કે બીજી ડિસેમ્બરના રોજ પેપર લીક થતાં તંત્રની આબરૂ જવાની સાથે સાથે વિદ્યાર્થીઓના સમય અને પૈસાનો પણ વેડફાટ થયો હતો. - પરીક્ષાને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. - આશરે નવ હજાર જેટલી જગ્યા માટે પરીક્ષા યોજાઈ રહી છે. આ માટે રાજ્યના 2440 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે. - રાજ્યના 21 શહેરમાં પરીક્ષાનું આયોજન. 8.76 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. - પરીક્ષા પર સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં 283 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. - પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ચારથી વધારે લોકોનાં ભેગા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. - લાઉડ સ્પિકર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્ષની દુકાનો બંધ રાખવામાં આવશે. - પરીક્ષા ખંડમાં મોબાઇલ લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર